• Gujarati News
  • International
  • Quran Islamic Live Telecast Starts As TV Female Anchor Foreign Show Banned By Taliban. Taliban Afghanistan News Updates

અફઘાનિસ્તાનમાં તાલિબાની ચહેરો:ટીવી પર મહિલા એન્કર અને વિદેશી શો પર પ્રતિબંધ, કુરાન-ઈસ્લામી મેસેજનું ટેલિકાસ્ટ શરૂ; બજારોમાં મહિલાઓનાં પોસ્ટર પર કાળી શાહી લદાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલિબાની હકૂમતે અફઘાનિસ્તાનનો ચહેરો બદલી નાખ્યો છે. મહિલાઓને અધિકારો અને દરેક ક્ષેત્રે મોકો આપવાની વાત કરનારા તાલિબાનોએ મહિલા એન્કરો પર પ્રતિબંધો લગાવી દીધા છે. ટીવી પર વિદેશી શોનું ટેલિકાસ્ટ રોકી દેવામાં આવ્યું છે. સરકારી ચેનલોથી ઈસ્લામી સંદેશ આપવામાં આવી રહ્યા છે. બજારોમાં જ્યાં પણ મહિલાઓનો ચહેરો દેખાય તેના પર કાળી શાહી લાદી દેવામાં આવી છે. તાલિબાને અફઘાનિસ્તાનના ટોપ મીડિયા ઓફિસરની હત્યા પણ બહુ પહેલાં જ કરી દીધી છે.

મહિલા એન્કરોને ઓફિસથી પરત મોકલી દેવાઈ
અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાનોએ તેમની પહેલી પ્રેસ-કોન્ફરન્સમાં વાયદો કર્યો હતો કે તેઓ મહિલા અધિકારીઓને સુરક્ષા આપશે, પરંતુ એખ સપ્તાહ પહેલાં જ અફઘાનિસ્તાનની સરકારી ચેનલમાં નોકરીમાં જોડાનારી મહિલા એન્કર અદિજા અમીનને તેમના અધિકારીઓએ કાઢી મૂકી છે. ચેનલના અધિકારીઓએ ખદીજાને કહ્યું હતું કે સરકારી ચેનલમાં મહિલાઓ કામ કરી શકશે નહીં.
ખદિજાએ કહ્યું, હવે હું શું કરીશ? ભવિષ્યની પેઢી પાસે કશું નહીં હોય. 20 વર્ષમાં અમે જે પણ મેળવ્યું હતું એ બધું અમે ગુમાવી દીધું. તાલિબાનો ક્યારેય નહીં સુધરે. તેઓ ક્યારેય બદલાવાના નથી.

ત્યાર પછી કાબુલમાં આવેલા રેડિયો ટેલિવિઝન અફઘાનિસ્તાન (RTA)માં કામ કરતી એન્કર શબનમ દાવરાનને પણ કામ પર આવવાની ના પાડી દેવામાં આવી છે. શબનમે કહ્યું, બુધવારે હું હિજાબ પહેરીને-આઈડી કાર્ડ લઈને ઓફિસ પહોંચી હતી. ત્યાં હાજર તાલિબાનોએ મને કહ્યું, સરકાર બદલાઈ ગઈ છે, તેથી હવે તમને અહીં આવવાની મંજૂરી નથી. ઘરે જાઓ.

અફઘાની મીડિયા એન્ડ ઈન્ફોર્મેશન સેન્ટરના હેડની કરી હત્યા

અંદાજે બે સપ્તાહ પહેલાં તાલિબાનોએ અફઘાનિસ્તાન મીડિયા એન્ડ ઈન્ફોર્મેશન સેન્ટરના ચીફ દાવા ખાન મેનાપાલની હત્યા કરી દીધી છે. દાવા ખાનની ત્યારે હત્યા કરવામાં આવી જ્યારે શુક્રવારે તેઓ નમાઝ પઢીને બહાર આવી રહ્યા હતા. દાવા ખાન અફઘાન સરકારના કટ્ટર સમર્થક હતા અને તેઓ હંમેશાં તાલિબાની વિરોધી રહ્યા છે. તાલિબાને હત્યા પછી કહ્યું હતું કે દાવા ખાનને તેમનાં કર્મોની સજા મળી છે. તેમણે તાલિબાની લડાકુઓની હત્યા કરી હતી.

મહિલાઓને સપોર્ટ માત્ર દેખાવ પૂરતો, બજારમાં તસવીરોને પણ કાળી શાહી લગાડી
મહિલાઓને અધિકાર અને શિક્ષણ આપવાની વાતનો દાવો માત્ર તાલિબાનોનો દેખાડો છે. સ્થિતિ એવી છે કે જ્યાં પણ મહિલાઓની તસવીર દેખાય છે ત્યાં તેમણે કાળી શાહી લગાડી દીધી છે. ઘણાં ટ્વીટ સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યાં છે, જેમાં કાબુલ અને અન્ય શહેરોનાં બજારોમાં પોસ્ટર, એડવર્ટાઈઝમેન્ટ અથવા દુકાનો પર મહિલાઓની તસવીર પર કાળી શાહી લગાડવામાં આવી હોવાની તસવીરો દેખાય છે.

ઘરે-ઘરે મહિલા એક્ટિવિસ્ટો અને બ્લોગર્સની તપાસ
તાલિબાન ભલે જ વુમન ફ્રેન્ડલી હોવાની વાતો કરતા હોય, પરંતુ હકીકત એવી છે કે તેઓ દરેક જગ્યાએ મહિલાઓની હાજરી પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં મોટી થયેલી હોમીરા રેજાઈએ બીબીસીને જણાવ્યું, મને કાબુલથી માહિતી મળી રહી છે. ત્યાં તાલિબાનો ઘરે ઘરે જઈને મહિલા એક્ટિવિસ્ટોની તપાસ કરી રહ્યા છે. તે સિવાય મહિલા બ્લોગર્સ, યુ-ટ્યુબર્સની તપાસ પણ કરવામાં આવી રહી છે અને તેમના પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. હોમીરાએ જણાવ્યું હતું કે તાલિબાનો દરેક તે મહિલાઓને શોધી રહ્યા છે જે અફઘાનિસ્તાની સમાજના વિકાસ કામ સાથે જોડાયેલી છે.

1996થી 2001 સુધીનો સમય પરત આવ્યો

  • 1996થી 2001 સુધી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું ત્યારે પણ મહિલાઓને કામ પર અને બાળકીઓને સ્કૂલ જવા પર પ્રતિબંધ હતો. તેમણે તેમનો ચહેરો ફરજિયાત ઢાંકવો પડતો અને બહાર નીકળતી વખતે ઘરના કોઈ પુરુષનું સાથે હોવું જરૂરી હતું.
  • મહિલાઓ રેડિયો, ટેલિવિઝન અથવા કોઈ સભા કે સંમેલનમાં હાજર રહી શકતી નહીં. ઘરની બહાર તેમને ઊંચા અવાજે બોલવાની મંજૂરી નહોતી, કારણ કે નિયમ એવો હતો કે બીજા કોઈ પુરુષને તેમનો અવાજ સંભળાવો જોઈએ નહીં.