યુક્રેનમાં રશિયાના સૈન્યના હુમલા 267માં દિવસ પણ યથાવત્ રહ્યા. આ હુમલાથી બચવાની સાથે જ યુક્રેનના લોકો સામે વધુ એક પડકાર ઠંડીથી બચવાનો ઊભો થયો છે. કારણ કે રાજધાની કીવ સહિત અન્ય ક્ષેત્રોમાં વરસાદની સાથે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. જેના લીધે તાપમાન ગગડીને શૂન્યની નીચે આવી પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં તકલીફ વધવાની જ છે કેમ કે રશિયાએ વીજપ્લાન્ટ બાદ હવે દેશના ગેસ સ્ટોરેજ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. જોકે તમામ મુશ્કેલીઓ છતાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની જેમ લોકોનો જુસ્સો બુલંદ છે કેમ કે રશિયાએ સતત પીછેહઠ કરવા મજબૂર થવું પડી રહ્યું છે.
લડાઈ શાંત થતી ન દેખાતા રાષ્ટ્રપતિ કાર્યાલયે દેશભરમાં બે મહિના પહેલા જ લોકોને કહી દીધું હતું કે હુમલાની સાથે ઠંડીનો મુકાબલો કરવા માટે ઘર અને આજુબાજુના ક્ષેત્રોમાં લાકડાં એકઠા કરી લો. જેથી જો વીજળીની સાથે ગેસ પણ ન મળે તો તાપણું તૈયાર કરી ઠંડીનો સામનો કરી શકો. યુરોપિયન દેશો અને અમેરિકાએ જનરેટર મોકલ્યા છે જેથી ઘર અને બંકરોને ગરમ રાખી શકાય. આવા જનરેટર સમગ્ર દેશમાં બનાવીને રખાઈ રહ્યા છે. ઠંડીથી બચવા જેકેટ, ધાબળા સહિત અન્ય ગરમ કપડાની પણ કોઈ અછત નથી. કીવથી લઈને બુચા સુધી ગરમ કપડાનો જથ્થો પહોંચાડી દેવાયો છે જેને વજન પ્રમાણે વેચવામાં આવી રહ્યા છે. હુમલા બાદ દેશમાં મોંઘવારી તો વધી છે તેમ છતાં ક્યાંય કોઈ વસ્તુની અછત નથી. બાળકો માટે મિલ્ક પાઉડરથી લઈને શાકભાજી, રેશન આરામથી ઉપલબ્ધ છે. યુક્રેન નજીકના પોલેન્ડ સહિત અન્ય યુરોપિયન દેશ મોટી માત્રામાં સતત મદદ મોકલી રહ્યા છે.
તેનાથી એ લોકોને પણ અછત વર્તાઈ રહી નથી જેમની પાસે પૈસા નથી. જોકે ઠંડીમાં એક મોટો પડકાર બ્રેડ પણ છે. જે રીતે ફેક્ટરીઓ નષ્ટ કરાઈ રહી છે અને વીજ-ગેસનું સંકટ સર્જાયું છે એવામાં બ્રેડની અછત વર્તાઈ શકે છે. લોકો હવે હુમલાને લઈને ભયભીત નથી. આ જ કારણ છે કે શહેરોમાં સાયરન વાગવા છતાં લોકો બંકરોમાં જતા નથી. હાં, સાયરન વાગતા બજાર, મોલ બંધ થઈ જાય છે.
ભારતીયોની મુશ્કેલી વધી કેમ કે તેમને લોકો રશિયાના સમર્થક માને છે
રશિયાના સૈન્યએ ગુરુવારે કીવ, લવીવ સહિત 6 શહેરોને નિશાન બનાવ્યા. નીપ્રોમાં મિસાઈલ હુમલામાં 5 લોકો મૃત્યુ પામ્યા. તેમાં 8 વર્ષની બાળકી પણ સામેલ હતી. નીપ્રોમાં ગેસ સ્ટોરેજ પ્લાન્ટને પણ નિશાન બનાવાયું છે. કીવમાં અડધા વીજ પ્લાન્ટ નષ્ટ કરી દેવાયા છે. 3 લાખની વસતી અંધારામાં છે. બાકી વસતીને માંડ-મુશ્કેલીથી 5 કલાક વીજળી મળી રહી છે. દરમિયાન ભારતીયો માટે સ્થિતિ મુશ્કેલ થઈ ચૂકી છે. યુક્રેનમાં એવી ધારણા બની ચૂકી છે કે ભારત આ યુદ્ધમાં રશિયાની પડખે છે.જે લોકો ત્યાં રોકાયા છે હવે તેમને ટોણાં મારવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.