રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. જોકે હજી પણ ક્યાંય યુદ્ધ અટકતું નથી દેખાતું. જોકે આજે એક સારી વાત એ છે કે, રશિયાએ અમુક વિસ્તારોમાં સીઝફાયર જાહેર કર્યું છે. અને બીજી બાજુ યુક્રેન રાષ્ટ્રપતિએ પોતાના જીવનું જોખમ ગણાવ્યું છે. આ પરિસ્થિતિમાં રશિયા ભલે ગમે તે વિચારતું હોય પરંતુ હવે અમેરિકાએ તેના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યું છે કે, યુક્રેન પાસે એક એવી યોજના છે, જે પ્રમાણે જો હુમલામાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો જીવ પણ જતો રહે તો પણ યુક્રેનમાં હાલની સરકાર ચાલુ રહેશે. પરિણામે રશિયા અહિં તેમની ઈચ્છા પ્રમાણેની સરકાર બનાવી શકશે નહીં.
હું રશિયાનો નંબર વન ટાર્ગેટ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલ રસ્યમય જગ્યાએ છુપાયેલા છે. યુદ્ધ દરમિયાન ઝેલેન્સ્કી છે ક્યાં? તેમણે દાવો કર્યો છે કે, તેઓ પાટનગર કિવ નહીં છોડે. ઝેલેન્સ્કીએ એવો પણ દાવો કર્યો છે કે, તેઓ રશિયન સૈન્ય અભિયાનના નંબર-1 ટાર્ગેટ પર છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમના જીવન અને પરિવાર પર સીધો હુમલો કરવામાં આવી શકે છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે, જો ઝેલેન્સ્કીની સેના હારી જશે તો પણ તેઓ પોલેન્ડની 'વિસ્થાપિત સરકાર' ચલાવી શકાય છે.
જો હુમલામાં થઈ જાય ઝેલેન્સ્કીનું મોત
આ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, યુક્રેની અધિકારીઓ પાસે એક પ્લાન છે. જો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું રશિયન સૈન્ય અભિયાન દરમિયાન મોત થઈ જાય તો પણ યુક્રેન સરકાર યથાવત રહી શકે છે.
અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રવિવારે સીબીએસ ન્યૂઝ 'ફેસ ધી નેશન' સાથે ઈન્ટરવ્યુમાં એક વાત કહી છે. બ્લિંકનને જ્યારે પૂછવામાં આવ્યું કે, અમેરિકા ઝેલેન્સ્કી વગર યુક્રેની સરકારનું સમર્થન કરવા માટે કોઈ વચગાળાની યોજના પર કામ કરી રહી છે? તેના જવાબમાં બ્લિંકને કહ્યું હતું કે, યુક્રેનીઓ પાસે યોજના છે...પરંતુ હું આ વિશે વાત નહીં કરું, અથવા કોઈ પ્રકારની ડિટેલ્સ પણ શેર નહીં કરું. જોકે અમે એને વિસ્થાપિત સરકાર કહીએ છીએ.
યુક્રેનના બંધારણમાં આ જોગાઈ
જો યુક્રેનના બંધારણની વાત કરીએ તો તેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જો રાષ્ટ્રપતિ તેમના પદ પર હોય અને તે દરમિયાન તેમનું મોત થઈ જાય તો સંસદના ચેરમેન એટલે કે ભારતની સરખામણીએ સ્પીકર પદના અધિકારી રાષ્ટ્રપતિ પદની જગ્યા લઈને સત્તા ચલાવી શકે છે. આ સમયે રુસ્લાન સ્ટેફનચુક યુક્રેનની સંસદ વેરખોવ્ના રાડાના અધ્યક્ષ છે.
દેશના મહત્વના અધિકારીઓને એક જગ્યાએ ના રાખવા
અમેરિકન મીડિયા પ્રમાણે, અમેરિકન અધિકારીઓને યુક્રેને સલાહ આપી છે કે, મુખ્ય અધિકારીઓને લાંબા સમય સુધી એક જ જગ્યાએ ના રાખવા જોઈએ. તેમને દેશના પાટનગરની બહાર અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેવા જોઈએ. જોકે યુક્રેની અધિકારીઓનો દાવો છે કે, ઝેલેન્સ્કી કિવમાં જ છે.
પ્રતિબંધોના કારણે રશિયામાં મંદી આવી રહી છે
રશિયા પર પ્રતિબંધોના પ્રભાવ વિશે વાત કરતાં બ્લિંકને કહ્યું કે, રશિયામાં મંદી આવી ગઈ છે. તેમણે કહ્યું કે, લોકો પાયાની જરૂરિયાત વાળી વસ્તુઓ પણ ખરીદી નથી શકયા. કારણકે ઘણી કંપનીઓ રશિયાથી ભાગી રહી છે. તેથી તેની આર્થિક સ્થિતિ પર મોટી અસર થઈ રહી છે. તે સાથે જ અમે રાષ્ટ્રપતિ પુતિનને આક્રમકતાથી યુક્રેન તરફ વધતા જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે, અમારે પણ તૈયાર રહેવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.