હિમાલય-કારાકોરમના પહાડી વિસ્તારોમાં વૈશ્વિક તાપમાન વધવાથી સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીના ઘાટી ક્ષેત્રોમાં રહેતી આશરે 100 કરોડની વસતીના જીવન અને આજીવિકા જોખમાઈ જશે. હિમાલયના ગ્લેશિયર પીગળવાથી નદીઓ તોફાની બની ગઈ છે. તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી તરફ, હવામાનના ફેરફારો ખેતી, લોકોની આજીવિકા અને જળ-વીજળી ક્ષેત્રને પણ પ્રભાવિત કરશે. આ દાવો અનેક સંશોધકોએ કરેલા અભ્યાસમાં કરાયો છે.
આ અભ્યાસ અમદાવાદ, ઈન્દોર, દિલ્હી, બેંગલુરુ, રુરકી અને નેપાળના નિષ્ણાતોએ કર્યો છે. આ અભ્યાસ પ્રમાણે, હિમાલય-કારાકોરમ ક્ષેત્રમાં નદીઓનું જળસ્તર ગ્લેશિયર પીગળવાથી, વરસાદ પડવાથી અને ભૂજળથી પ્રભાવિત થાય છે. હિમાલય-કારાકોરમ ક્ષેત્રનો અડધો બરફ હિમનદીઓમાં જમા છે. જુદી જુદી ઋતુમાં ગ્લેશિયરો પીગળવાનું સ્તર વિવિધ નદીમાં પાણીના પ્રવાહને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે એપ્રિલથી જૂન સુધી ઊનાળામાં હિમાલય-કારાકોરમ પહાડોમાંથી બરફ પીગળવાથી પ્રવાહ વધે છે. પછી ઓક્ટોબર સુધી ગ્લેશિયરો ધીમી ગતિએ પીગળે છે.
શિયાળામાં બરફ જમા થાય છે, પરંતુ વૈશ્વિક તાપમાન હિમાલય-કારાકોરમ ક્ષેત્રની હિમનદીઓ, હિમપ્રપાત અને વરસાદની પેટર્નને પણ પ્રભાવિત કરી રહ્યું છે. તેની અસર નદીઓના ઘાટી ક્ષેત્રના નીચેના વિસ્તારોમાં પણ પડશે.
આ સંશોધન પેપરના વડા અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, ઈન્દોરના આસિસ્ટન્ટ પ્રો. ફારુક આઝમ કહે છે કે, અમારા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે નદીના પ્રવાહમાં ફેરફારોથી સિંચાઈ માટે જરૂરી પાણીની ઉપલબ્ધતાનો સમય અને માત્રા પર પણ અસર પડશે. ગ્લેશિયરો પહેલા જૂનમાં પીગળતા, પરંતુ હવે તે એપ્રિલમાં જ પીગળવા લાગે છે.
આ ફેરફાર આજીવિકા અને અર્થતંત્રને પણ પ્રભાવિત કરશે. અમારું અનુમાન છે કે, 2050 સુધી વિવિધ ઋતુમાં ગ્લેશિયરો પીગળવાથી નદીમાં જળસ્તર વધશે. તેની અસર હિમાલય-કારાકોરમ નદી ઘાટીના 20.75 લાખ ચોરસ કિ.મી. ક્ષેત્ર પર પડશે, જેમાં 5,77,000 ચોરસ કિ.મી.નું સિંચાઈ ક્ષેત્ર પણ સામેલ છે.
વૈશ્વિક વસતીના આશરે 13% લોકો આ વિસ્તારોમાં રહે છે
આ અભ્યાસ પ્રમાણે, હિમાલય-કારાકોરમના પહાડોમાં તાપમાન વધવાના ફેરફારની અસર દિલ્હી, કોલકાતા, લાહોર, કરાચી અને ઢાકા જેવા એશિયાના શહેરો પર પડશે. તાજા આંકડા પ્રમાણે, અહીં રહેતા લોકોની સંખ્યા વૈશ્વિક વસતીના આશરે 13% છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાની આઠમાંથી એક વ્યક્તિ અહીં રહે છે.
ભારતમાં કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તર હરિયાણા, રાજસ્થાનનો અમુક વિસ્તાર સિંધુ નદી બેઝિનમાં આવે છે. દિલ્હી, દક્ષિણ હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પ. બંગાળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો મોટા હિસ્સો ગંગા બેઝિનમાં છે, જ્યારે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મોટા ભાગનું આસામ, મેઘાલય, નાગાલેન્ડ બ્રહ્મપુત્ર બેઝિનમાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.