અંદાજે 2 મહિનાથી ચાલતા યુક્રેન સંકટમાં થોડી નરમાઇ આવ્યાનો મંગળવારે પહેલો સંકેત મળ્યો. રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનશેન્કોવે કહ્યું કે યુક્રેન સરહદ નજીકના જિલ્લાઓમાં તહેનાત કેટલાક સૈનિકોને ટ્રેનો અને ટ્રકોમાં પાછા તેમની ચોકીઓમાં મોકલાયા છે. રશિયાના પ્રમુખ પુટિને પણ અમેરિકા તથા નાટો સાથે વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી છે. મોસ્કો પહોંચેલા જર્મનીના ચાન્સેલર ઓલાફ શૉલ્ત્સ સાથેની મુલાકાત બાદ પુતિને કહ્યું હતું કે સૈન્યની સંખ્યા પર નિયંત્રણ મુદ્દે તેઓ અમેરિકા અને નાટો સાથે ચર્ચા કરવા તૈયાર છે.
સૈન્ય ઘટાડાયાની જાહેરાત જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્ત્સ રશિયા પહોંચ્યા તે સાથે જ કરાઇ છે. ઓલાફ એક દિવસ પહેલાં જ યુક્રેન પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને આ મામલે પીછેહટ માટે સમજાવવા પ્રયાસ કરશે. રશિયન સૈનિકો પાછા હટ્યાના સમાચાર અંગે યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે અમે લોકો પહેલાં જોઇશું અને પછી વિશ્વાસ કરીશું. સંકટ ટાળવા બ્રિટન, ફ્રાન્સથી માંડીને અમેરિકા અને બ્રાઝિલ સુધી રાજદ્વારી પ્રયાસ કરાઇ રહ્યા છે. એક દિવસ પહેલાં જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો મોસ્કો ગયા હતા. અમેરિકા અને તેના સાથી દેશો માટે આ પગલું હતાશાભર્યું છે. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સંકેત આપ્યો કે તે સુરક્ષાલક્ષી ફરિયાદો અંગે પશ્ચિમી દેશો સાથે વાતચીત માટે તૈયાર છીએ. આ ઘટનાક્રમો વચ્ચે હુમલાની આશંકા યથાવત્ છે.
અસર: મડાગાંઠથી સાઉદી અરેબિયાને ફાયદો, ભારત માટે પરેશાની
યુક્રેન-રશિયા વચ્ચે મડાગાંઠથી વિશ્વમાં ક્રૂડના ભાવ ઝડપથી વધ્યા છે. આ સંકટથી સાઉદી અરેબિયાને સૌથી મોટો ફાયદો થઇ શકે છે. તે આ સંકટમાં પોતાને વૈશ્વિક રાજકારણમાં ફરી સ્થાપિત કરવાની તક જોઇ રહ્યું છે, કેમ કે વીતેલાં 4 વર્ષ સાઉદી શાહી પરિવાર માટે મુશ્કેલીપૂર્ણ રહ્યા છે. હવે સાઉદી અમેરિકાનું કટ્ટર સમર્થક બનીને ઉભર્યું છે. આં.રા. ઊર્જા એજન્સીના જણાવ્યાનુસાર 55% વૈશ્વિક ક્રૂડ ઉત્પાદનક્ષમતા પર રિયાધનો કબજો છે.
તાજેતરના સંકટથી તેની પાસે ક્રૂડની માગ એટલી વધી ચૂકી છે કે તે તેને પૂરી નથી કરી શકતું. વધતી માગ અને વધતા ભાવને કારણે સાઉદીને આ વર્ષે 375 અબજ ડોલર (અંદાજે 28 લાખ કરોડ રૂ.) રેવન્યૂ મળી શકે છે. તેવું થયું તો તે 2012 પછીની સૌથી વધુ રેવન્યૂ હશે. 2012માં તેને 400 અબજ ડોલર (30 લાખ કરોડ રૂ.)થી વધુ મળ્યા હતા. ગત વર્ષે તેને અંદાજે 200 અબજ ડોલર (અંદાજે 15 લાખ કરોડ રૂ.) મળ્યા હતા જ્યારે 2020માં માત્ર 145 અબજ ડોલર (અંદાજે 11 લાખ કરોડ રૂ.) જ હતા. મતલબ કે આ વર્ષે રેવન્યૂ બમણી થવાની શક્યતા છે.
ચિંતા: ભારત 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે
સંકટથી ભારતને મોટું નુકસાન થઇ રહ્યું છે, કેમ કે આપણે 85% ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ. IIFL સિક્યુરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા કહે છે કે આવનારા સમયમાં ક્રૂડનો ભાવ બેરલદીઠ 100 ડોલર સુધી જઇ શકે છે. ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે 15 રૂ. સુધીનો વધારો થઇ શકે છે.
ફ્લાઇટની ટિકિટ 70 હજારથી વધીને 2 લાખ થઈ ગઈ
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓએ તેમને સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં મોડું કરવા બદલ ભારત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે ફ્લાઇટની ટિકિટની કિંમત 70 હજાર રૂપિયાથી વધીને 2 લાખ સુધી થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ વિશેષ ઉડાનો શરૂ કરાવવા સરકારને વિનંતી કરી હતી.
ભારતના 20 હજાર વિદ્યાર્થીઓ યુક્રેન, રેસ્ક્યૂ માટે એરફોર્સ તૈયાર
| યુક્રેનમાં યુદ્ધની આશંકાઓને પગલે ભારત સરકારે ત્યાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકોને સ્વદેશ પાછા ફરવાની સલાહ આપી છે. રાજધાની કીવ સ્થિત ભારતીય દુતાવાસ દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે ભારતીયોને રહેવું જરૂરી નથી તેઓ ઝડપથી પાછા ફરે. જો યુદ્ધની સ્થિતિ સર્જાશે તો ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એરફોર્સના સુપર હર્ક્યુલસ તથા સી-17 વિમાનોને તૈયાર કરી દેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.