પાકિસ્તાનમાં લોકોની હાલત ભિખારીઓ જેવી:સસ્તામાં લોટ માટે ધક્કા-મુક્કી થઈ, પાંચનાં મોત; લોટનો ભાવ 150 રૂપિયે કિલો

23 દિવસ પહેલા
પાકિસ્તાનમાં લોટ માટે પડાપડીનાં દ્રશ્યો

પાકિસ્તાન હવે દેવાળિયો દેશ બનવાની તૈયારીમાં છે. ત્રણ મહિના ચાલે એટલું જ સરકારી ભંડોળ છે. ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને લોકો હેરાન-પરેશાન છે. સરકારે વીજળીનો ખર્ચ બચાવવા માટે મોલ, રસ્તાઓ અને જાહેર સ્થળોએ રાત્રે આઠ વાગ્યા પછીથી લાઈટ બંધ કરાવી દીધી છે. આવી અરાજકતાભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં લોટનો ભાવ 150 રૂપિયે કિલોએ પહોંચી ગયો છે. એટલે સરકાર ઓછા ભાવે કેટલાક વિસ્તારોમાં લોટ આપી રહી છે. સસ્તો લોટ લેવાની લ્હાયમાં સિંધ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ધક્કા-મુક્કી થઈ અને આ અફરાતફરીમાં પાંચ લોકોનાં મોત થયાં છે.

સિંઘ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ફૂડ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રકમાં લોટનાં પેકેટ મોકલવામાં આવ્યાં હતાં અને તે ઓછી કિંમતે વેચાવાનાં હતાં. ટ્રક ભરીને પેકેટ આવ્યાં છે, તે જોઈને લોકોની ભીડ ઊમટી અને જોતજોતામાં ભીડ વધવા લાગી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, લોટનાં પેકેટ લેવા ધક્કા-મુક્કી થઈ અને એકબીજાના હાથમાંથી પેકેટ ઝૂંટવી લેવા ધમાલ મચી. આ ધમાલમાં કેટલાય લોકો ઘાયલ થયા. 35 વર્ષના એક મજૂરને લોકો પગ હેઠળ કચડતા રહ્યા ત્યાં તે મૃત્યુ પામ્યો છે તેનું પણ કોઈને ધ્યાન ન રહ્યું.

ફૂડ ડિપાર્ટમેન્ટ સબસિડીવાળો લોટ વેચે છે. ઓપન માર્કેટમાં લોટ બહુ મોંઘો છે
ફૂડ ડિપાર્ટમેન્ટ સબસિડીવાળો લોટ વેચે છે. ઓપન માર્કેટમાં લોટ બહુ મોંઘો છે

બીજા એક બનાવમાં શહીદ બેનઝિરાબાદ જિલ્લાના સકરંદ નામના ગામડામાં લોટ દળવાની મિલ બહાર સસ્તો લોટ ખરીદવા ભીડ જમા થઈ હતી અને ત્યાં પણ ઝૂંટાઝૂંટી અને ભાગદોડ થઈ હતી. આ બનાવમાં ત્રણ મહિલાનાં મોત થયાં હતાં.

લોટની કિંમત 140-160 રૂપિયે કિલો
સિંધ પ્રાંતમાં લોટની ડિમાન્ડ વધારે અને સપ્લાય બહુ ઓછો છે. સિંધ અને કરાચીમાં લોટની કિંમત 140થી 160 રૂપિયે કિલો છે. સબસિડી રેટમાં લોટ 65 રૂપિયે કિલો સુધી વેચાઈ રહ્યો છે. હાલત એટલી ખરાબ છે કે લોકો 5-5 કિલોની થેલી માટે પણ ધબધબાટી બોલાવે છે.

ખૈબર પખ્તૂનખ્વામાં સૌથી વધારે ખરાબ હાલત છે. અહીંયાં લોકો લોટ માટે એવી સરકારી દુકાનો શોધી રહ્યા છે જ્યાં લોટની 20 કિલોની બોરી 1000 રૂપિયાથી 1500 રૂપિયામાં મળતી હોય. હકીકતે બજારમાં 20 કિલો લોટની કિંમત 3100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલાં 3100 રૂપિયાનો લોટ 1100માં મળતો હતો. હવે તો સરકારી દુકાનોમાં પણ 1500 ભાવ થઈ ગયો છે.

બલૂચિસ્તાનના ખાદ્યમંત્રી જમારક અચકજયે કહ્યું કે રાજ્યમાં હવે ઘઉંનો સ્ટોક નથી
બલૂચિસ્તાનના ખાદ્યમંત્રી જમારક અચકજયે કહ્યું કે રાજ્યમાં હવે ઘઉંનો સ્ટોક નથી

ભીડને કાબૂમાં લેવા ગનનો ઉપયોગ
સરકાર તરફથી જ્યારે લોટ વેચવામાં આવે અને ભીડ બેકાબૂ ન બને તે માટે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમ છતાં ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની જાય છે. લોકો જ્યાં જુઓ ત્યાં લોટ ખરીદવા ધક્કા-મુક્કી કરે છે કારણ કે ઘરે-ઘરે લોટ ખલાસ છે. સપ્લાય ઓછો છે અને ડિમાન્ડ ખૂબ છે.

લોકો રસ્તા પર ઊતર્યા
લોટના વધતા ભાવોના કારણે કેટલાય વિસ્તારોમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ધક્કા-મુક્કીમાં લોકોનાં મોત થઈ રહ્યા છે, તેના કારણે પણ લોકોમાં ગુસ્સો ઘણો છે. સિંધમાં મજૂરના મોત પર વિપક્ષી નેતા હાજી આદિલ શેખે કહ્યું કે - સરકાર ઓછા ભાવે લોકોને લોટ મળી રહે તે માટેના પ્રયાસોમાં નિષ્ફળ રહી છે. ઓછા ભાવે લોટ લેવાની લ્હાયમાં લોકોએ જીવ ગુમાવવો પડે તે દુઃખદ ઘટના છે.

પ્લાસ્ટિકના કોથળામાં રાંધણગેસ ભરી રખાય છે

પ્લાસ્ટિકના કોથળામાં ગેસ ભરીને વેચાય છે
પ્લાસ્ટિકના કોથળામાં ગેસ ભરીને વેચાય છે

પાકિસ્તાનમાં ભોજન રાંધવા માટે ગેસ સિલિન્ડરની અછત છે એટલે પ્લાસ્ટિકની બેગમાં ગેસ ભરીને તેનો ઉપયોગ કરવાનું ચલણ વધી ગયું છે. જે દુકાનોમાં ગેસની પાઈપલાઈન છે ત્યાં મોટા પ્લાસ્ટિકના કોથળામાં રાંધણગેસ ભરી લેવાય છે અને આ કોથળા સાથે નાનકડા ઈલેક્ટ્રિક સક્શન પમ્પની મદદથી કિચનમાં તેનો ઉપયોગ થાય છે. હકીકતે, પાકિસ્તાનમાં નેચરલ ગેસનો સંગ્રહ નથી થતો. તેના કારણે સરકારે ગેસનો સપ્લાય ઓછો કરી નાખ્યો છે. લોકો માટે ગેસ સિલિન્ડર ખરીદવો મુશ્કેલ છે. તેના બદલે પ્લાસ્ટિકના કોથળામાં ગેસ ભરીને વાપરવો સસ્તો પડે છે.

અન્ય સમાચારો પણ છે...