યુક્રેન સાથેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની યુએસ મુલાકાત બાદ પુતિને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ સંઘર્ષનો અંત લાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમે આ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને કરતા રહીશું.
પુતિને કહ્યું કે ગમે તેમ હોય, પરંતુ તમામ સંઘર્ષોનો અંત આવે છે. આપણા દુશ્મનને આ વાત જેટલી જલ્દી સમજાય તેટલું સારું થશે. પુતિને જાહેરમાં યુક્રેનની વિશેષ સૈન્ય કાર્યવાહીને પ્રથમ વખત યુદ્ધ ગણાવ્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે અમેરિકા પર પણ આરોપ લગાવ્યા કે તે રશિયાને નબળું પાડવા માટે યુક્રેનનો ઉપયોગ કરી રહ્યું છે.
પુતિને પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ પર પણ વાત કરી હતી
અમેરિકાએ હાલમાં એક જાહેરાત કરી છે કે તે યુક્રેનને 15,000 કરોડ રૂપિયાની સહાય આપશે. જેમાં અમેરિકા તરફથી યુક્રેનને પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ આપવામાં આવશે. પુતિને આ અંગે નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે આનાથી યુદ્ધ પર કોઈ ખાસ અસર નહીં પડે. રશિયા તેની સામે લડવા માટે ચોક્કસપણે કોઈ રસ્તો શોધી લેશે. જેઓ યુક્રેનને આવી મદદ કરી રહ્યા છે તેઓ આ યુદ્ધને આગળ વધારી રહ્યા છે.
અમેરિકાએ પલટવાર કર્યો
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે, પુતિને એવા કોઈ સંકેત આપ્યા નથી કે તેઓ કોઈપણ પ્રકારની સમજૂતી માટે તૈયાર છે. કિર્બીએ કહ્યું, યુક્રેનમાં પુતિન જે કરી રહ્યા છે તે યુદ્ધને સમાપ્ત કરવાના તેમના દાવાઓની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન યુદ્ધ ખતમ કરવા માટે પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છે, પરંતુ આ મુદ્દાને રશિયાએ ગંભીરતાથી લેવો જોઈએ.
ઝેલેન્સકીને યુએસ પ્રવાસ પર 'હીરોઝ વેલકમ' મળ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયા સાથે યુદ્ધની શરૂઆત પછી તેઓ પ્રથમ વખત વિદેશ યાત્રા પર યુએસ પહોંચ્યા હતા. જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિને મળ્યા હતા. વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકીનું કોઈ હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન, બાઈડેન વહીવટીતંત્રે જાહેરાત કરી કે અમેરિકા યુક્રેનને 1.85 બિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે.
ઝેલેન્સ્કીએ કહ્યું- પુતિન માટે કોઈ સંદેશ નથી
કોન્ફરન્સ દરમિયાન, ઝેલેન્સકીએ કહ્યું કે તેમની પાસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોકલવા માટે કોઈ સંદેશ નથી. ઝેલેન્સ્કીઓએ કહ્યું, "અમારા જીવનનો નાશ કર્યા પછી હું તેમને કેવા પ્રકારનો સંદેશ મોકલી શકું? તેઓ અમને બરબાદ કરી રહ્યા છે. રશિયાને લોકો, યુરોપ અને આઝાદ વિશ્વ સામે જવાબદાર ઠેરવવું જોઈએ."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.