ભાસ્કર ઇનસાઇટ:કૌભાંડી મેહુલ ચોક્સીએ એન્ટિગુઆના નેતાઓ પર ફન્ડિંગનો દાવ અજમાવ્યો

ન્યૂયોર્ક22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેહુલ ચોક્સી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મેહુલ ચોક્સી - ફાઇલ તસવીર
  • વૉન્ટેડ મેહુલ ચોક્સી કેવી રીતે મુક્ત થયો?

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ રૂ. 13,500 કરોડની છેતરપિંડી કરનારો હીરા વેપારી મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુ દેશ ડોમિનિકલ રિપબ્લિકમાં ગેરકાયદે પ્રવેશ મામલામાં મુક્ત થઈને એન્ટિગુઆ પહોંચી ગયો છે.

આ મુદ્દે એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને ચુપકીદી તોડતા કહ્યું કે, ‘જો ચોક્સી એન્ટિગુઆ-બરમુડાનો નાગરિક ના હોત, તો અમારી સરકારે ચોક્સીને ભારત મોકલવામાં સમય બરબાદ ના કર્યો હોત!’ એન્ટિગુઆની સમાચાર એજન્સીઓના અહેવાલો પ્રમાણે, ચોક્સીએ એન્ટિગુઆ-બરમુડાના મુખ્ય વિપક્ષ સાથે ડીલ કરી છે. તેણે ચૂંટણી અભિયાનમાં ફન્ડિંગ કર્યું છે, જેના બદલામાં વિપક્ષે તેને સુરક્ષાનું વચન આપ્યું છે.

મેહુલ ચોક્સીની તપાસમાં સામેલ એક અધિકારીએ કહ્યું છે કે, ચોક્સીની ધરપકડ પછી જ યુપીપીએ નિયમિત પ્રેસ કોન્ફરન્સ કરીને ચોક્સીની મુક્તીનું અભિયાન ચલાવ્યું હતું. વિપક્ષ યુપીપી સરકાર સમક્ષ વારંવાર માંગ કરી રહી છે કે, ચોક્સીએ બહુ મોટું રોકાણ કરીને એન્ટિગુઆનું નાગરિકત્વ લીધું છે. એટલે તેને કોઈ સંજોગોમાં ભારત નહીં મોકલાય. નોંધનીય છે કે, થોડા સમય પહેલા ડોમિનિકન કોર્ટે ચોક્સીની એ દલીલ માન્ય રાખી હતી કે, તેનું અપહરણ કરીને એન્ટિગુઆથી ડોમિનિકન લઈ જવાયો હતો. બાદમાં કોર્ટે તેને મુક્ત કરી દીધો હતો. ચોક્સીની ધરપકડ કરાઈ ત્યારે એન્ટિગુઆ સરકારે કહ્યું હતું કે, ચોક્સીનું નાગરિકત્વ રદ કરીને તેને ભારત મોકલી દેવાશે. સરકારે તેનું નાગરિકત્વ રદ કરવાનું નોટિફિકેશન પણ જારી કર્યું હતું, પરંતુ યુપીપીએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો અને લોકોને તેની વિરુદ્ધ કોર્ટમાં જવા ઉશ્કેર્યા.

ચોક્સીના એન્ટિગુઆથી અપહરણ મુદ્દે સરકાર સ્પષ્ટતા કરેઃ વિપક્ષ
એન્ટિગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉને પણ વિપક્ષને ઘેરતા કહ્યું હતુંકે, ચોક્સીના નવા વકીલ અને યુપીપીના સભ્ય જસ્ટિન સાઈમન જ ચોક્સી અને વિપક્ષ વચ્ચેની કડી છે. વિપક્ષ ઈચ્છે છે કે, ચોક્સીને એન્ટિગુઆમાં બંધારણીય સંરક્ષણ મળે. તેની મુક્તિ પછી વિપક્ષે ચોક્સીના અપહરણને લઈને સરકારને ઘેરી છે. યુપીપીના નેતા હેરોલ્ડ લોવેલે કહ્યું છે કે, સરકારે આખો મામલો પ્રજા સમક્ષ સ્પષ્ટ કરવો જોઈએ.

વિપક્ષના દબાણ પછી એન્ટિગુઆના પીએમએ લાચારી વ્યક્ત કરી
વિપક્ષના દબાણ પછી વડાપ્રધાન બ્રાઉન પણ બેકફૂટ પર છે. તેમણ વિપક્ષના આરોપો અંગે કહ્યું છે કે, અમારી સરકારે ચોક્સીનું અપહરણ થવામાં કોઈ મદદ નથી કરી. અમે અનેકવાર જાહેરમાં કહ્યું હતું કે, મેહુલ ચોક્સીને ડોમિનિકાથી સીધો ભારત મોકલીશું, પરંતુ તેનો આધાર એ ન હતો કે, તેણે દ્વીપ છોડી દીધો છે. એ વખતે મને અને મારી સરકારને તેને અપહરણનો જરા પણ અંદાજ ન હતો.

કેરેબિયન દ્વીપોનો ડરઃ ગુનેગારોનું પ્રત્યાર્પણ કરીશું, તો અબજો ડૉલરની આ ઈન્ડસ્ટ્રી જ બરબાદ થઈ જશે
કેરેબિયન દ્વીપોના ગુનેગારોને સંરક્ષણ આપતી અબજો ડૉલરની ઈન્ડસ્ટ્રી ફૂલીફાલી રહી છે. આ મુદ્દે નિષ્ણાત એન. માર્લોની તપાસ પ્રમાણે, 30થી વધુ દેશોમાં નાગરિકાના કાયદા સરખા છે, પરંતુ આ દ્વીપોની ઓફર વધુ આકર્ષક હોય છે. અહીં નાગરિકત્વ લેવું ઘણું સસ્તું છે. આ ઉપરાંત વ્યક્તિએ પોતાના બેકગ્રાઉન્ડની કોઈ માહિતી પણ નથી આપવી પડતી. પૂર્વ કેરેબિયન દ્વીપોની સરકારોને ડર છે કે, જો તેઓ પ્રત્યાર્પણ શરૂ કરશે, તો અબજો ડૉલરની આ ઈન્ડસ્ટ્રી બરબાદ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...