રશિયન ફાઇટર જેટ્સે બુધવારે(મંગળવારની રાતે) બ્લેક સીમાં અમેરિકાનું જાયન્ટ ડ્રોન MQ-9 રીપરને તોડી પાડ્યું છે. અમેરિકાનો દાવો છે કે અમેરિકન રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ SU-27 બ્લેક સીની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડાન ભરી રહ્યાં હતાં ત્યારે એક જેટ ઇરાદાપૂર્વક ડ્રોનની સામે આવ્યું અને ફ્યૂઅલ છાંટવાનું શરૂ કર્યું. જેના લીધે ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચ્યું. તે પછી ડ્રોનને ટક્કર મારીને બ્લેક સીમાં તોડી પાડ્યું હતું.
આ ઘટના પછી બંને દેશની વચ્ચે અથડામણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. US એરફોર્સના જનરલ જેમ્સ હૈકરે રશિયાની આ હરકતને ખૂબ જ ગેરજવાબદાર ગણાવી છે. બીજી બાજુ, રશિયાએ અમેરિકાના આરોપ સામે ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે અમારા ફાઇટર જેટ કોઈપણ અમેરિકી ડ્રોનના સંપર્કમાં આવ્યાં નથી. સાથે જ કહ્યું કે, અમે અમેરિકા સાથે વિવાદ ઇચ્છતા નથી.
પહેલા સમજો બ્લેક સી ક્યાં છે...
બ્લેક સી યુરોપ અને એશિયાની વચ્ચે આવેલું છે. તે ઉત્તર દિશામાં યુક્રેન, ઉત્તર પશ્ચિમમાં રશિયા, પૂર્વમાં જોર્જિયા, દક્ષિણમાં તુર્કી અને પશ્ચિમમાં બુલ્ગારિયા અને રોમાનિયાથી ઘેરાયેલું છે. બ્લેક સીની સરહદો રશિયા અને યુક્રેન સાથે મળે છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અહીં પણ તણાવ છે. યુદ્ધ દરમિયાન સામાન્ય રીતે રશિયન અને અમેરિકન એરક્રાફ્ટ અહીં ચક્કર લગાવતાં જોવા મળે છે, પરંતુ આવો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે.
અમેરિકાનો દાવો- રશિયન જેટ્સ 40 મિનિટ સુધી અમેરિકાના ડ્રોન પાસે ઊડતાં રહ્યાં
અમેરિકી સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે નિઃશસ્ત્ર રીપર ડ્રોન નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યું હતું. યુક્રેનના ક્રિમિયા ટાપુથી લગભગ 128 કિમી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 40 મિનિટ સુધી બે રશિયન Su-27 ફાઇટર જેટ યુએસ રીપર ડ્રોનની આસપાસ ઉડાન ભરી રહ્યાં હતાં.
ત્યાર બાદ આ ફાઈટર પ્લેન્સ તેની ઉપરથી ઊડવા લાગ્યાં અને ડ્રોનને નીચે આવવા મજબૂર કરી દીધું. પેન્ટાગોને કહ્યું કે યુક્રેન યુદ્ધ પછી રશિયન અને યુએસ સેના વચ્ચે આ પહેલો ફિઝિકલ સંપર્ક થયો છે. અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, તોડી પાડવામાં આવેલ ડ્રોન હજુ સુધી પાછું મળ્યું નથી. અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી તે ખોટા હાથમાં ન જાય.
US એરફોર્સે રશિયાના વલણને બેજવાબદાર અને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું
US એરફોર્સ જનરલ જેમ્સ હેકરે કહ્યું- રશિયન એરફોર્સનું વલણ અત્યંત બેજવાબદાર અને ઉશ્કેરણીજનક છે. તેને પ્રોફેશનલ વર્કઆઉટ પણ ન કહી શકાય. તેમનાં બંને એરક્રાફ્ટ પણ ક્રેશ થઈ શકે છે. તેઓ ભૂતકાળમાં પણ આવાં કૃત્યો કરતા આવ્યા છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.
રશિયા રાજદૂતે કહ્યું- અમેરિકા સાથે વિવાદ ઇચ્છતા નથી
રશિયાએ અમેરિકાના આરોપોને નકારી કાઢ્યા છે. રશિયાનું કહેવું છે કે અમેરિકી ડ્રોને સ્ટંટ કરતી વખતે ટર્ન લીધો, જેના કારણે તે ક્રેશ થયું. તે રશિયન એરક્રાફ્ટના સંપર્કમાં પણ આવ્યું નથી. રશિયન રક્ષા મંત્રાલયે એમ પણ કહ્યું કે MQ-9 રીપર ડ્રોન ઉડાન દરમિયાન તેના ટ્રાન્સપોન્ડરને બંધ કરી રહ્યું હતું જેથી કોઈ તેને ટ્રેક કરી ન શકે.
બીજી બાજુ, અમેરિકાએ રશિયાના રાજદૂત એનાતોલી એન્ટોનોવને બોલાવ્યા. અમેરિકાના વિદેશ મંત્રાલય પહોંચીને રશિયાના રાજદૂતને કહ્યું કે અમેરિકી વિમાનનું રશિયા સીમા પાસે હોવા સાથે લેવાદેવા નથી. જોકે તેમણે એવું પણ કહ્યું કે રશિયા અમેરિકા સાથે વિવાદ ઇચ્છતું નથી.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને જાણકારી અપાઈ
આ ઘટના પર યુએસ એરફોર્સે એક નિવેદન બહાર પાડીને રશિયન એરક્રાફ્ટ પર બેદરકારી અને અવ્યાવસાયિક રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંચાર સંયોજક જોન કિર્બીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડનને મંગળવારે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન દ્વારા આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.
અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધશે
પશ્ચિમી સંરક્ષણ નિષ્ણાતોએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં તપાસ કરવામાં આવી રહી છે કે શું આ ઘટના રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રની નજીક નાટોની સૈન્ય પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે બની છે. કારણ ગમે તે હોય, પરંતુ આ ઘટના અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધારશે તેવું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તેની અસર બંને દેશોના સંબંધોમાં પણ જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.