શ્રીલંકામાં હિંસા, LIVE અપડેટ:વિરોધ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના ઘરને આગ લગાવી, થોડી વાર અગાઉ તેમણે રાજીનામું આપેલું; રાષ્ટ્રપતિ ભાગી ગયા

3 મહિનો પહેલા
  • રાષ્ટ્રપતિ દેશ છોડીને જતા રહ્યાની અટકળો વહેતી થઈ

શ્રીલંકામાં આર્થિક સંકટ ગંભીર બનતા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સરકારી નિવાસ સ્થાન ઉપર કબ્જો કરી લીધો છે. રાજપક્ષે પ્રેસિડેન્ટ હાઉસ છોડી ભાગી ગયા છે. રાજપક્ષે અત્યારે ક્યાં છે તે અંગે કોઈની પાસે માહિતી નથી. તેઓ શ્રીલંકામાં છે કે દેશ છોડીને જતા રહ્યા છે તે બાબત પણ હજુ સ્પષ્ટ થઈ શકી નથી. બીજી બાજુ વિરોધ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન વિક્રમસિંઘેના ઘરને આગ લગાડી દીધી છે.

આ અગાઉ પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. તેમણે સોશિયલ મીડિયા ઉપર આ અંગે માહિતી આપી હતી. આ અગાઉ PMએ ઈમર્જન્સી બેઠક બોલાવી હતી, જેમાં એસેમ્બલી સ્પીકર મહિન્દ્રા યપ્પા અભયવર્ધનેને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવા અંગે દરખાસ્ત રજૂ કરી હતી. શ્રીલંકાના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ રાજીનામું આપે છે તો સ્પીકર એક મહિના માટે વચગાળાના રાષ્ટ્રપતિ બની શકે છે.

મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો છે કે રાજપક્ષે દેશ છોડી દીધો છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ લાંબા સમયથી 'GO GAMA' અને 'GOTA GO HOME' આંદોલન ચાલી રહ્યું છે.

શ્રીલંકા કટોકટી સંબંધિત LIVE અપડેટ્સ...
1. શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામું આપવાની અપીલ કરી.
2. શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે સ્પીકરને સંસદ બોલાવવા વિનંતી કરી.
3. દેશમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે શ્રીલંકા પોલીસે અનેક પ્રાંતોમાં કર્ફ્યુ લાદી દીધો.
4. વિરોધીઓએ સામગી જન બલવેગયા (SJB) સાંસદ રાજિતા સેનારત્ને પર હુમલો કર્યો.

ગામાનો અર્થ સિંહલી ભાષામાં ગામ થાય છે. વિરોધીઓ એક જગ્યાએ એકઠા થાય છે અને વાહનોના હોર્નિંગ કરતી વખતે રાષ્ટ્રપતિ અને સરકાર વિરુદ્ધ 'GOTA GO GAMA'ના નારા લગાવે છે. તેમનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને સત્તા છોડવા દબાણ કરવાનો હતો.

ગાલેમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચના સ્ટેડિયમની બહાર પ્રદર્શનકારીઓનું એક જૂથ પહોંચી ગયું છે. વિરોધીઓમાં લંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા પણ જોડાયા હતા. એ જ સમયે રાજધાની કોલંબોમાં આંદોલન ઉગ્ર બન્યું છે. પોલીસ સાથેની અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન વિક્રમસિંઘે બગડતી પરિસ્થિતિને લઈને ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

સેનાની પેટ્રોલ પંપ પર નજર
શ્રીલંકામાં સામાન્ય લોકોનું દરરોજ પોલીસ, સેના અને એરફોર્સ સાથે ઘર્ષણ થાય છે, કારણ કે તેઓ અહીં પેટ્રોલ પંપ પર નજર રાખી રહ્યા છે. સમાજમાં બળવાખોરી અણધારી રીતે વધી છે, જે રમખાણોના રૂપમાં બહાર આવે છે. શાળાઓ, કોલેજો, હોસ્પિટલો બંધ છે, તેથી યુવાનો તેમના પરિવારને ઘરે લાચાર બનીને સંઘર્ષ કરતા જોવા માટે મજબૂર છે.

ગેસના અભાવે લોકોને ઘરોમાં લાકડાંના ચૂલા સળગાવવાની ફરજ પડી
રાસાયણિક ખાતર પર પ્રતિબંધને કારણે દેશમાં ખાદ્યપદાર્થોની કટોકટી સર્જાઈ છે. ગેસની અછતને કારણે લોકો ઘરોમાં ચૂલા સળગાવી રહ્યા છે. શ્રીલંકાના મધ્યમવર્ગના પરિવારોએ પણ તેમના ખાદ્યપદાર્થોનો વપરાશ ઘટાડ્યો છે, કારણ કે તેઓ આવી મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ લેવાનું ટાળે છે.

ફુગાવો જે મે મહિનામાં 39.1% હતો એ જૂનમાં વધીને 54.6% થયો છે. જો આપણે એકલા ખાદ્ય મોંઘવારી પર નજર કરીએ તો એ મે મહિનામાં 57.4%થી વધીને જૂનમાં 80.1% થઈ ગઈ છે.

આઝાદી પછી શ્રીલંકામાં સૌથી મોટી આર્થિક કટોકટી
લોકોને રોજિંદા વસ્તુઓ પણ મળી શકતી નથી અથવા તે અનેક ઘણી મોંઘી થઈ રહી છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે, જેને કારણે તેઓ જરૂરી વસ્તુઓની પણ આયાત કરી શકતા નથી. સૌથી મોટું બળતણનો અભાવ છે. પેટ્રોલ અને ડીઝલ પર અનેક કિલોમીટર લાંબી લાઈનો છે. વિરોધપ્રદર્શન પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...