પાકિસ્તાનનું સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથી મોટો સૂબો પંજાબ પણ ઈમરાનની પાર્ટીએ ગુમાવી દીધો છે. શનિવારે નવા મુખ્યમંત્રી માટે યોજાયેલી ચૂંટણીમાં પીએમએલ-એન પાર્ટીના હમઝા શેહબાઝ નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેમને 197 વોટ મળ્યા હતા. શનિવારે નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે આયોજિત પંજાબ એસેમ્બલીમાં જોરદાર હોબાળો થયો હતો.
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સભ્ય ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને લોટા ફેંકવા લાગ્યા હતા. તેમનું કહેવું હતું કે લોટા(બળવાખોરો)ઓને બહાર ફેંકવામાં આવે. પીટીઆઈના સભ્યોએ ડેપ્યુટી સ્પીકર મોહમ્મદ મઝારીના વાળ પણ ખેંચી નાખ્યા હતા. રમખાણવિરોધી પોલીસે એસેમ્બલીમાં પહોંચી સ્થિતિને ભારે મથામણ બાદ કાબૂમાં લીધી હતી. પોલીસે પીટીઆઈના 3 સભ્યોની ધરપકડ કરી હતી.
નવાઝ શરીફની પાર્ટીના સભ્યોએ પણ ઈમરાનના ઉમેદવાર સાથે મારપીટ કરી
મુખ્યમંત્રીપદ માટે ઈમરાને સહયોગી પાર્ટી પીએમએલ-ક્યૂના પરવેઝ ઈલાહીને ઉમેદવાર બનાવ્યા હતા. ઈલાહીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આરોપ મૂક્યો કે પીએમએલ-એનના હમઝા શેહબાઝે તેમની સાથે મારપીટ કરી હતી. ઈલાહી કહે છે કે પંજાબ પોલીસની પણ નવાઝની પાર્ટી સાથે મિલીભગત હતી. આ કાળો દિવસ હતો.
નવા મુખ્યમંત્રી હમઝા પીએમ શેહબાઝના દીકરા છે
પંજાબ પ્રાંતના નવા મુખ્યમંત્રી હમઝા પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફના દીકરા છે. બિઝનેસમેન હમઝાને પંજાબ સૂબાના પોલ્ટ્રી કિંગ પણ કહેવાય છે.
હારથી પીટીઆઈ અકળાઈ, કહ્યું- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ
પહેલાં વડાપ્રધાન પદ ગુમાવવા અને હવે પંજાબના સૂબામાં સરકાર ગુમાવ્યા બાદ ઈમરાનની પાર્ટી અકળાઈ છે. ઈમરાન સરકારમાં મંત્રી રહેલા ફવાદ ચૌધરીએ આરોપ મૂક્યો હતો કે પાક.માં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે.
પીટીઆઈ ઘેરાઈ : ડોનેશન અંગે 30 દિવસમાં નિર્ણય
એક પછી એક સત્તા ગુમાવ્યા બાદ ઈમરાનની પાર્ટી ઘેરાતી જઈ રહી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ગુરુવારે જ પાકિસ્તાની ચૂંટણીપંચને પીટીઆઈને ડોનેશન કેસમાં 30 દિવસમાં નિર્ણય કરવા આદેશ જારી કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.