• Gujarati News
  • International
  • Russia's Spy Satellite Wreck Passes Near International Space Center, Forcing Astronauts To Jump Into Capsule To Save Lives

ભાસ્કર વિશેષ:રશિયાના જાસૂસી ઉપગ્રહનો ભંગાર ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર નજીકથી પસાર થયો, જીવ બચાવવા એસ્ટ્રોનટ્સને કેપ્સ્યૂલમાં જવાની ફરજ પડી

મોસ્કો/ન્યૂયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયાએ એન્ટિ-સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટિંગમાં પોતાના જ ઉપગ્રહને નિશાન બનાવતા હોબાળો

રશિયાએ અંતરિક્ષમાં જઈને ઉપગ્રહને તોડી પાડવાની ક્ષમતા ધરાવતી એન્ટિ સેટેલાઈટ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ ટેસ્ટ દરમિયાન રશિયાએ પોતાનો એક જૂનો જાસૂસી ઉપગ્રહ કોસમોસ-1408 આ મિસાઈલથી તોડી પાડ્યો.

બાદમાં તેનો કાટમાળ અંતરિક્ષમાં ચક્કર કાપી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નજીકથી પસાર થયો. આ કારણસર ત્યાં કામ કરી રહેલા અમેરિકાના ચાર, જર્મનીના એક અને રશિયાના બે અંતરિક્ષ યાત્રીએ જીવ બચાવવા માટે યાન એટલે કે સોયુઝ કેપ્સ્યૂલમાં જતા રહેવું પડ્યું.

આ એક ઈમર્જન્સી વ્યવસ્થા છે, જેમાં અંતરિક્ષયાત્રી કોઈ ખતરો દેખાતા એ પ્રકારના યાનમાં જતા રહે છે. આ યાનમાંથી તેમને પૃથ્વી પર પરત લાવી શકાય છે. જોકે, હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે, આ મિસાઈલનું પરીક્ષણ રશિયાએ ક્યારે કર્યું હતું.

આ પરીક્ષણની કોઈ માહિતી તેણે સાથી દેશોને આપી નથી. આ ઘટનાક્રમને નજીકથી જોઈ રહેલા નિષ્ણાતોના મતે આશરે દર 90 મિનિટે રશિયન ઉપગ્રહનો કાટમાળ સ્પેસ સ્ટેશન નજીકથી પસાર થતો હતો. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે ભ્રમણકક્ષામાં કેટલીક ચીજો આવવાથી અંતરિક્ષયાત્રીઓએ યાનમાં પાછા જવું પડ્યું, જે એક સામાન્ય પ્રક્રિયા છે. હવે આ કાટમાળ કક્ષામાંથી બહાર જઈ ચૂક્યો છે. હવે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગ્રીન ઝોનમાં એટલે કે સુરક્ષિત છે.

જોકે, રશિયાના આ પરીક્ષણને અમેરિકાએ બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યું છે. અમેરિકાના મતે, અંતરિક્ષમાં કાટમાળથી સ્પેસ સ્ટેશનના સંચાલનમાં મુશ્કેલી સર્જાઈ. આ હરકતનો રશિયાએ જવાબ આપવો પડશે.

ભારત, અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો ધરતી પરથી જ ઉપગ્રહોને બહાર કાઢવા સક્ષમ છે. ચીને 2007માં પોતાના નિષ્ક્રિય હવામાન ઉપગ્રહને આવી જ રીતે નષ્ટ કર્યો હતો, ત્યારે અંતરિક્ષમાં ત્રણ હજારથી વધુ ટુકડામાં કાટમાળ ફેલાયો હતો.

અંતરિક્ષમાં 1500થી વધુ ટુકડા વિખરાયા, વિવિધ દેશના ઉપગ્રહોને ખતરો
અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈઝે કહ્યું છે કે આ પરીક્ષણ પછી કાટમાળ 1500થી વધુ ટુકડામાં વિખરાયો. તે અંતરિક્ષયાત્રીઓની સાથે પૃથ્વી પરનાં તમામ સ્પેસ મિશનોનું જોખમ વધારી દેશે. અંતરિક્ષનો પણ શસ્ત્રની જેમ ઉપયોગ કરવાનો રશિયાનો વિરોધ પાખંડ અને દંભ છે. અમેરિકા સાથી દેશો સાથે મળીને તેની બેજવાબદાર હરકતોનો જવાબ આપશે.

હાલ અંતરિક્ષમાં 10 સે.મી. સુધીના કરોડો ટુકડા બેકાબૂ રીતે ફરી રહ્યા છે, જેની ગતિ પ્રતિ કલાક 28,163 કિ.મી. સુધી છે. તે કોઈને ટકરાય તો મોટાં જોખમો સર્જાઈ શકે છે. અંતરિક્ષની ગતિવિધિની અસર હવામાન, ટેલિકોમ્યુનિકેશનનું કામ કરતા ઉપગ્રહો પર પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...