સાઉદી અરબનો એશિયન દેશો સાથે અન્યાય:ભારત-ચીન માટે ક્રૂડ ઓઇલના ભાવ અંદાજ કરતાં વધુ વધાર્યા, અમેરિકા માટે યથાવત્

20 દિવસ પહેલા
  • જૂનની સરખામણીએ ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલદીઠ 2.1 ડોલરનો વધારો કર્યો

સમગ્ર દુનિયામાં તેલના સૌથી વધુ નિકાસકાર સાઉદી અરબે એશિયાઈ ખરીદદારો માટે કાચા તેલની કિંમતમાં અંદાજ કરતાં વધુ ભાવ વધારી દીધા છે. જુલાઈ મહિનામાં ગરમી અને વધતી માગને ધ્યાનમાં રાખીને કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ભારત સાઉદી અરબથી મોટી માત્રામાં તેલની આયાત કરે છે. જુલાઈ મહિનામાં એશિયાઈ દેશો માટે અરબ લાઈટ ક્રૂડ ઓઈલના ઓફિશિલ સેલ પ્રાઇસ (OSP)માં જૂનની સરખામણીએ 2.1 ડોલર પ્રતિ બેરલનો વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતાં શક્ય છે કે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

ક્રૂડ ઓઈલમાં બજાર નિષ્ણાતોના અંદાજ કરતાં વધુ વધારો થયો
આ વધારો મોટા ભાગના બજાર નિષ્ણાતોના અંદાજ કરતા ઘણો વધારે છે. મોટા ભાગના નિષ્ણાતોને ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ 1.5 ડોલરના વધારા થવાની શક્યતા હતી. રોઇટર્સના પોલમાં છમાંથી માત્ર એકે ક્રૂડ ઓઈલની કિંમતમાં 2 ડોલરના ઉછાળાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
એશિયાના એક તેલ ટ્રેડરના જણાવ્યા પ્રમાણે, ક્રૂડ ઓઈલની કિંમતમાં આટલો વધારો થવાની શક્યતા નહોતી, ખાસ કરીને અરબ લાઈટ ક્રૂડની કિંમતમાં આટલો વધારો થવાનો અંદાજ નહતો.

દુનિયામાં તેલની સૌથી મોટી કંપની સાઉદી અરામકોએ આ વધારો કર્યો છે. આ નિર્ણય જુલાઈમાં તેલનું ઉત્પાદન રોજનું 6,48,000 બેરલ વધારવાના ઓપેક પ્લસ દેશો વચ્ચે થયેલી સમજૂતી પછી કરવામાં આવ્યો છે. જોકે રશિયા, અંગોલા અને નાઈજીરિયા જેવા ઓપેક પ્લસના સભ્ય દેશો માટે તેલ ઉત્પાદનનો લક્ષ્ય પૂરો કરવો મુશ્કેલ લાગી રહ્યો છે. ઓપેક પ્લસ દેશોને જુલાઈ અને ઓગસ્ટમાં તેલના ઉત્પાદનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મુશ્કેલી આવી શકે છે. દુનિયામાં તેલના સૌથી મોટા આયાતકાર ચીન પણ શંઘાઈ સહિત તેમનાં અમુક શહેરો ફરી ખોલી રહ્યાં છે. કોવિડ-19ને કારણે લાગેલા લોકડાઉન પછી આ શહેરોમાં ફરી કામકાજ શરૂ થયાં છે.

એક અન્ય એશિયાઈ ટ્રેડરે કહ્યું છે કે અત્યારે ક્રૂડ ઓઈલની માગ ખૂબ વધારે છે. સાઉદી અરબ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો કરી શકે એવી સ્થિતિમાં છે.

ભારત અને ચીન વધુ ડિસ્કાઉન્ટથી રશિયા પાસેથી તેલ ખરીદે છે
જોકે આ દરમિયાન ભારત અને ચીન સતત રશિયાનું તેલ ખરીદી રહ્યા છે. આ દેશોએ યુક્રેન અને રશિયા હુમલા વખતે રશિયા પર કોઈપણ પ્રકારના પ્રતિબંધો લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. ભારત અને ચીન મોટા ડિસ્કાઉન્ટથી રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે.
સાઉદી અરામકોએ રવિવારે રાતે યુરોપિયન અને ભૂમધ્ય દેશો માટે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો કર્યો હતો. અમેરિકા માટે ક્રૂડ ઓઈલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

ઓપેક પ્લસ દેશોની સાખ પ્રભાવિત થઈ
ઓપેક પ્લસ દેશોના ગ્રુપે ગયા સપ્તાહે બેઠક કરી હતી. આ બેઠક પછી કહેવામાં આવ્યું કે રશિયાના તેલની ભરપાઈ કરવા માટે ઓપેક દેશ તેલ ઉત્પાદન વધારશે. હકીકતમાં યુક્રેન પર રશિયાના હુમલાના કારણે પશ્ચિમી દેશોએ તેમના પર પ્રતિબંધ લગાવ્યા હતા. જોકે ઓપેકના નિર્ણયના તરત પછી સાઉદી અરબે જાહેરાત કરી છે કે તે એશિયા અને યુરોપમાં પોતાના ગ્રાહકો માટે જુલાઈ મહિનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરેશે. ક્રૂડ બજાર માટે સમસ્યા એ છે કે ઓપેક પ્લસ દેશોની વિશ્વસનીયતા પ્રભાવિત થઈ છે. હકીકતમાં ઓપેક પ્લસ દેશ હાલ પણ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન એટલું નથી કરતો જેટલું તેણે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...