રશિયા વિદેશી દેવું ન ચૂકવવાની અપ્રિય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. બોલ્શેવિક ક્રાંતિના લગભગ એક સો વર્ષ પછી પ્રથમ વખત આમ થવાનું જોખમ છે. તેની સાથે જ રશિયન બોન્ડ લેનારા લોકોને લાંબા સમય સુધી કાયદાકીય લડાઈમાં ફસાવું પડશે. યુક્રેન પર હુમલા પછી અમેરિકા અને પશ્ચિમના દેશોના આર્થિક પ્રતિબંધોને કારણે રશિયાનો રૂ.48 લાખ કરોડનો વિદેશી મુદ્રા ભંડારનો અડધો હિસ્સો નિષ્ક્રિય થઈ ગયો છે. જેના કારણે ડોલરોમાં બોન્ડની ચૂકવણી કરવાની ક્ષમતા પર અસર થશે. રશિયાએ ડિફોલ્ટ માટે કમર કસતા સ્થિતિને પ્રતિબંધોનું બનાવટી પરિણામ જણાવી છે. તેણે આ મુદ્દે અદાલતમાં જવાની ધમકી આપી છે.
રશિયા અને દુનિયાના મોટા રોકાણકારો વચ્ચે થનારી કાનૂની લડાઈમાં એ નિર્ણય કોણ લેશે કે પ્રતિબંધના કારણે કોઈ દેશ પોતાનું દેવું ચૂકવી શકતું નથી. અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે, રશિયા પર રૂ.5.72 લાખ કરોડનું વિદેશી દેવું છે. પેટ્રોલ, ગેસ દ્વારા તેની વાર્ષિક આવક રૂ. 15.26 લાખ કરોડ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, ડિફોલ્ટથી આર્થિક સ્થિતિ અસ્થિર થવાનું જોખમ નથી. તેમ છતાં રશિયા ડિફોલ્ડની જાહેરાતને હળવાશથી લેશે નહીં. જો આમ થયું તો આગામી વર્ષોમાં રશિયાને ઊંચા વ્યાજે લોન મળશે. આંતરરાષ્ટ્રી મૂડી બજારમાંથી તેના બહાર થઈ જવાનું જોખમ છે.
જ્યોર્જિયા યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર અને દેવા વિશેષજ્ઞ ટિમ સેમ્પલ્સ કહે છે, અનેક ઘટનાઓ ડિફોલ્ટ તરફ ઈશારો કરે છે. મોટી ક્રેડિટ એજન્સીઓ પહેલાથી જ સંકેત આપી ચૂકી છે. ગયા સપ્તાહે મૂડીએ ચેતવણી ઉચ્ચારી છે કે, જો રશિયા 4 મેના રોજ 30 દિવસનો ગ્રેસ સમયગાળો સમાપ્ત થતાં ડોલરમાં ચૂકવણી કરતું નથી તો 4 એપ્રિલના રોજ તેના દ્વારા રૂબલમાં કરાયેલી લગભગ રૂ.5 હજાર કરોડની ચૂકવણીને ડિફોલ્ટ મનાશે. આ સપ્તાહે એસએન્ડપી ગ્લોબલે રશિયાને સિલેક્ટિવ ડિફોલ્ટ રેટિંગમાં મુક્યું છે.
રશિયા જો રાહતના સમયગાળા દરમિયાન ચૂકવણી કરી શકતું નથી તો રેટિંગ એજન્સીઓ તેનું મૂલ્યાંકન કેવી રીતે કરશે તે સ્પષ્ટ નથી. કેમકે યુરોપિયન યુનિયનના પ્રતિબંધોએ એજન્સીઓના રશિયાના રેટિંગ પર પ્રતિબંધ મૂકેલો છે. જો રશિયા સરકારી ખાતાના પૈસાનો ઉપયોગ કરતું નથી તો તે હજુ પણ દેવું ચૂકવી શકે છે. અમેરિકાની આર્થિક સંસ્થાઓએ રશિયાના સરકારી ખાતાઓ પર પ્રતિબંધ મૂકેલો છે. વિદેશી મુદ્રા બોન્ડના ચુકવણનો રાહતનો સમય 4 મેના રોજ સમાપ્ત થયા પછી આગામી મુખ્ય તારીખ 25 મે રહેશે.
રશિયનો માટે ટેલિગ્રામ એપ સાચા સમાચારોનો સ્રોત
રશિયન સરકાર દ્વારા સ્વતંત્ર ન્યૂઝ મીડિયાને ચૂપ કરાવવા માટે ટ્વિટર, ફેસબુક,ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકાયા પછી ટેલિગ્રામ એપ હવે નિર્બાધ માહિતી અને સરકારના વિરોધનો સૌથી મોટો સ્રોત બની ગઈ છે. એનાલિટિક્સ ફર્મ સેન્સર ટાવરના અનુસાર યુદ્ધ પછી રશિયામાં ટેલિગ્રામ એપના 44 લાખ ડાઉનલોડ થયા છે. બંધ કરાયેલી ખાનગી ટીવી ચેનલ રેનની રિપોર્ટર ઈલ્યા શેપલિન કહે છે, રશિયામાં ટેલિગ્રામ એકલું પ્લેટફોર્મ છે જ્યાં લોકો ખુલ્લા દિલે પોતાનો અભિપ્રાય અને સમાચાર મોકલી શકે છે. ખાનગી રેડિયો સ્ટેશન - ઈકો ઓફ મોસ્કોને પણ બંધ કરી દેવાયું છે. તેની ડેપ્યુટી એડિટર ચીફ તિતિયાના ફેલજેંગાઉરે કહ્યું કે, અમારો ટેલિગ્રામ ઓડિયન્સ બમણો થઈ ગયોછે. રશિયન ન્યૂઝ સાઈટ મેદુજા પર પ્રતિબંધ પછી ટેલિગ્રામના ગ્રાહકોની સંખ્યા બમણાથી વધી 12 લાખ થઈ છે. આ સાથે જ રશિયન સરકારની તાસ અને આરઆઈએ ન્યૂઝ જેવી મીડિયા એજન્સીઓ પણ પોતાનાં સમાચાર ટેલિગ્રામ પર આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.