ઇતિહાસ રચાયો:અંતરીક્ષમાં પ્રથમ ફિલ્મનું શૂટિંગ કર્યા પછી રશિયન ફિલ્મની ટીમ પૃથ્વી પર પાછી ફરી; 12 દિવસમાં 40 મિનિટ લાંબો સીન શૂટ કરાયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંતરિક્ષમાં પહેલીવાર કોઈ મૂવીનું શૂટિંગ કરીને ઈતિહાસ રચ્યા બાદ રશિયાની ફિલ્મ ટીમ રવિવારે ધરતી પર પરત ફરી છે. ચેલેન્જ ફિલ્મના એક સીનના શૂટિંગ માટે અંતરિક્ષમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર 12 દિવસ વિતાવનાર આ ક્રુમાં અભિનેત્રી યૂલિયા પેરેસિલ્ડ અને નિર્દેશક ક્લિમ શિપેંકો સામેલ છે, જ્યારે તેમની સાથે વેટરન કોસ્મોનોટ (અંતરીક્ષ યાત્રી) ઓલેં નોવિત્સકી પણ પરત ફર્યા છે, જે 191 દિવસથી ISS પર હાજર હતાં.

આ દળના સ્પેસ શટલે રવિવાર સવારે 6.45 વાગ્યે (ભારતીય સમયાનુસાર) અંતરિક્ષ સ્ટેશનથી ઉડાન ભરી અને આશરે સાડા ત્રણ કલાક બાદ સવારે 10.05 વાગ્યે કઝાકિસ્તાનમાં સફળ લેન્ડિગ કરી. લેન્ડિગ બાદ પૂરી ટીમ સુરક્ષિત છે.

કઝાકિસ્તાનમાં જ રિકવરી કરાશે
ત્રણેયને એક રશિયાઈ હેલિકોપ્ટરથી કઝાકિસ્તાનના કારાગાંડા શહેરમાં રિકવરી સેન્ટર લઈ જવામાં આવ્યા છે. જ્યાં અંતરિક્ષના પ્રવાસનો થાક ઉતાર્યા બાદ એક વિમાનથી તેમને રશિયાની સ્ટાર સિટીમાં ગાગરીન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર લઈ જવાશે, જ્યાં તેમની તપાસ કરવામાં આવશે.

5 ઓક્ટોબરે ગયા હતા ISS
અગાઉ પેરેસિવ (37) અને શિપેન્કો (38) 5 ઓક્ટોબરે શૂટિંગ માટે ISS પહોંચ્યા હતા. તે સમયે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એક ટ્વિટર પોસ્ટમાં અહેવાલ આપ્યો હતો કે યુલિયા પેરેસિલ્ડ અને ક્લિમ શિપાન્કો અવકાશયાત્રી એન્ટોન શ્કાપ્લેરોવ સાથે 5 ઓક્ટોબરે કઝાકિસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમથી ભારતીય સમય પ્રમાણે બપોરે 2:25 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી.

આ ક્રૂને રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ સોયુઝ એમએસ-18 અવકાશયાનથી આઇએસએસ માટે લોન્ચ કરી હતી.

35 મિનિટ લાંબા સીનનું શૂટિંગ અંતરીક્ષમાં
ફિલ્મ ટીમને 'ચેલેન્જ'ના શૂટિંગની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ચેલેન્જના અલગ-અલગ સીન્સને ફિલ્માવવા માટે ફિલ્મની ટીમને સ્પેસમાં 12 દિવસ વિતાવવા દરમિયાન ISS પર 35-40 મિનિટ લાંબા એક સીનને પણ ફિલ્માવવામાં આવ્યો.

આ ફિલ્મ એક એવી મહિલા ડોક્ટરની કહાની છે, જે એક અંતરિક્ષ યાત્રીને બચાવવા માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઉડાન ભરે છે, જેને અંતરિક્ષમાં જ તાત્કાલીક ઓપરેશનની જરુરત હોય છે. ફિલ્મના આ સીનમાં ISS પર હાજર કોસ્મોનોટ એન્ટોન શાકાપ્લેરોવ અને પ્યોત્ર ડુબરોવે પણ કેમિયો રોલ કર્યો છે.

ટોમ ક્રુઝને પણ રશિયાએ પાછળ છોડ્યા
'ચેલેન્જ' ફિલ્મના શૂટિંગ સાથે રશિયાએ હોલિવૂડના દિગ્ગજ એક્ટર ટોમ ક્રુઝને પાછળ છોડી દીધા છે, જેમણે 2020માં નાસા અને એલન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે અંતરિક્ષમાં એક ફિલ્મના શૂટિંગની જાહેરાત કરી હતી. જોકે અંતરિક્ષમાં રશિયા અને અમેરિકા વચ્ચેની આ રેસ નવી નથી.

શીત યુદ્ધના દિવસોમાં બંને દેશો અંતરિક્ષ પ્રોજેક્ટ્સને લઈને એકબીજાને પછાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રશિયાએ પ્રથમ અવકાશયાન લોન્ચ કરવામાં અને પ્રથમ પ્રાણીને અવકાશમાં મોકલવામાં સફળતા મેળવી હતી, ત્યારે અમેરિકાએ ચંદ્ર પર પ્રથમ અવકાશયાત્રીને ઉતારીને ઇતિહાસ રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...