રશિયાએ યુક્રેન સરહદેથી પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કરી હોવાના અહેવાલો વચ્ચે અમેરિકાએ જણાવ્યું છે કે યુક્રેન પર રશિયા હુમલો કરે એવી શક્યતા અત્યંત વધુ છે. આવનારા દિવસોમાં ગમે ત્યારે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. સરહદે રશિયાની સેનાની જમાવટ અને યુદ્ધની આશંકા વચ્ચે દુનિયાના અનેક દેશો યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને એરલિફ્ટ કરી રહ્યા છે.
અનેક દેશોએ યુક્રેન દૂતાવાસમાં સ્ટાફમાં ઘટાડો કરી દીધો છે અને નાગરિકોને દેશ છોડી દેવા કહ્યું છે. દરમિયાન ભારતે પણ તેના નાગરિકોને યુક્રેનના પ્રવાસથી બચવા અને ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે.
યુક્રેનમાં મોટી સંખ્યામાં એવા ભારતીયો છે જેમને વિમાનની ટિકિટ મળી રહી નથી તેમને કાઢવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટ અને સીટની સંખ્યા પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. મંત્રાલયે ભારતીય ઉડ્ડયન કંપનીઓને ફ્લાઈટોની સંખ્યા વધારવા પણ કહ્યું છે.
યુદ્ધનો ખતરો ટળ્યો નથી, સેટેલાઇટ ઇમેજ મુજબ રશિયાએ સૈન્યમાં વધારો કર્યો
રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધનો ખતરો હજુ ટળ્યો નથી. રશિયાએ પહેલા દાવો કર્યો હતો કે તેની સેના યૂક્રેનની સરહદથી પાછળ હટવા લાગી છે પરંતુ હજુ સુધી એવું થતું નજરે નથી પડતું. આ ઉપરાંત બેલારુસ, ક્રીમિયા અને પશ્ચિમ રશિયાની સરહદ પર હજુ પણ સૈન્ય ગતિવિધિઓ ચાલુ છે.
અમેરિકાએ જણાવ્યું - જો યુદ્ધ ફાટી નીકળશે તો ભારત અમારી પડખે રહેશે
રશિયા હુમલો કરશે તો નાટો દળો પણ યુદ્ધમાં ઝંપલાવશે એ નક્કી છે. રશિયા ભારતનો જૂનો મિત્ર દેશ છે તથા અમેરિકા સાથે પણ ભારતના ગાઢ સંબંધો છે ત્યારે યુદ્ધની સ્થિતિમાં કોની પડખે રહેવું એ ભારત પર દબાણ વધશે.અમેરિકી વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી હતી કે ભારત અમેરિકાને મદદ કરશે. મેલબોર્નમાં ક્વાડની બેઠકમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશમંત્રી બેઠકમાં જોડાયા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.