મોંઘવારીથી લોકો પરેશાન:યુરોપના દેશોમાં રાહતનો વરસાદ

ન્યુયોર્ક19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી રોકવા જર્મનીમાં રૂ. 5.2 લાખ કરોડ
  • સ્પેનમાં 300 કિ.મી. સુધી ટ્રેન પ્રવાસ મફત
  • સ્વિડનઃ સસ્તી વીજળીનું ઈમર્જન્સી ફંડ બનાવ્યું

એશિયા, અમેરિકા અને યુરોપિયન દેશો સુધી વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે. યુરોપિયન દેશોને બે તરફથી માર પડી રહ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલાના કારણે ગેસની અછત અને ખાદ્ય પદાર્થોના વધતા ભાવ એમ બંનેનો તેઓ સામનો કરી રહ્યા છે. બ્રિટન, જર્મની સહિત અન્ય દેશોમાં શિયાળાને લઈને ચિંતા વધુ છે કારણ કે ત્યારે ગેસ અને વીજળીની માંગ બમણી થઈ હશે.

તેને જોતા અનેક સરકારોએ અત્યારથી જ પગલાં લેવાના શરૂ કરી દીધાં છે. જર્મનીના લોકોને રાહત આપવા અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવા 65 અબજ પાઉન્ડ (આશરે રૂ. 5.15 લાખ કરોડ)ના પેકેજની પણ જાહેરાત કરાઈ છે. હાલના સમયમાં આ ત્રીજું અને સૌથી મોટું રાહત પેકેજ છે.

બીજી તરફ, સ્પેનના લોકોને મોંઘવારીના મોરચે રાહત આપવા ટ્રેનમાં મફત પ્રવાસની યોજના શરૂ કરાઈ છે. 300 કિ.મી. સુધી તમામ નાગરિકો ટિકિટ લીધા વિના પ્રવાસ કરી શકશે. આ યોજના આ વર્ષના અંત સુધી લાગુ રહેશે. આ ઉપરાંત સ્વિડને વીજ ઉત્પાદનમાં ઝડપ લાવવા ઉદ્યોગોને ઈમર્જન્સી ફંડ આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં સરકાર ઘરેલુ વીજળીમાં રાહત આપવા રૂ. 66 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી ચૂકી છે.

19 દેશમાં મોંઘવારી 9%થી વધુ, સૌથી ઓછી 6.5% ફ્રાન્સમાં

  • ​​​​​​​યુરોપના 19 દેશમાં મોંઘવારી નવ ટકાથી વધુ છે. એક વર્ષ પહેલાં આ આંકડો માંડ ત્રણ ટકા હતો.
  • યુરોઝોનના નવ દેશમાં મોંઘવારી દસ ટકાથી વધુ છે. આ જ ઝોનમાં આવતા લિથુઆનિયા, લાટિવિયામાં તો મોંઘવારી દર 20 ટકાના સ્તરને પાર કરી ચૂક્યો છે.
  • યુરોપમાં એકલો ફ્રાન્સ જ એવો દેશ છે, જ્યાં મોંઘવારી દર સૌથી ઓછો 6.5% છે.
  • બ્રિટિશ નિયામક કહી ચૂક્યા છે કે ગેસ અને વીજળીના ભાવ ઓક્ટોબરમાં બમણા થઈ જશે. તેનાથી લાખો લોકોની મુશ્કેલી વધશે.
  • મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ઇંધણના ભાવ વધ્યા તે છે. ઇંધણના ભાવ વાર્ષિક ધોરણે 38.3% વધ્યા છે.

જર્મનીઃ વૃદ્ધોને મહિને 24 હજાર, વિદ્યાર્થીઓને 16 હજાર રૂપિયા
જર્મનીમાં રાહત પેકેજ હેઠળ વૃદ્ધોને રૂ. 24 હજાર અને વિદ્યાર્થીઓને રૂ. 16 હજાર દર મહિને અપાશે. આ પહેલાં જર્મનીમાં બે વાર રૂ. 2.37 કરોડના રાહત પેકેજની જાહેરાત થઈ ચૂકી છે. જર્મનીએ લોકોને ટ્રેનમાં પ્રવાસ માટે દર મહિને રૂ. 712 આપવાની યોજના શરૂ કરી હતી. તેનો જોરદાર લાભ ઉઠાવાયો હતો.

સ્પેનમાં પણ પ્રવાસીઓ ટ્રેનમાં મફત પ્રવાસ કરી શકશે
​​​​​​​સ્પેનમાં મોંઘવારી દર 11% નજીક પહોંચી ગયો છે. આ કારણથી મફત ટ્રેન યાત્રાનો ફાયદો સામાન્ય લોકોની સાથે પ્રવાસીઓને પણ મળશે. તેથી ખર્ચ વધવાથી અર્થતંત્રને ગતિ મળે. જૂનમાં જ સ્પેને રૂ. 75 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરીહતી. ત્યારે કરકપાત સાથે પેન્શન અને સબસિડી પણ વધી હતી.

ફિનલેન્ડ અને સ્વિડનમાં રૂ. 1.83 લાખ કરોડની રાહત
ફિનલેન્ડે વીજળી મોંઘી થતી રોકવા રૂ. 1.83 લાખ કરોડનો પ્રસ્તાવ રાખ્યો છે. આ રીતે સ્વિડને પણ પોતાની વીજ જરૂરિયાતો પૂરી કરવા આટલી રકમનું ઈમર્જન્સી ફંડ રાખ્યું છે. નિષ્ણાતોના મતે, છ મહિના સુધી યુરોની કિંમત ડૉલરથી ઓછી રહેશે, જેનાથી યુરોપમાં મુશ્કેલીઓ વધશે.

અન્ય સમાચારો પણ છે...