ઘેરાબંધી:રશિયન સૈન્યએ યુક્રેનને 3 તરફથી ઘેરી લીધું, નાટો મુદ્દે કોકડું ગૂંચવાયું

જિનિવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયાએ કહ્યું- અમેરિકા યુક્રેનને નાટોમાં ન લેવાનું લેખિત વચન આપે
  • જિનિવામાં અમેરિકા-રશિયા વચ્ચે બીજા દિવસે પણ મડાગાંઠ જારી

યુક્રેનને 1 લાખથી વધુ રશિયન સૈનિકોએ ત્રણ તરફથી ઘેરી રાખ્યું છે. રશિયન ઘેરાબંધી અને યુક્રેન પર હુમલાની આશંકા વચ્ચે જિનિવામાં રશિયા-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોના બીજા દિવસે મંગળવારે પણ મડાગાંઠ યથાવત્ રહી. રશિયાના નાયબ વિદેશમંત્રી રાયબાકોવે અમેરિકી નાયબ વિદેશમંત્રી વેન્ડી શર્મન સમક્ષ એક શરત મૂકી. રશિયાનું કહેવું છે કે અમેરિકા યુક્રેનને સૈન્ય સંગઠન નાટોમાં સામેલ ન કરે. રશિયા અમેરિકા સાથે સ્પષ્ટ ઉકેલ ઇચ્છે છે.

રશિયાને નાટો દળોને પોતાના દરવાજેથી દૂર રાખવા છે. અમેરિકાએ હાલ યુક્રેનને નાટોમાં સામેલ કરવા અંગે કોઇ વચન નથી આપ્યું. રશિયન દળોએ યુક્રેનને પૂર્વના ક્ષેત્ર સોલોટી અને બોગુચાર તથા ઉત્તરના પોચેપથી ઘેરી રાખ્યું છે. રશિયા યુક્રેન સરહદ પર સૈન્ય જમાવડો સતત વધારી રહ્યું છે. વધારાના સૈનિકો પણ તહેનાત છે.

ભારત પાસે પશ્ચિમી દેશો-રશિયા વચ્ચે મધ્યસ્થીની તક
પ્રો. ચાર્લ્સ કપ્શન અમેરિકાની વોલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટના પ્રોફેસર છે. તેમનું કહેવું છે કે આ મડાગાંઠમાં ભારત પાસે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે મધ્યસ્થીની સારી તક છે. અમેરિકી પ્રતિબંધો લદાય તો રશિયા ચીન તરફ ઝૂકી શકે છે. ભાસ્કરના રિતેશ શુક્લની પ્રો. કપ્શન સાથે વાતચીતના મુખ્ય અંશ...

ભારતને સૈન્ય સ્પેરપાર્ટ્સમાં પરેશાની
રશિયા પર પ્રતિબંધોથી ભારતને સુખોઇ વિમાનના તથા અન્ય સૈન્ય સ્પેરપાર્ટ્સ મેળવવામાં તકલીફ પડી શકે છે. રશિયા સાથેના સંબંધોને પગલે ભારત મડાગાંઠ ઉકેલવામાં ભૂમિકા ભજવી શકે છે.

પુટિનને યુક્રેનમાં હવે સમર્થન નથી
એક સમયે યુક્રેન પુટિનનું સમર્થક હતું. 2014માં ક્રીમિયા પર રશિયાના હુમલા બાદ સ્થિતિ બદલાઇ છે. યુક્રેનની જનતા હવે રશિયાવિરોધી સરકારો ચૂંટતી આવી છે.

અમેરિકા હાલ યુદ્ધમાં નહીં જોડાય
​​​​​​​જો યુદ્ધની સ્થિતિમાં અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદે તો તેનાથી ચીનને ફાયદો થશે. અમેરિકા તેવું નહીં ઇચ્છે. તે પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં જોડાવાનું પણ નથી ઇચ્છતું.

યુરોપની દુખતી રગ છે રશિયન ગેસ
​​​​​​​પ્રતિબંધોની સ્થિતિમાં રશિયા ગેસ સપ્લાય રોકી શકે છે. તેનાથી અમેરિકાના સાથી યુરોપીય દેશોને અસર થશે. યુરોપનો 40% ગેસ રશિયા જ સપ્લાય કરે છે.









અન્ય સમાચારો પણ છે...