યુક્રેનના હુમલામાં બ્લેક સીમાં પોતાનું યુદ્ધજહાજ મૉસ્કોવા નષ્ટ થયા બાદ રશિયા અકળાયું છે. રશિયાએ યુ-ટર્ન લેતા યુક્રેનની રાજધાની કીવ પર શુક્રવારે હુમલા વધારી દીધા હતા. રશિયાએ કીવ અને મારિયુપોલમાં પહેલીવાર લાંબા અંતરની મિસાઈલોથી હુમલા કર્યા હતા. સાથે જ પૂર્વ યુક્રેનમાં હેલિકોપ્ટરની ફ્લિટ પણ મોકલી હતી. યુદ્ધમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમને કારણે નિષ્ણાતો કહે છે કે હવે યુદ્ધનો નિર્ણાયક તબક્કો શરૂ થઈ ગયો છે.
યુક્રેને રશિયાના યુદ્ધજહાજને તોડી પાડી રશિયન તાકાતને દુનિયા સમક્ષ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી છે. તેના લીધે રશિયાએ કીવ અને મારિયુપોલ પર હુમલા વધારી દીધા છે. રશિયાએ કીવમાં યુક્રેનની મિસાઈલ ફેક્ટરી પર હુમલા કર્યા છે. આ દરમિયાન રશિયાએ અમેરિકાને ચેતવણી આપી હતી કે જો તેની તરફથી યુક્રેનને હથિયારોનો સપ્લાય કરાશે તો તેનાં પરિણામો ભોગવવા તૈયાર રહે. અમેરિકા તરફથી યુક્રેનને 50 અબજ ડોલરનાં હથિયારોના સપ્લાય માટે નવા આદેશ અપાયા છે. અગાઉ પણ અમેરિકા યુક્રેનને વિશેષ સૈન્ય મદદ કરી ચૂક્યું છે.
યુક્રેને રશિયાના બેલ્ગોરોદમાં મોટા હુમલા કર્યા, લગભગ 20 ઈમારતો તોડી પાડી
યુક્રેને પણ રશિયા પર શુક્રવારે મોટા હુમલા કર્યા. યુક્રેનની સરહદ નજીક બેલ્ગોરોદ શહેરમાં યુક્રેની હેલિકોપ્ટરે ભારે બોમ્બમારો કર્યો હતો. તેમાં 20 ઈમારતો નષ્ટ કરી હતી. યુક્રેનના આ હુમલાને રશિયા તરફથી કીવમાં ફરી કરાઈ રહેલા હુમલાના આકરા જવાબ તરીકે જોવાઈ રહ્યા છે. બેલ્ગોરોદના મેયરે હુમલાની પુષ્ટી કરી હતી. 50 લાખ લોકો અત્યાર સુધી યુક્રેનથી હિજરત કરી ચૂક્યા હોવાનું યુએનએ શુક્રવારે જણાવ્યું.
બીજી બાજુ અમેરિકી સાંસદ તાઈવાન પહોંચ્યા, ચીને યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી
અમેરિકાના 6 સાંસદો તાઈવાન પહોંચતા નારાજ ચીને શુક્રવારે યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી હતી. અમેરિકી સાંસદોએ તાઈવાનના રાષ્ટ્રપતિ અને સંરક્ષણમંત્રી સાથે વાતચીત પણ કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને અમેરિકાને કહ્યું કે તે તાઈવાન સાથે તેના તમામ સંબંધોને તાત્કાલિક અસરથી તોડી નાખે. તેમનું કહેવું છે કે અમેરિકા અને તાઈવાન વચ્ચે વ્યૂહાત્મક સંબંધો વધવાથી ચીનની સુરક્ષાને ખતરો પેદા થઇ રહ્યો છે. એવામાં ચીન પોતાની સુરક્ષા માટે આકરાં પગલાં ભરી શકે છે. ચીન કહે છે કે યુદ્ધ અભ્યાસ આગામી અઠવાડિયે ચીન અને તાઇવાન વચ્ચે આવેલા સમુદ્રી ક્ષેત્રમાં થશે. આ દરમિયાન ચીને શુક્રવારે માનવાધિકાર કાર્યકર લી મિંગ ચિનને તાઈવાનને સોંપી દીધા હતા. ચિનને 5 વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત કરાયા હતા. ચિન અગાઉ તાઇવાનમાં ચીનની દખલના વિરોધ અને લોકશાહીના સમર્થનમાં દેખાવો કરતા રહ્યા છે.
ચીનના ફાઈટર જેટે ફરી તાઇવાની વાયુ સીમાનું ઉલ્લંઘન કર્યું
ચીનના એક ફાઈટર જેટે ફરી તાઈવાનની વાયુ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એપ્રિલમાં અત્યાર સુધી ચીનની વાયુસેનાના ફાઈટર જેટ અગાઉ 12 વખત તાઈવાનની વાયુસીમાનું ઉલ્લંઘન કરવાની હરકત કરી ચૂક્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.