• Gujarati News
  • International
  • Russia Says Threat Of Spread Of Terrorism From Afghanistan To Russia And India, The Two Countries Are In Constant Contact

તાલિબાનનું શાસન:તાલિબાનની નવી સરકારની જાહેરાત;મુલ્લા અખુંદને PM અને અમેરિકાના મોસ્ટ વોન્ટેડ હક્કાનીને ગૃહમંત્રી બનાવાયા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • તાલિબાની સરકારમાં એકપણ મહિલાને સ્થાન નહીં
  • અગાઉની લોકશાહી સરકારમાં વર્ષ 2001થી 2015 દરમિયાન મહિલાઓને સ્થાન મળેલું
  • રશિયાએ કહ્યું- અફઘાની જમીનનો ઉપયોગ અન્ય દેશોની વિરુદ્ધ ન થવો જોઈએ
  • કાબુલમાં મહિલાઓએ ગત રાત્રે પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું

15 ઓગસ્ટે અફઘાનાનિસ્તાન પર સંપૂર્ણપણે કબજો કરનાર આતંકી સંગઠને પોતાની સરકારના ગઠનની જાહેરાત કરી છે. મુલ્લા મોહમ્મદ હસન અખુંદને મંત્રી પરિષદના પ્રમુખ એટલે કે નવી સરકારના ચીફ બનાવવામાં આવ્યા છે. સરકારનું નામ ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન હશે. તાલિબાનના વડા શેખ હિબ્દુલ્લાહ અખુંદઝાદા સુપ્રીમ લીડર હશે. તેને અમીર-ઉલ-અફઘાનિસ્તાન તરીકે ઓળખવામાં આવશે.

તાલિબાને પોતાની સરકારમાં સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી બનાવાયો છે. આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કનો ચીફ સિરાજુદ્દીન અમેરિકાની આતંકવાદીઓની યાદીમાં મોસ્ટ વોન્ટેડ છે. અમેરિકાએ તેની સામે આશરે 35 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. સિરાજુદ્દીન હક્કાનીને નેટવર્ક પાકિસ્તાનથી ઓપરેટ થાય છે.વિશ્વભરમાં અનેક આતંકવાદી ઘટનાઓ પાછળ તેનો હાથ રહ્યો છે.

અત્યારે કેરટેકર સરકાર, સ્થાઈ સરકાર માટે વાતચીત તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદ આ અંગેની જાણકારી આપી. તાલિબાને જણાવ્યું કે હાલ એક કેરટેકર કેબિનેટ સરકારની જવાબદારી સંભાળશે.અલબત સ્થાયી સરકાર માટે વાતચીત ચાલી રહી છે. તાલિબાને કોઈ પણ પ્રકારના સમારોહ વગર સરકારની જાહેરાત કરી છે, સમારોહ બુધવારે યોજાઈ શકે છે. તો સિરાઝુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. તાલિબાનની વચગાળાની સરકારમાં એક પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી. અગાઉ લોકશાહી સરકારમાં વર્ષ 2001થી 2015 દરમિયાન સરકારમાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું હતું.

તાલિબાનની વચગાળાની સરકારની સંપૂર્ણ યાદી આ પ્રમાણે છે...
વડાપ્રધાન-મુલ્લા મોહમ્મદ હસન અખુંદ
ડેપ્યુટી PM 1- મુલ્લા બરાદર
ડેપ્યુટી-PM 2-અબ્દુલ સલામ હનાફી
ગૃહમંત્રી-સિરાજુદ્દીન હક્કાની
સંરક્ષણ મંત્રી- મૌલવી મોહમ્મદ યાકૂબ
વિદેશ મંત્રી- મૌલવી આમિર ખાન મુતક્કી
ગ્રામીણ વિકાસ મંત્રી- યુનુસ અખુંદઝાદા
ઉચ્ચ શિક્ષણ મંત્રી- અબ્દુલ બાકી હક્કાની
ન્યાય મંત્રી-મૌલવી અબ્દુલ હકીમ શરિયા
જન કલ્યાણ મંત્રી- મુલ્લા અબ્દુલ મનન ઓમારી
મિનિસ્ટર ઓફ કોમ્યુનિનેશન- નજીબુલ્લા હક્કાની
મિનિસ્ટર ઓફ ઈલેક્સ્ટ્રીસિટી-મુલ્લા અબ્દુલ લતીફ મંસૌર
મિનિસ્ટર ઓફ એવિએશન-હમીદુલ્લાહ અખુંદઝાદા
મિનસ્ટર ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કલ્ચર- મુલ્લા ખૈરુલ્લાહ ખૈરખ્વાહ
મિનિસ્ટર ઓફ ઈકોનોમી- મૌલવી નૂર મોહમ્મદ સાકિબ
મિનિસ્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ટ્રાયબલ અફેર્સ- નૂરઉલ્લાહ નૂરી
નાયબ નાણાં મંત્રી- મુલ્લા મોહમ્મદ ફાઝીલ અખુંદ
સેનાના વડા-મુલ્લા ફઝલ અખુંદ
ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટેલિજન્સ-મુલ્લા તાજ મીર જવાદ
નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટી (NDS)વડા-મુલ્લા અબ્દુલ હક વાસિક
શરણાર્થી બાબતોના પ્રધાન- અલીલઉર્રહમાન હક્કની
ઉપવિદેશ મંત્રી-શેર મોહમ્મદ સ્ટેનેકજઈ (તે તાજેતરમાં દોહામાં ભારતના રાજૂત દીપક મિત્તલ સાથે મુલાકાત કરી હતી)
સંસ્કૃતિ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર-ઝબીઉલ્લાહ મુઝાહિદ
ચીફ ઓફ અફઘાનિસ્તાન બેન્ક- હાજી મોહમ્મદ અદ્દરૈસ
એડમિનિસ્ટ્રેશન ઓફ અફેયર્સ- મૌલવી અહમદ જાન અહમદી
ચીફ ઓફ સ્ટાફ-ફસિહુદ્દીન
મંત્રાલય સ્પષ્ટ નથી- શેખ મોહમ્મદ ખાલિદ
સંરક્ષણ મંત્રાલયના ચીફ ઓફ આર્મી સ્ટાફ-કારી ફરીઉદદ્દીન (તાજીક મૂળના તાલિબાન કમાન્ડર, તેના નૈતૃત્વમાં જ તાલિબાને પંજશીરની લડાઈ લડ્યું અને જીત્યું)
તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી નવી સરકારની જાહેરાત કરી. તાલિબાને કોઈ પણ પ્રકારનો સમારંભ કર્યા વગર સરકારની જાહેરાત કરી છે, સમારંભ બુધવારે યોજાય શકે છે.

તુર્કીએ કહ્યું- માન્યતા આપવામાં ઉતાવળ ન કરશો
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બને તે પહેલાં જ તુર્કીના વિદેશ મંત્રી યૂસુફ એરિમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. યૂસુફે કહ્યું કે વિશ્વના લોકોને અમારી એક જ સલાહ છે કે તેઓ તાલિબાનની સરકારને માન્યતા આપવામાં કોઈ પ્રકારની ઉતાવળ ન કરે.

પાકિસ્તાન વિરોધી પ્રદર્શન
કાબુલમાં પાકિસ્તાની વિરુદ્ધની રેલી પર તાલિબાને ફાયરિંગ કર્યું છે. તેમાં થયેલી ભાગદોડમાં અનેક મહિલાઓ ઘાયલ થઈ હોવાના સમાચાર છે. જ્યારે આ પ્રદર્શનને કવર કરી રહેલા ટોલો ન્યૂઝના કેમેરામેન
વાહિદ અહમદીની તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પંજશીરના યુદ્ધમાં પાકિસ્તાનની દખલગીરીના કારણે અફઘાનિસ્તાનના લોકોમાં રોષ છે અને તેઓ સતત બીજા દિવસે પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનમાં કાબુલના લોકો ગો-બેક પાકિસ્તાન અને આઝાદી-આઝાદીના નારા લગાવી રહ્યા છે. આવું જ એક પ્રદર્શન કાબુલ ખાતેના પાકિસ્તાની દૂતાવાસ બહાર પણકરવામાં આવી રહ્યું છે. જેમાં મોટાભાગે મહિલાઓ સામેલ છે. અહિયાં પણ લોકોને વેરવિખેર કરવા માટે તાલિબાનોએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ પહેલા કાબુલમાં ગઇરાત્રે મહિલાઓએ પાકિસ્તાન વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેને તાલિબાનના ત્રાસ અને પાકિસ્તાનની ઘૂસણખોરો વિરુદ્ધનું પ્રદર્શન જણાવવામાં આવી રહ્યું છે. આમ તો અફઘાનિસ્તાનમાં અલગ-અલગ શહેરોમાં મહિલાઓ છેલ્લા કેટલાક દિવસથી પોતાના અધિકારો માટે પ્રદર્શન કરી રહી છે, પરંતુ કાબુલમાં પ્રથમ વખત રાત્રે પ્રદર્શન થયું હતું.

તાલિબાન 9/11 હુમલાની વર્ષગાંઠ પર નવી સરકારની જાહેરાત કરી શકે છે; અમેરિકાએ કહ્યું- નહીં આપીએ માન્યતા
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર સસ્પેન્સ યથાવત્ છે. આ દરમિયાન મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન 11 સપ્ટેમ્બરે એટલે કે 9/11ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે નવી સરકારની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન અમેરિકાએ તાલિબાની સરકારને માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તાલિબાનને માન્યતા આપવી તે બહુ દૂરની વાત છે.

આતંકવાદી હસન અખુંદ તાલિબાન સરકારના વડાપ્રધાન બની શકે છે
આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને તાલિબાનની સરકારના વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારની કમાનને તાલિબાનના દોહા જૂથ, કંદહાર જૂથ અને આતંકી સંગઠન હક્કાની નેટવર્ક વચ્ચે વિવાદના અહેવાલો હતા. આ દરમિયાન મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની મદદથી તાલિબાનના એવા સભ્યને સરકારની કમાન સોંપી શકાય છે, જેનું મોટું નામ નથી. આ નેતા મુલ્લા હસન અખુંદ હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે હસન અખુંદ અફઘાનિસ્તાનમાં અગાઉની તાલિબાન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યો છે. તે તાલિબાનના મુખ્ય નિર્ણય લેનારો રહબારી શૂરાનો પ્રમુખ છે, અને તાલિબાનના ગઢ કંદહાર સાથે સંબંધ ધરાવે છે.

એવી અટકળો છે કે ગયા દિવસોમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હામીદની કાબુલ મુલાકાત દરમિયાન મુલ્લા હસન અખુંદનું નામ પર સંમતિ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા બરાદાર અને મુલ્લા યાકૂબને હસન અખુંદના ડેપ્યુટીની જવાબદારી સોંપવામાં આવી શકે છે, સાથે જ આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના સિરાજ હક્કાનીને પણ મોટું મંત્રાલય આપવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે બુધવારે તાલિબાની સરકારની જાહેરાત થઈ શકે છે.

કાબુલમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલગીરી સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કાબુલમાં મહિલાઓએ ગત રાત્રે પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેને તાલિબાનના અત્યાચાર અને પાકિસ્તાનની ઘૂસણખોરી સામે પ્રદર્શન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનનાં વિવિધ શહેરોમાં મહિલાઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાના અધિકારો માટે લડી રહી છે, પરંતુ કાબુલમાં પ્રથમ વખત રાત્રે પ્રદર્શન થયું હતું.

તમને જણાવી દઈએ કે તાલિબાનોએ પંજશીરનું યુદ્ધ જીતીને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનો દાવો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનોએ પાકિસ્તાનની મદદથી આ યુદ્ધ જીતી લીધું છે. મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનના સૈનિકોએ તાલિબાન સાથે મળીને પંજશીરમાં રેઝિસ્ટન્સ ફોર્સ સામે લડાઈ લડી છે.

પંજશીરમાં તાલિબાનનાં ઠેકાણાં પર હુમલાના સમાચાર, અજ્ઞાન સૈન્ય વિમાનોએ ફેંક્યા બોમ્બ
તાલિબાન ભલે પંજશીર પર જીતનો દાવો કરી રહ્યા હોય, પરંતુ ત્યાં હજી લડાઈ ચાલુ હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ, પંજશીરમાં કેટલાંક સૈન્ય વિમાનોએ તાલિબાનનાં ઠેકાણાં પર હુમલો કર્યો છે. એ સ્પષ્ટ નથી કે એ વિમાનો કયા દેશનાં હતાં. આ પહેલાં સોમવારે તાલિબાને કહ્યું હતું કે તેણે પંજશીરને જીતી લીધું છે અને હવે સમગ્ર અફઘાનિસ્તાન તેના કબજામાં છે. બીજી બાજુ, રેઝિસ્ટન્સ ફોર્સે પણ હાર માની નથી, પરંતુ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના નેતા અહેમદ મસૂદે સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે યુદ્ધ લડવાની વાત કરી છે.

રશિયાએ કહ્યું- અફઘાનિસ્તાનની જમીનથી રશિયા અને ભારતમાં આતંકવાદ ફેલાવવાનો ખતરો
ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુડાશેવે કહ્યું હતું કે અફઘાનિસ્તાન બાબતે ભારત અને રશિયાને સમાન ચિંતા છે અને બંને દેશો સતત સંપર્કમાં છે. રશિયાનાં ક્ષેત્રો અને કાશ્મીરમાં અફઘાનિસ્તાનની ધરતી પરથી આતંકવાદ ફેલાવવાનો ખતરો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તાલિબાનની સરકારને માન્યતા આપતાં પહેલાં રશિયા તેની ગતિવિધિઓ પર નજર નાખશે.

રશિયા અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છે છે, જેમાં દરેકનું પ્રતિનિધિત્વ હોય અને તે સુરક્ષા અને સ્થિરતા લાવી શકે. રશિયન રાજદૂતે એમ પણ કહ્યું હતું કે અફઘાની જમીનનો ઉપયોગ અન્ય દેશોની વિરુદ્ધ ન થવો જોઈએ.

તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર જીતી લીધું છે
તાલિબાનોએ પંજશીર પર જીતનો દાવો કર્યો છે. દરમિયાન પંજશીરઘાટીમાં રાષ્ટ્રીય રેઝિસ્ટન્સ ફોર્સના નેતા અહેમદ મસૂદે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે યુદ્ધ લડવાની વાત કરી છે. સોમવારે મીડિયાને મોકલવામાં આવેલા ઓડિયો સંદેશમાં મસૂદે અફઘાની લોકોને કહ્યું, 'તમે દેશની અંદર હોવ કે બહાર, હું લોકો પાસેથી અફઘાનિસ્તાનની ગરિમા, સ્વતંત્રતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રીય બળવો શરૂ કરવા માટે આહવાન કરું છું.

તાલિબાને સોમવારે પંજશીરમાં ગવર્નર હાઉસ પર પોતાનો ધ્વજ ફરકાવ્યો અને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યાનું જાહેર કર્યું હતું.
તાલિબાને સોમવારે પંજશીરમાં ગવર્નર હાઉસ પર પોતાનો ધ્વજ ફરકાવ્યો અને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યાનું જાહેર કર્યું હતું.

નોર્ધર્ન અલાયન્સના વડા મસૂદ કઝાકિસ્તાન ભાગી ગયાના સમાચાર
પંજશીરમાં તાલિબાન સામે બળવાખોરીનું નેતૃત્વ કરનાર નોર્ધર્ન અલાયન્સના વડા અહમદ મસૂદ કઝાકિસ્તાન ભાગી ગયા હોવાના અહેવાલ છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં તાલિબાન સમર્થકોને ટાંકીને આ બાબતનો દાવો કરવામાં આવ્યો છે. અહીં પંજશીર સમર્થકોએ મસૂદ ખીણમાં હોવાની વાત કરી છે. તેઓ દાવો કરે છે કે મસૂદ છેલ્લા શ્વાસ સુધી પંજશીરમાં રહેશે. તે તેના દુશ્મનો તરફ પીઠ ફેરવનાર નથી.

ISI ચીફની અફઘાનિસ્તાન મુલાકાત અંગે તાલિબાને સ્પષ્ટતા કરી હતી
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હામીદની અફઘાનિસ્તાન મુલાકાત અંગે તાલિબાને સ્પષ્ટતા કરી છે. તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે સોમવારે ભાર આપતાં કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સહિત કોઈપણ દેશને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા દેશે નહીં.

જણાવી દઈએ કે આઈએસઆઈ ચીફ ફૈઝ હામીદ ગયા અઠવાડિયે અચાનક કાબુલની મુલાકાતે પહોંચ્યા હતા. તાલિબાન નેતાઓ સાથે ચા પી રહેલી તેની તસવીર પણ સામે આવી હતી. એ પછી ઘણા દેશોએ અફઘાનિસ્તાનમાં નવી સરકારની આંતરિક બાબતોમાં પાકિસ્તાનની દખલગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

મહિલાઓએ ફરી પ્રદર્શન કર્યું
અફઘાનિસ્તાનમાં મહિલાઓ તાલિબાન સરકારમાં પોતાનું પ્રતિનિધિત્વ અને અધિકારોની માગણીઓ કરતી રહે છે. સોમવારે બલ્ખ પ્રાંતમાં મહિલા સંગઠનોએ ફરી એકવાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તાલિબાનો પણ હાજર હતા. સ્થાનિક મીડિયાનો દાવો છે કે તાલિબાન લડવૈયાઓએ આ કાર્યક્રમને કવર કરવા આવેલા પત્રકારોને રોકી દીધા અને તેમને ત્યાંથી જવાનું કહ્યું. પત્રકારોએ તેમના આઈડી કાર્ડ પણ બતાવ્યા હતા, પણ તેમને ધમકી આપવામાં આવી અને ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...