• Gujarati News
  • International
  • Russia Is Facing Economic Crisis And Inflation Putin's Decision Adds To The Woes Of Ordinary People, With ATMs And Banks Shutting Down

રશિયા-યુક્રેન વોર:પુતિનના નિર્ણયથી રશિયાના લોકોની મુશ્કેલીઓ વધી, ATM-બેન્કો બધુ ઠપ્પ

5 મહિનો પહેલા
  • રશિયામાં બેરોજગારી વધવાની શક્યકા, કરન્સી વેલ્યુ ડાઉન

યુક્રેનમાં રશિયા હુમલાને સાત દિવસ થઈ ગયા છે. યુક્રેનના ઘણાં શહેરોમાં યુદ્ધના કારણે કરોડોનું નુકસાન થયું છે. જોકે યુક્રેનની સાથે સાથે રશિયામાં પણ યુદ્ધની અસર જોવા મળી રહી છે. રશિયાની આક્રમકતાના કારણે અમેરિકા સહિત ઘણાં પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. વિવિધ દેશોએ રશિયન બેન્કો પર કડક પ્રતિબંધો લગાવ્યા હોવાથી તે બેન્કોના ગ્રાહકોને ઘણી મુશ્કેલી થઈ રહી છે. ઘણી જગ્યાએ બેન્કો અને એટીએમ ઠપ્પ થઈ ગયા છે જ્યારે અમુક એટીમની બહાર લાંબી લાઈનો જોવા મળે છે. ડોલરની સરખામણીએ રશિયન કરન્સી રુબલમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

અત્યારે રશિયામાં પૈસાદાર વ્યક્તિથી લઈને દરેક વર્ગના લોકોને રોકડા રૂપિયાની સામે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણકે રશિયન બેન્કિંગ સિસ્ટિમ પર પશ્ચિમી દેશોના પ્રતિબંધની ખૂબ ખરાબ અસર થઈ છે. ખાદ્ય કિમતોમાં પણ વધારો થયો હોવાથી રશિયાની સામાન્ય પ્રજાને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પૈસાની લાંબી લાઈનોમાં ઉભા છે રશિયન્સ
ડોલરની સરખામણીએ રશિયન કરન્સી રૂબલમાં ઘટાડો થયો હોવાથી સામાન્ય લોકોની બચતને ઘણી અસર થઈ છે. આ કારણે હતાશ નાગરિકો બેન્કમાંથી પૈસા કાઢવા એટીએમની લાંબી લાઈનોમાં દેખાઈ રહ્યા છે.
અમેરિકાએ એવો પણ સંકેત આપ્યો છે કે, રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવશે. અમેરિકાના આ નિર્ણયથી રશિયાને 630 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થવાની શક્યતા છે. રશિયાને આ નુકસાન ખૂબ મોંઘુ પડશે.

રશિયામાં આવી શકે છે મંદી
ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ડોટ કોમ ડોટ ઈયુના એક રિપોર્ટ પ્રમાણે, નિષ્ણાતોનું કહેવું છે કે, પ્રતિબંધોના કારણે રશિયાનું વાતાવરણ ખરાબ થયું છે અને તેના કારણે દેશ ટૂંક સમયમાં મંદીની ઝપટમાં આવી શકે છે.
સિડની યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર એલિઝા વૂનું કહેવું છે કે, રશિયા હાલ એક મહામારી સામે ઝઝૂમી રહ્યું હોય તેની સ્થિતિ છે. તેમણે કહ્યું કે, રશિયાના લોકો ડરેલા છે અને તેથી જ તેઓ ઝડપથી બેન્કમાંથી તેમના પૈસા કાઢી લેવા માંગે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રોકાણકારો રશિયામાંથી તેમનું રોકાણ ઘટાડી રહ્યા છે.

રશિયન કરન્સીમાં ઘટાડો
એલિઝા વૂએ વધુમાં જણાવ્યું કે, રુબલને અન્ય વિદેશી કરન્સીમાં કન્વર્ટ કરવાનું રશિયામાં ઘટી રહ્યું છે. લોકો ઈચ્છે છે કે તેઓ રૂબલને અન્ય કરન્સીમાં કન્વર્ટ કરે પરંતુ કોઈ ખરીદનાર નથી. તેના કારણે લોકો ખૂબ ઓછું વિદેશી કરન્સીના બદલામાં રુબલનું વેચાણ કરી રહ્યા છે. તેના કારણે પણ રુબલની કિંમત ઘટી છે.

યુદ્ધ પહેલાં અહીં 75 રૂબલની કિંમત 1 ડોલર હતી. યુદ્ધ શરૂ થયા પછી તેની વેલ્યુમાં ઘટાડો થયો છે. એક ડોલરના બદલામાં લોકોને હવે 113 રુબલ આપવા પડે છે. રૂબલની ઘટતી કિંમતના કારણે રશિયામાં ભોજનથી લઈને ઈંધણ સુધીની દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

રશિયામાં આગામી ટૂંક સમયમાં બેરોજગારી પણ વધવાની છે અને ટૂંક સમયમાં સુપર માર્કેટ્સ પણ ખાલી થવાના છે. તેમણે કહ્યું કે, રશિયા ઝટપથી શક્ય હોય તેટલો સામાન ખરીદીને તેનો સ્ટોક કરવા માટે બેન્કમાંથી તેમની બચત કાઢી રહ્યા છે. ચીજ વસ્તુઓની કિંમતમાં રોજ વધારો થઈ રહ્યો છે તેના કારણે પણ લોકો સંગ્રાહખોરી કરવા લાગ્યા છે.

રશિયામાં વધશે બેરોજગારી
એલિઝા વૂનું કહેવું છે કે, રશિયાને આ યુદ્ધ આર્થિક રીતે ખૂબ મોંઘુ પડવાનું છે. તેથી પરિણામે આગામી સમયમાં હવે બેરોજગારીની સમસ્યા વધવાની છે. લોકોએ બેન્કોમાંથી પૈસા કાઢવાનું વધારી દીધું છે, પરિણામે બેન્કો પણ નાદાર થવાની શક્યતા છે.
રુબલની કિંમતમાં અપ્રત્યક્ષ રીતે ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડાને રોકવા માટે રશિયાની કેન્દ્રીય બેન્ક હંમેશા પ્રયત્નો કરે છે. એલિઝા વૂનું કહેવું છે કે, રુબલની ઘટતી કિંમતના કારણે આયાત પણ ઘટી રહી છે.

પ્રતિબંધોથી બચવા માટે પુતિને લીધા આ પગલાં
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આર્થિક પ્રતિબંધોથી થતું નુકસાન રોકવા માટે કડક પગલાં લીધા છે. તેમણે વિદેશોમાં રોકડ મોકલવામાં પ્રતિબંધ લગાવી દીધો છે અને નિકાસકારોને તેમની કમાણીના 80 ટકા રુબલમાં આપવાનો આદેશ આપ્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ રશિયાએ વ્યાજદરને 9.5 ટકાથી વધારીને 20 ટકા કરી દીધી છે.

રશિયન આયાત ઉપર પણ પડશે ખરાબ અસર
અમેરિકામાં વેસ્લેયન વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર પીટર રટલેન્ડનું કહેવું છે કે, પશ્ચિમી દેશોએ જે ગતિ અને ગંભીરતાથી રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે તેની રશિયા ઉપર તાત્કાલિક અસર જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...