બુધવારે ખાલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં ઈન્ડિયન કોન્સ્યુલેટના મુખ્ય દરવાજાને બળજબરીથી બ્લોક કરી દીધો હતો. આ દૂતાવાસ બ્રિસ્બેનના તારિંગાના સબઅર્બન વિસ્તારમાં છે.
'ધ ઓસ્ટ્રેલિયા ટુડે'ના અહેવાલ મુજબ ખાલિસ્તાન સમર્થકો અહીં ઝંડા, પોસ્ટર અને બેનર લઈને પહોંચ્યા હતા. તેઓએ લોકોને કોન્સ્યુલેટમાં પ્રવેશવા દીધા ન હતા. જેના કારણે કોન્સ્યુલેટમાં કામ થઈ શક્યું ન હતું.
ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ભારતના પ્રવાસે આવ્યા હતા. મીડિયા બ્રીફિંગ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે મંદિરો અને ભારતીયો પર હુમલાના મામલામાં ખાલિસ્તાન સમર્થકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જરૂરિયાતમંદ લોકો અંદર નથી જઈ શકતા
ઓસ્ટ્રેલિયન અખબારના અહેવાલ મુજબ ખાલિસ્તાન સમર્થકોએ દૂતાવાસના પ્રવેશ દ્વારને બ્લોક કરી દીધો હતો. જેના કારણે અહી મહત્વનુ કામ ધરાવતા લોકો પણ કોન્સ્યુલેટની અંદર જઈ શક્યા ન હતા.
પરવિંદર સિંહ ક્વીન્સલેન્ડનો રહેવાસી છે. કોન્સ્યુલેટમાં કામ હોવાથી તેણે ઓફિસમાંથી રજા લીધી હતી. તેમને તેમના પુત્રનું ઓવરસીઝ ઈન્ડિયન કાર્ડ મેળવવાનું હતું, પરંતુ તેઓ કોન્સ્યુલેટ જઈ શક્યા ન હતા. સિંહે કહ્યું- શું હવે આ ખાલિસ્તાની અમને કહેશે કે ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે રહેવું? ક્વીન્સલેન્ડ પોલીસ અને સરકારે આ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને થોડા દિવસો પહેલા જ અમને આ ખાતરી આપી હતી.
સારાહ ગેટ્સ બ્રિસ્બેનમાં હિંદુ હ્યુમન રાઈટ્સના ડાયરેક્ટર છે. તેમણે કહ્યું- ભારતીય દૂતાવાસ બળપૂર્વક બંધ કરવામાં આવ્યું હતું. અહીં શીખ ફોર જસ્ટિસના ખાલિસ્તાન સમર્થકો પ્રચાર ચલાવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના પીએમએ શું કહ્યું?
11મી ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે નવી દિલ્હીમાં કહ્યું હતું - અમારો દેશ બહુ-સાંસ્કૃતિક રાષ્ટ્ર છે. અમે દરેકની શ્રદ્ધાનું સન્માન કરીએ છીએ. અહીં ધાર્મિક સ્થળોની ઈમારતો પર હુમલો કરનારાઓને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્બેનીઝ સાથે ચર્ચા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલાને ખેદજનક ગણાવ્યો હતો.
અલ્બેનીઝે કહ્યું- ઓસ્ટ્રેલિયામાં ધાર્મિક ઈમારતો પર કોઈપણ પ્રકારના હુમલાને સહન કરવામાં આવશે નહીં. પછી તે હિન્દુ મંદિર હોય, મસ્જિદ હોય કે ચર્ચ. આવી પ્રવૃત્તિઓને આપણા દેશમાં કોઈ સ્થાન નથી. ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ સુનિશ્ચિત કરશે કે આવી ગતિવિધિઓ ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.