ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વૉલેસના હટ્યા બાદ ઋષિની દાવેદારી મજબૂત, બુકીઓની નજર પેની પર

લંડન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન પદની રેસમાં સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે

બ્રિટનમાં “ઋષિ રાજ’ના સંકેત મળી રહ્યા છે. વડાપ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક આગળ ચાલી રહ્યા છે. તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના 32થી વધુ સાંસદોનું સમર્થન છે. બીજા ક્રમે 21 સાંસદોના સમર્થન સાથે ઉદ્યોગમંત્રી પેની મોર્ડંટ છે. લંડનના બુકીઓ પેનીને પીએમ પદના ડાર્ક હોર્સ ગણાવી રહ્યા છે.

પીએમ પદની રેસથી સંરક્ષણમંત્રી બેન વૉલેસની પીછેહઠ બાદ નવાં સમીકરણો રચાયાં છે. તેનાથી સુનકને ફાયદો થતો દેખાય છે. પાક. મૂળના સાજિદ જાવિદ પણ રેસમાં છે પણ તે હાલ ઘણા પાછળ છે. બીબીસી ન્યૂઝના પોલિટિકલ એડિટર ક્રિસ મેસનનું કહેવું છે કે નવા પીએમ જે પણ બનશે તે જોનસનથી ઘણા અલગ હશે. જો નવા વડાપ્રધાન પણ કાયદાનું પાલન નહીં કરનારા અને અને સત્યના સમર્થક નહીં હોય તો પ્રજા તેમને સાંખી નહીં લે. કન્ઝર્વેટિવ પાર્ટીના 358 સાંસદો છે. દરેક દાવેદાર માટે પહેલા રાઉન્ડમાં 8 સાંસદોનું સમર્થન જરૂરી છે. તેના પછી બે દાવેદારોના બચ્યા બાદ લગભગ 2 લાખ પાર્ટી સભ્યો મતદાન કરશે. તેમાંથી 50 ટકાથી વધુની વય 60 વર્ષથી વધુ છે. તેમાં 97 ટકા શ્વેત છે.

જૂના વીડિયો શેર કરી “ઋષિ રિચ’ બતાવી કહ્યું - જોનસન સાથે વિશ્વાસઘાત કર્યો
જોનસનના સમર્થકો સુનકનો ભારે વિરોધ કરી રહ્યા છે. તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સચોરીના મામલા ઉછાળી રહ્યા છે. સુનકના જૂના વીડિયો પણ જારી કર્યા જેમાં તે કહે છે કે તેમનો કોઈ મિડલ ક્લાસ ફ્રેન્ડ નથી. સુનકના વિરોધી તેમને ઉચ્ચ આવક ધરાવતા બતાવીને ઋષિ રિચ ગણાવી રહ્યા છે. જોનસનના નજીકના જેકબ રીસ-મોગે તેમને વિશ્વાસઘાતી પણ કહ્યા છે. સુનક પ્રત્યેનો વિરોધ તેમની મજબૂત દાવેદારી પણ દર્શાવે છે.

જોનસનની ટીમમાંથી સુનક સામે ભારતવંશી પ્રીતિ પટેલ મેદાનમાં ઉતરી શકે
જોનસનની ટીમમાંથી ગૃહમંત્રી પ્રીતિ પટેલને સુનક સામે ઉતારવામાં આવી શકે. પ્રીતિ પટેલ ટોરી પાર્ટીના કટ્ટર જમણેરી નેતાઓમાં સામેલ છે. પ્રીતિને હાલ 13 સાંસદોનું સમર્થન છે. તેમણે સત્તાવાર દાવેદારી પણ નોંધાવી નથી.

જાદૂગરની આસિસ્ટન્ટ રહેલી પેની પ્રમોશનલ વીડિયોને લીધે વિવાદોમાં સપડાઈ
પીએમ પદની દાવેદાર પેની જાદૂગરની આસિસ્ટન્ટ રહી ચૂકી છે. 2012માં રાજકારણમાં આવનાર પેની રિયાલિટી ટીવી શૉમાં પણ કામ કરી ચૂકી છે. પોતાની દાવેદારી નોંધાવ્યા બાદ પેનીએ એક પ્રમોશનલ વીડિયો જારી કર્યો જેમાં પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરનાર દ.આફ્રિકાનો દોડવીર પ્રિસ્ટોરિયસ પણ હતો. તેના લીધે વિવાદ સર્જાયો. પેનીએ વીડિયોમાંથી પ્રિસ્ટોરિયસને હટાવી દીધો પણ તેમના વીડિયો પર ઘણા સવાલો ઊઠી રહ્યા છે.

બ્રેક્ઝિટ સમર્થક ભારતવંશી સુએલા પણ મેદાને, હાલ ઘણી પાછળ ચાલી રહી છે
જોનસનના રાજીનામા બાદ સૌથી પહેલા દાવેદારી નોંધાવનાર ભારતવંશી સુએલા બ્રેવરમેન બ્રેક્ઝિટની કટ્ટર સમર્થક છે. હાલ તે રેસમાં પાછળ છે પણ ગત દિવસોમાં તેમણે વિરોધીઓ તરફથી જાતીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...