બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધતો જઈ રહ્યો છે. શુક્રવારે અહીં એક દિવસમાં રેકોર્ડ 6,238 કેસ મળ્યા અને 11 દર્દીનાં મોત નીપજ્યાં. ગત અઢી મહિનામાં આ પહેલીવાર છે જ્યારે એક દિવસમાં મળનારા સંક્રમિતોનો આંકડો 6 હજારની પાર પહોંચ્યો છે. અગાઉ 25 માર્ચે અહીં 6,118 દર્દી મળ્યા હતા. ખાસ વાત એ છે કે બ્રિટનને અનલૉક થયાને હાલ ફક્ત 18 દિવસ થયા છે એવામાં બ્રિટિશ નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોને ડર છે કે તેની પાછળ કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ(બી.1.617.2) હોઈ શકે છે. આ સંપૂર્ણ બ્રિટનમાં ફેલાઈ રહ્યો છે. તેને લઈને નિષ્ણાતોએ સરકાર દ્વારા 21 જૂને અપાનારી રાહતોને મુલતવી રાખવાની ભલામણ કરી છે. રિપોર્ટ મુજબ અહીં ડેલ્ટા વેરિયન્ટના અત્યાર સુધીના 12 હજાર 431 કેસ મળી આવ્યા છે. તેમાંથી આશરે સાડા પાંચ હજાર કેસ ફક્ત એક અઠવાડિયામાં વધ્યા છે.
એક્સપર્ટ્સનો અભિપ્રાય - 21 જૂનથી અપાનાર રાહત ટાળવામાં આવે
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રોફેસર રવિ ગુપ્તાએ કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સલાહ આપી છે કે 21 જૂને લાૅકડાઉનમાં અપાનારા રાહતને હાલ અમુક અઠવાડિયાં માટે ટાળવામાં આવે. તેમણે કહ્યું કે અમે વેક્સિનેશન એ સ્તર સુધી પહોંચાડવામાંથી ઘણા દૂર નથી જે આપણને વાઈરસને રોકવામાં મદદ કરશે. તેમણે ચેતવણી આપી કે દેશ ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં હોઈ શકે છે.
ચિંતા : બ્રિટન બાદ અનલૉક થયેલા દેશોમાં 15 દિવસમાં કેસ વધવાની શરૂઆત
બ્રિટન 17 મેના રોજ અનલૉક થયું હતું. તેના બાદથી ત્યાં સાપ્તાહિક કેસ 40 ટકા વધી ગયા છે. તે ઉપરાંત સ્વિડનમાં 16%, પોર્ટુગલમાં 16%, લક્ઝમબર્ગમાં 24%, આઈસલેન્ડમાં 40%, રશિયામાં 5% અને આયર્લેન્ડમાં 3% સુધી સાપ્તાહિક કેસમાં વધારો થયો છે. સારી વાત એ પણ છે કે ફ્રાન્સ, ગ્રીસ, ઈટાલી, જર્મની અને સ્પેનમાં સ્થિતિમાં સુધારો થયો છે. પહેલી અને બીજી લહેરમાં આ દેશો ઘાતક સ્થિતિમાં હતા. અનલૉક થયા બાદ ફ્રાન્સમાં 17%, સ્પેનમાં 9%, ઈટાલીમાં 31%, ગ્રીસમાં 22% અને જર્મનીમાં 27% સુધી સાપ્તાહિક કેસમાં ઘટાડો નોંધાયો છે.
રાહત : વિદેશી પર્યટકોનું સ્વાગત કરવા ફ્રાન્સે સંપૂર્ણ તૈયારી કરી લીધી
ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે ફરીથી પોતાને સજ્જ કરી રહ્યું છે. જોકે પ્રવેશ ફક્ત એ લોકોને અપાશે જેમની પાસે પૂર્ણ વેક્સિનેશનનો રિપોર્ટ હશે. ફ્રાન્સ સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે વેક્સિન લઈ ચૂકેલા યુરોપિયન લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું નિયમ સમાપ્ત કરે છે. જોકે કોરોના સામે ઝઝૂમી રહેલા દેશોના પર્યટકોને મંજૂરી નહીં મળે. આ દેશોની યાદીમાં ભારત, બ્રાઝિલ અને દ.આફ્રિકા સહિત 16 દેશ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના જીડીપીમાં ટૂર એન્ડ ટુરિઝમના વ્યવસાયનું સૌથી મોટું યોગદાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.