રશિયા-યુક્રેન યુદ્ધ:બધા ડરથી ભાગી રહ્યા હતા, મહિલા વગાડતી હતી Piano; વાયરલ થયો ઈમોશનલ વીડિયો

5 મહિનો પહેલા

રશિયા હુમલાની વચ્ચે યુક્રેનથી એવી ઘણી તસવીરો સામે આવી રહી છે જે માણસને હચમચાવી દે છે. નાના બાળકોના રડતા ચહેરા, હતાશ-નિરાશ લોકોના આંસુ અને આ બધાની વચ્ચે યુક્રેનના લ્વીવ રેલવે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા લ્વીવ રેલવે સ્ટેશન પર પીયાનો વગાડી રહી છે. બેકગ્રાઉન્ડમાં ચિંતિત અને ડરેલા લોકોની આવ-જા આ વીડિયોને વધારે ઈમોશનલ બનાવે છે. ટ્વિટર પર 5 ફેબ્રુઆરીએ શેર થયેલા આ વીડિયોને અત્યાર સુધી 30 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને ટ્વિટર પર પત્રકાર એન્ડ્ર્યુ માર્શલે શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા આ વીડિયોમાં એક મહિલા યુક્રેનના લ્વીવ રેલવે સ્ટેશનની બહાર પીયાનોની ટ્યૂન પર સિંગર લુઈ આર્મસ્ટ્રોંગનું ગીત 'વ્હાઈટ અ વંડરફૂલ વર્લ્ડ' વગાડી રહી છે. વીડિયોમાં તમે મહિલાની પાછળ યુદ્ધથી બચવા માટે વિસ્થાપિત થવા ચિંતિત અને ડરેલા લોકોને જોઈ શકો છો. નોંધનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજી તે અટકવાના કોઈ એંધાણ દેખાતા નથી.

માત્ર 41 સેકન્ડનો આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ પોસ્ટને 1 લાખથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે 27 હજારથી વધારે લોકોએ તેને રિ-ટ્વિટ કર્યો છે. જ્યારે ઘણાં લોકોએ આ વીડિયો પોસ્ટ પર તેમની પ્રતીક્રિયા પણ આપી છે.

આ વીડિયો જોઈને મોટાભાગના લોકો ઈમોશનલ થઈ રહ્યા છે. જ્યારે અમુક યુઝર્સે આને પબ્લિસિટી સ્ટંટ પણ કહ્યો છે. લોકોનું કહેવું છે કે, મહિલાએ માત્ર મીડિયામાં છવાઈ જવા માટે આવું કર્યું છે. હવે યુઝર્સ કઈ પણ કહે પરંતુ હાલ યુક્રેનની સ્થિતિ જોતા એવું જ કહી શકાય કે આવા સુખદ પળથી લોકોમાં નવી આશા જન્મે છે.

અન્ય સમાચારો પણ છે...