અમેરિકાના પ્રમુખ જો બાઇડેન સામે ગંભીર સંકટ સર્જાયું છે. તેમના ખાનગી નિવાસસ્થાનેથી કેટલાક ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. જેના કારણે વિવાદ સર્જાયા બાદ અમેરિકી એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે દેશના પ્રમુખ સામે તપાસ કરવા માટે વિશેષ વકીલ રોબર્ટ હૂરની નિમણૂંક કરી હતી.
દરમિયાન શુક્રવારે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રમુખ બાઇડેનના ગુપ્ત દસ્તાવેજો વિશે કશી જ જાણ નથી. બાઇડેને તપાસમાં પણ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. બાઇડેનના ડેલેવર સ્થિત ખાનગી મકાનના ગેરેજમાંથી આ દસ્તાવેજો મળ્યા હતા. વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ગુપ્ત દસ્તાવેજ બાઇડેન દેશના ઉપ પ્રમુખ હતા એ સમયગાળાના છે.
આ ઘરમાં બાઇડન નિયમિતપણે વીકએન્ડ મનાવવા આવતા હતા. આ ગુપ્ત દસ્તાવેજો વર્ષ 2009થી 2016 વચ્ચેના છે. અમેરિકી પ્રમુખના કાર્યાલયના વિશેષ વકીલ રિચર્ડ સૉબરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવેમ્બર 2022માં પેન બાઇડન સેન્ટરમાં સરકારી દસ્તાવેજો મળી આવ્યા બાદ બાઇડનના વિલમિંગ્ટન અને રેહોબોથ બીચ, ડેલેવર સ્થિત નિવાસસ્થાનોની તપાસ કરવામાં આવી હતી.
આ એવા સ્થળો છે જ્યાં 2017માં સત્તા હસ્તાંતરણ વખતે ઉપપ્રમુખના કાર્યાલયમાંથી કેટલીક ફાઇલો મોકલવામાં આવી હતી. સોબરે કહ્યું હતું કે વકીલોએ ગત રાત્રિએ તપાસ પૂર્ણ કરી લીધી છે. ન્યાય વિભાગે કહ્યું હતું કે એટર્ની જનરલ ગાર્લેન્ડ આ અંગે બાદમાં નિવેદન આપશે.
ગુપ્ત દસ્તાવેજ બાઇડેનના ઘરે કેવી રીતે પહોંચ્યા?
સીએનએનના રિપોર્ટ અનુસાર ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટ્સ એવા દસ્તાવેજો હોઈ શકે છે જેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચી શકે છે. ગુપ્તચર ગતિવિધિઓ, વિદેશી સંબંધ, સૈન્યની યોજનાઓ તથા ન્યૂક્લિયર મટિરિયલને લગતા દસ્તાવેજો ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટ્સ ગણાય છે. અમેરિકામાં આ પ્રકારના તમામ ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટ્સ પ્રેસિડેન્શિયલ રેકોર્ડ્સ એક્ટ હેઠળ એનએઆરએ (નેશનલ આર્કાઇવ્ઝ એન્ડ રેકોર્ડ્સ એડમિનિસ્ટ્રેશન)માં જમા કરી દેવામાં આવે છે. આ દસ્તાવેજો ક્યારે જાહેર કરવા કે કોણ તે જોઈ શકે એ અમેરિકી સરકાર નક્કી કરતી હોય છે.
મહાભિયોગ: ટોપ સિક્રેટ દસ્તાવેજ હશે તો બાઇડેન સામે કાર્યવાહી
અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દસ્તાવેજો અંગેની તપાસ શરૂ કરી છે. જો દસ્તાવેજો ટોપ સિક્રેટ શ્રેણી હેઠળ આવતા હશે તો કાર્યવાહી થશે. મહાભિયોગની કાર્યવાહી પણ શરૂ થઈ શકે છે. અગાઉ આ કારણે હિલેરી ક્લિન્ટનનું પ્રમુખ બનવાનું સપનું તૂટ્યું હતું. જ્યારે ટ્રમ્પે તેમના ઘરેથી મળેલા ગુપ્ત દસ્તાવેજો બદલ કાનૂની કાર્યવાહીનો સામનો કરવાનો નિર્ણય કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.