ઈરાનમાં હિજાબના વિરોધમાં મહિલાઓ:ઈસ્લામિક કાયદાના વિરોધમાં જાહેરમાં પડદો હટાવ્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યા

2 મહિનો પહેલા

ઈરાન એવા કેટલાક દેશ પૈકીનો એક દેશ છે કે જ્યાં ઈસ્લામિક હિજાબ પહેરવો મહિલાઓ માટે ફરજિયાત છે. ઈરાનની મહિલાઓએ મંગળવારે દેશભરમાં એન્ટી હિજાબ કેમ્પેઈન ચલાવ્યું અને હિજાબ વગર સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યાં. આમ કરીને મોટી સંખ્યામાં મહિલાઓએ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના હિજાબને લગતા કડક નિયમો તોડ્યા હતા. આ માટે સોશિયલ મીડિયા પર No2Hijab હેશટેગ પણ ચાલવવામાં આવ્યું.

મહત્વની વાત એ રહી છે કે વિરોધ માટે આ મહિલાઓએ 12 જુલાઈનો દિવસ પસંદ કર્યો હતો. આ દિવસે ઈરાનમાં 'હિજાબ અને શુદ્ધતાના રાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ સમયે સરકારી સંસ્થાઓ અને એજન્સીઓએ સમગ્ર સપ્તાહ માટે હિજાબને પ્રોત્સાહન આપવાના આદેશ કરાય છે.

ઈસ્લામિક ડ્રેસ કોડ અંગે પણ નિયમો કડક બનેલા છે
છેલ્લા કેટલાક મહિના દરમિયાન અહીં સિક્યોરિટી ફોર્સિસે કડકાઈથી ડ્રેસ કોડ લાગૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રદર્શનના દિવસે જ ઈરાનના ટેલિવિઝને 'હિજાબ અને શુદ્ધતા' પ્રસંગનો એક વીડિયો વાઈરલ કર્યો હતો,જેમાં 13 મહિના લીલા હિજાબ અને લાંબા સફેદ કપડાં પહેરેલ જોવા મળતી હતી.

આ મહિલાઓ કુરાનની આયાત પર આધારિત એક ગીત પર ડાંસ કરતી હતી. આ આયતમાં મહિલાઓના પડદા પર ભાર આપવામાં આવ્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈ ભારે મજાક કરવામાં આવી છે.

9 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓએ માથુ ઢાકવું ફરજિયાત
વર્ષ 1979માં ઈસ્લામિક રિવૉલ્યુશન બાદથી ઈરાનમાં હિજાબને લગતા નિયમો પ્રચલિત છે. કાયદા હેઠળ 9 વર્ષ વધારે ઉંમરની છોકરીઓ તથા મહિલાઓએ જાહેરમાં માથુ ઢાકવું ફરજિયાત છે. જોકે, દેશમાં વિવિધ રાષ્ટ્રપતિ શાસન સમયે તેની કડકાઈ અંગે ઘટાડો અથવા વધારો થતો રહ્યો છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ હિજાબ કાયદાના વિરોધને ઈસ્લામી સમાજમાં નૈતિક ભ્રષ્ટાચાર કહ્યો હતો. તેમ છતાં મહિલાઓએ રંગીન સ્કાર્ફ પહેરીને અને પોતાના કેટલાક વાળ દેખાડી કાયદાથી બચવાનો માર્ગ શોધી લીધો હતો.

આ મહિનાની શરૂઆતમાં ઈરાનના પૂર્વોત્તર વિસ્તારમાં એક આદેશ આપવામાં આવ્યો હતો. તેમાં હિજાબ વગરની મહિલાઓને ઓફિસ તથા બેન્કોમાં જવા તથા મેટ્રો સર્વિસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવાની વાત કરવામાં આવી હતી.

ઓનલાઈન કેમ્પેઈન ચલાવી વિરોધનો વ્યાપ વધાર્યો
હિજાબ વિરોધી સોશિયલ મીડિયા કેમ્પેઈનનું નેતૃત્વ અમેરિકા સ્થિત એક્ટિવિસ્ટ મસીહ અલીનેજાદે કર્યું હતું. અલીનેજાદ ઈરાની મહિલાઓ માટે છેલ્લા એક દાયકાથી અનેક ઓનલાઈન કેમ્પેઈન ચલાવી રહી છે. વિરોધ અગાઉ મસીહ અલીનેજાદે ટ્વિટ કર્યું કે કાલે ઈરાનની મહિલાઓ પોતાના હિજાબ હટાવીને ઈરાનના માર્ગો પર ઉતરશે અને #No2Hijab કહીને અહીના શાસકને હચમચાવી દેશે.

12 જુલાઈના રોજ તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે અમે વચન પ્રમાણે હિજાબ હટાવી દીધો છે. આશા છે કે કોઈપણ આ અભિયાન સાથે જોડાશે. મહિલાઓએ હિજાબ પહેરવા માટે મજબૂર કરવી તે ઈરાનની સંસ્કૃતિનો હિસ્સો નથી. આ તાલિબાન, ISIS અને ઈસ્લામિક રિપબ્લિકનું કલ્ચર છે. હવે તો હદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...