અરુણાચલના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પછી સ્થિતિને નિયંત્રણમાં લાવવા ભારતના પ્રયાસોનું અમેરિકાએ સમર્થન કર્યું છે. પેન્ટાગોનના પ્રેસ-સચિવ પેટ રાઇડરે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે "અમે અમારા સહયોગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારી પ્રતિબદ્ધતામાં અડગ રહીશું. ભારતે જે પ્રકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો, અમે તેમના પ્રયાસોનું સમર્થન કરીએ છીએ. તેઓ આગળ જણાવે છે, ભારત-ચીન સરહદ પર ચાલી રહેલી ગતિવિધિઓ પર અમેરિકાની નજર છે.
ચીનની આક્રમકતા અમારા સાથી દેશો સામે વધી રહી છેઃ અમેરિકા
પેટ રાઇડરે વધુમાં કહ્યું હતું કે ચીન પણ અમેરિકાના સહયોગી અને ભાગીદારો સામે આક્રમક બની રહ્યું છે. તેમણે કહ્યું હતું કે LAC બાદ હવે ચીન ભારત સિવાય અન્ય દેશો માટે પણ દરિયાઈ સરહદમાં મોટો પડકાર બની રહ્યું છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીની સેનાની હાજરી ચિંતાનો વિષય છે.
મંગળવારે વ્હાઈટ હાઉસમાં નિવેદન જાહેર કર્યું હતું
પ્રેસ-બ્રીફિંગ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ-સચિવ કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે યુએસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બંને પક્ષોએ સરહદ વિવાદ પર ચર્ચા કરવા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ.
"અમને ખુશી છે કે અથડામણ પછી બંને પક્ષો તરત જ છૂટા પડી ગયા. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારત અને ચીનને સરહદ વિવાદ પર ચર્ચા કરવા માટે વર્તમાન દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ,"
હવે જાણો ચીને ક્યારે અને ક્યાં મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું...
ચીન LAC પર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી વધારી રહ્યું છે
સપ્ટેમ્બર 2019માં ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગામડાંની સ્થાપના કરવામાં આવી હતી. સેટેલાઇટ ઇમેજમાં અરુણાચલ પ્રદેશમાં ચીનની એક તરફ એન્ક્લેવનું નિર્માણ જોવા મળ્યું હતું, જેમાં લગભગ 60 ઈમારત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. 2019 પહેલાં આ જમીન પર એકપણ ઈમારત નહોતી અને 2021માં 60 ઈમારત બનાવવામાં આવી હતી.
મે 2022માં ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ કહ્યું હતું - ચીનની પીપલ્સ લિબરેશન આર્મી અરુણાચલ પ્રદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક પોતાની તાકાત વધારી રહી છે. ચીન તિબેટ ક્ષેત્રમાં LAC પાસે મોટે પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે. ચીન તેની સરહદ નજીક રોડ, રેલ અને એર કનેક્ટિવિટી વધારી રહ્યું છે.
એપ્રિલ 2022માં હોટ સ્પ્રિંગ વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા હતા
એપ્રિલ 2022માં ચીને LACને અડીને આવેલા હોટ સ્પ્રિંગમાં 3 મોબાઇલ ટાવર સ્થાપિત કર્યા. લદાખના ચુશુલ ક્ષેત્રના કાઉન્સિલર કોંચોક સ્ટેનઝિને સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. કોંચોકે કહ્યું હતું કે ચીને પેંગોંગ લેક પર પુલ બનાવ્યો છે અને હવે તે સરહદ નજીક મોબાઈલ ટાવર બનાવી રહ્યું છે. ચીન પહેલેથી જ ભારતની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન આ ટાવરનો ઉપયોગ ભારતીય વિસ્તારમાં દેખરેખ માટે કરી શકે છે.
ચીની સેનાએ ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા
રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથે કહ્યું- 9 ડિસેમ્બર, 2022ના રોજ PLA ટુકડીઓએ તવાંગમાં LACનું ઉલ્લંઘન કર્યું અને નિયમો તોડ્યા. ભારતીય સેનાએ પીએલએને અતિક્રમણ કરતાં અટકાવ્યું. તેને પોતાની પોસ્ટ પર જવાની ફરજ પડી હતી.
રક્ષામંત્રીએ કહ્યું હતું કે આ ઘટનામાં બંને દેશના કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા છે. આપણા સૈનિકોમાંથી એકપણ મૃત્યુ પામ્યો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. આપણે સમયસર પગલાં લીધા, જેને કારણે ચીની સૈનિકો ભાગ્યા હતા. આ પછી સ્થાનિક કમાન્ડરે વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બરે ચીની કાઉન્ટર પાર્ટ સાથે ફ્લેગ મીટિંગ કરી. ચીનને આવી કાર્યવાહી માટે મનાઈ કરવામાં આવી હતી અને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું.
ચીનને જડબાંતોડ જવાબ મળ્યો
બંને દેશ વચ્ચે સૈન્યસ્તરે સમજૂતી થઈ છે, જે અંતર્ગત બંને દેશના સૈનિક એક નક્કી કરેલા વિસ્તારમાં ફાયરિંગ આર્મ્સ એટલે કે રાઈફલ અથવા આવા જ કોઈ હથિયારનો ઉપયોગ નહીં કરે. સામાન્ય રીતે બંને દેશના સૈનિકો એકબીજાને હાથ વડે પાછળ ધકેલે છે. ગલવાન અથડામણમાં ચીની સૈનિકોએ કાંટાવાળી લાકડીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી ભારતીય સૈનિકોએ પણ આ પ્રકારની ઈલેક્ટ્રિક બેટલ અને કાંટાવાળી લાકડીનો ઉપયોગ શરૂ કર્યો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.