રશિયાએ તાજેતરમાં જ એક વિચિત્ર વીડિયો બહાર પાડ્યો છે, જેને જોઈને વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ પરેશાન છે. રશિયાની સરકારી મીડિયા સંસ્થા નોવોસ્તી(Novosti)એ આ વીડિયોને પોસ્ટ કર્યો છે. નાસા વોચે તેના ટ્વિટર હેન્ડલ પર પણ એને શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધના પગલે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને લઈને ઘણાં નિવેદનો આવ્યાં છે, જોકે હવે રશિયા આ વિષય પર ડરાવી નાખે એવો પ્રોપગેન્ડા ફેલાવી રહ્યું છે.
રશિયાની સરકારી મીડિયા સંસ્થા નોવોસ્તીએ વીડિયો જાહેર કર્યો
આ વીડિયામાં દેખાઈ રહ્યું છે કે રશિયાના કોસ્મોનોટ્સ સ્પેસ સ્ટેશન પર હાજર બાકીના એસ્ટ્રોનોટ સાથીઓને મળે છે પછી પોતાના મોડ્યૂલમાં ચાલ્યા જાય છે. એ પછી રશિયા મોડ્યૂલ સ્પેસ સ્ટેશનથી અલગ થતું દેખાય છે, જેનું મોનિટરિંગ પૃથ્વી પરની રશિયાની સ્પેસ એજન્સીમાંથી થાય છે. આ વીડિયોને રશિયાની સરકારી મીડિયા સંસ્થા નોવોસ્તીએ જાહેર કર્યો છે.
વીડિયોમાં શું છે?
આ વીડિયોમાં રશિયાના કોસ્મોનોટ્સ ISS પર હાજર પોતાના સાથીઓને ગુડબાય કહે છે. એ પછી તેઓ પોતાના મોડ્યૂલમાં જતા રહે છે. રશિયા મોડ્યૂલ સ્પેસ સ્ટેશનથી પોતાને અલગ કરી દે છે. સૂર્ય આથમી જાય છે અને એક અલગ પ્રકારનું મ્યુઝિક વાગે છે. છેલ્લા થોડા મહિનાઓથી રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસ અને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની વચ્ચે તણાવનો માહોલ છે. યુક્રેન પર કરવામાં આવેલા હુમલા પછી અમેરિકાએ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે.
અમેરિકા 9 વર્ષ સુધી રશિયા પર નિર્ભર હતું
વર્ષ 2020માં Spacexએ જ્યારે પ્રથમ વખત એસ્ટ્રોનોટ્સને સ્પેસ સ્ટેશને પહોંચાડ્યા, ત્યારે અમેરિકાને થોડી રાહત થઈ. આ પહેલાં અમેરિકા 9 વર્ષ સુધી સંપૂર્ણ રીતે રશિયા પર નિર્ભર હતું, કારણ કે અમેરિકાનો સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ થઈ ગયો હતો. જોકે હાલ સ્પેસ સ્ટેશનના મુદ્દે પણ થોડો તણાવ છે, કારણ કે યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો છે. એનાથી અમેરિકા નારાજ છે. આ સિવાય આ વાતથી યુરોપીય દેશો પણ નારાજ છે.
મોડ્યૂલ અલગ કરવાનું આ સિગ્નલ રશિયાએ આપ્યું હતું
યુક્રેન પર હુમલો કરતાં પહેલાં રશિયાએ એ વાતનું સિગ્નલ આપ્યું હતું કે વર્ષ 2024માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી તે પોતાનું મોડ્યૂલ અલગ કરી દેશે અને આ જ વાતની પુષ્ટિ આ વીડિયોમાં થાય છે. એમાં રશિયા સ્પેસ સ્ટેશનથી પોતાના મોડ્યૂલને અલગ કરતું દેખાઈ રહ્યું છે. NASA વોચ બ્લોગે નોવોસ્તીએ બનાવેલા અને બહાર પાડેલા આ વીડિયોને શેર કર્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો સ્પેસ સ્ટેશન પ્રોગ્રામ માટે ખતરનાક છે.
ઈન્ડિયા-ચાઈના પર સ્પેસ સ્ટેશન પડવાની પણ વાત કરી
અગાઉ રશિયાની સ્પેસ એજન્સીના પ્રમુખ ડિમિત્રી રોગોજિનેએ અમેરિકાને ધમકાવતા ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે શું તમે ઈચ્છો છો કે અમે સ્પેસ સ્ટેશનને લઈને પોતાની સહાયતા પૂરી કરી નાખીએ. બીજો વિકલ્પ એ છે કે 500 ટન વજનના સ્પેસ સ્ટેશનને ભારત કે ચીન પર પડવા દઈએ?. શું તમે આ પ્રકારની સ્થિતિથી ડરાવવા માગો છો. સ્પેસ સ્ટેશન રશિયાની ઉપરથી ઊડતું જ નથી, આ કારણે બધો ખતરો તમને છે. શું તમે તેની જવાબદારી લેશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.