કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે કોવિડ વેક્સિન લગાવવાની અનિવાર્યતાની વિરુદ્ધ રાજધાની ઓટાવામાં લોકોનું વિરોધપ્રદર્શન મોટે પાયે ચાલુ છે. એને જોતાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટો નિર્ણય લીધો છે. પીએમએ સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધમાંથી ઉગરવા માટે ઈમર્ન્સી એક્ટ લાગુ કર્યો છે.
ટ્રુડોએ પત્રકારો સાથે વાતચીત કરી
કેનેડામાં ટ્રકડ્રાઈવરના ભારે પ્રદર્શનને લઈને જસ્ટિન ટ્રુડોએ સોમવારે કહ્યું હતું કે આ દેખાવોને સમાપ્ત કરવા માટે તે ઈમર્જન્સી લાગુ કરવા જઈ રહ્યા છે. ઈમર્જન્સી એક્ટનો ઉપયોગ દેશમાં સંકટના સમયમાં કરવામાં આવે છે. પાર્લમેન્ટ હિલ પર એક પત્રકારો સાથેની વાતચીત ટ્રુડોએ કહ્યું હતું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાયદાને પ્રભાવી રીતે લાગુ કરવાની કાયદાની પ્રવર્તન ક્ષમતા માટે ઘણા ગંભીર પડકારો સર્જાયા છે.
અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે
ટ્રુડોએ કહ્યું હતું કે નાકાબંધી અમારી અર્થવ્યવસ્થાને નુકસાન કરી રહી છે અને સાર્વજનિક સુરક્ષાને ખતરામાં મૂકી રહી છે. અમે ગેરકાયદે અને ખતરનાક ગતિવિધિઓને ચાલુ રાખવાની અનુમતિ ન આપી શકીએ અને આપીશું પણ નહિ. સીબીસી ન્યૂઝના રિપોર્ટ મુજબ ઈમર્જન્સી એક્ટ લાગુ થવાથી પોલીસને એ જગ્યાઓ પર વ્યવસ્થા કરવા માટે વધુ અધિકારો મળે છે, જ્યાં લોકો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવતા હોય છે અને ખતરનાક ગતિવિધિઓ જેવી કે નાકાબંધી હોય છે.
કેટલાક દેખાવકારોએ નેશનલ વોર મેમોરિયલમાં પેશાબ પણ કર્યો
ટ્રુડોએ કહ્યું હતું કે આ અધિનિયમ RCMPને નગરપાલિકા ઉપનિયમો અને પ્રાંતીય અપરાધોને લાગુ કરવામાં સક્ષમ કરશે. તેમણે કહ્યું હતું કે આ કેનેડિયન લોકોને સુરક્ષિત રાખવા, લોકોની નોકરીઓની રક્ષા કરવા અને અમારા સંસ્થાનોમાં વિશ્વાસ જાળવવા માટેનું એક જરૂરી પગલું છે. ઉલ્લેખનીય છે કે વેક્સિનની અનિવાર્યતા સામે ઓટાવામાં હજારો લોકો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ દેખાવકારોએ પાર્લમેન્ટ હિલની આસપાસ જાણીજોઈને ટ્રાન્સપોર્ટેશને અટકાવ્યું હતું. કેટલાક દેખાવકારોએ નેશનલ વોર મેમોરિયલમાં પેશાબ પણ કર્યો હતો. આ સિવાય ત્યાં દેખાવકારોએ વાહનો પણ ગોઠવી દીધા હતા. એક વ્યક્તિએ ટૂમ ઓફ ધ અનનોન સોલ્જર પર ઊભા રહીને ડાન્સ પણ કર્યો હતો.
80 ટકાથી વધુ લોકો વેક્સિનેટેડ
કેનેડામાં ચાલી રહેલા દેખાવમાં દેખાવકારોને અન્ય લોકોની સહાનુભૂતિ મળી નથી. કેનેડામાં 80 ટકાથી વધુ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. દેખાવકારોના અભદ્ર વ્યવહારથી ઘણા લોકો નારાજ છે. જોકે કેનેડાના અધિકારીઓનું કહેવું છે કે આ વિરોધ માટેની લગભગ અડધી રકમ અમેરિકાના સમર્થકો પાસેથી આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.