સ્વિડનની રાજધાની સ્ટોકહોમમાં એક દક્ષિણપંથી (જમણેરી) એક્ટિવિસ્ટે શનિવારે તુર્કિયેના દૂતાવાસ પર કુરાન સળગાવ્યું હતું. ત્યાર પછી ત્યાંના મુસ્લિમ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. કુરાન સળગાવનાર વ્યક્તિ રાસ્મસ પાલુદાન લાંબા સમયથી સ્વિડનમાં તેના ઈસ્લામિક વિરોધી નિવેદનો અને પ્રવૃત્તિ માટે જાણીતો છે.
જો કે, આ મામલો મોટો બન્યો કારણ કે આ વખતે પાલુદાને આ કામ પોલીસની પરવાનગી લીધા બાદ કર્યું હતું. આ માટે તેને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી. મામલો એટલો ગંભીર બની ગયો છે કે કુરાન સળગાવવાની ઘટના બાદ તુર્કિયેના રક્ષા મંત્રીએ પોતાની સ્વિડનની મુલાકાત પણ રદ કરી દીધી છે. નાટો સભ્ય બનવા માટે સ્વિડન માટે આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી.
રાસ્મસ પાલુદાન કુરાન બાળવા પ્રવાસ પર છે
અલજઝીરાના અહેવાલ મુજબ, રાસ્મસ પાલુદાને ગયા વર્ષે એપ્રિલમાં રમજાન દરમિયાન જાહેરાત કરી હતી કે તે કુરાન સળગાવવા માટે પ્રવાસ કરશે. જે બાદ શનિવારે એટલે કે 21 જાન્યુઆરીએ પાલુદને તુર્કિયે દૂતાવાસની બહાર કુરાનની કોપી લાઈટર વડે સળગાવી હતી. આ દરમિયાન તેણે ઈસ્લામને લઈને ઘણાં વિવાદાસ્પદ નિવેદનો પણ આપ્યાં હતાં.
કુરાન સળગાવવાના સમયે રાસ્મસના સમર્થનમાં લગભગ 100 લોકો ત્યાં હાજર હતા. પાલુદાને કહ્યું કે જો તમને લાગતું હોય કે અભિવ્યક્તિની આઝાદી ન હોવી જોઈએ તો તમારે સ્વિડનમાં ન રહેવું જોઈએ પરંતુ બીજે ક્યાંક જવું જોઈએ.
ઘણા ઈસ્લામિક દેશોએ આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવી હતી.
કુરાન સળગાવવાની ઘટના બાદ તુર્કિયેના વિદેશ મંત્રી મેલ્વુતે કહ્યું કે સ્વિડન રાસમસને કુરાન બાળવાથી રોકવામાં નિષ્ફળ રહ્યું. આ એક જાતિવાદી કૃત્ય છે, તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે કોઈ લેવાદેવા નથી.
જો કે સ્વિડનના વિદેશ મંત્રીએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે સ્વિડનમાં અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે. જો કે, આનો અર્થ એ નથી કે અમે આવી પ્રવૃત્તિઓને સમર્થન આપીએ છીએ.
તુર્કિયે સિવાય ઘણા ઈસ્લામિક દેશોએ કુરાન સળગાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને સહિષ્ણુતા અને નફરતનો અંત લાવવાની હાકલ કરી છે. તે જ સમયે, તુર્કિયેની રાજધાની અંકારામાં, ઘણા લોકો સ્વિડિશ દૂતાવાસની સામે એકઠા થયા હતા અને સ્વિડિશ ધ્વજ સળગાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.