પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ મુદ્દે ચાલતા સંઘર્ષ વચ્ચે બુધવારે વળાંક આવ્યો. લાહોર હાઈકોર્ટે ઈમરાનને રાહત આપી છે. કોર્ટે ગુરુવાર સવારે 10 વાગ્યા સુધી પોલીસ કાર્યવાહી પર રોક લગાવી છે. બીજી તરફ ઈમરાનના સમર્થકો દ્વારા પેટ્રોલબોમ્બ અને પથ્થરમારાના કારણે પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસને પરત ફરવું પડ્યું હતું. આ પહેલાં પોલીસે સતત 20 કલાક સુધી ટિયર ગેસના શેલ અને એસિડ વોટર છોડીને ઈમરાનના સમર્થકોને હટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો છતાં નિષ્ફળતા મળી હતી. ત્યાર પછી ટોળું વિખેરવા રેન્જર્સ દ્વારા ગોળીબાર કરાયો હતો.
જવાબમાં સમર્થકો દ્વારા પેટ્રોલબોમ્બ અને પથ્થરમારો કરાતા રેન્જર્સે પીછેહઠ કરવી પડી હતી. ઈસ્લામાબાદ પોલીસ 10 દિવસ પહેલાં લાહોરમાં ઈમરાનની ધરપકડ માટે પહોંચી હતી, પરંતુ નિષ્ફળ રહી હતી. હવે ઇમરાનના નિવાસસ્થાન જમાન પાર્કમાંથી સુરક્ષાદળો હટી રહ્યાં છે. જોકે ઇમરાનની ગમે તે સમયે ધરપકડ થાય તેવી આશંકા હજુ પણ છે. ઈમરાન પર સરકારી ખજાનામાંથી ભેટ બારોબાર વેચી દેવાનો આરોપ છે. તેમની સામે કુલ 80 કેસ છે.
ઇમરાને કહ્યું - શરીફ સરકાર મારી હત્યા કરાવવા માંગે છે
ઈમરાને કારતૂસનાં ખોખાવાળી તસવીર સાથે ટિ્વટમાં લખ્યું કે, ‘ધરપકડનો દાવો સ્પષ્ટ નાટક હતું કારણ કે શરીફ સરકારનો ઈરાદો મારું અપહરણ કરીને હત્યાનો છે. ટિયર ગેસ, વોટર કેનન બાદ હવે ફાયરિંગનો સહારો લેવાયો છે. મેં પર્સનલ બોન્ડ જમા કરાવ્યા, જે ડીઆઈજીએ સ્વીકાર્યા નહીં.
બે રાજ્યોની પોલીસ આમને-સામને આવી
ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ઈમરાનની પાર્ટી પીટીઆઈની સરકાર છે, જ્યારે પંજાબમાં રાષ્ટ્રપતિશાસન છે અને આડકતરી રીતે પોલીસ શાહબાઝ સરકારની છે. ઇમરાનના ઘર બહાર ગિલગિટ પોલીસ तहेતહેનાત કરાઈ હતી. તેમણે પણ પંજાબ પોલીસ પર હુમલો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.