જર્મનીમાં ભારતીયો વચ્ચે મોદી:ઇમર્જન્સી પર PMએ કહ્યું- 47 વર્ષ પહેલાં આજના દિવસે ડેમોક્રેસીને કચડવાનો પ્રયાસ થયો હતો

બર્લિન3 મહિનો પહેલા
  • જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું
  • PM 48માં G-7 સમિટમાં ભાગ લેશે, 12થી વધુ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરશે.

વડાપ્રધાન મોદી G-7ના 48માં શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે જર્મનીના મ્યુનિકમાં છે, જ્યાં તેઓએ ભારતીય સમુદાયના લોકોને સંબોધી રહ્યાં છે. મોદીના ભાષણ પહેલાં રાષ્ટ્રગાન થયું. ભાષણ દરમિયાન વડાપ્રધાને સૌથી પહેલાં પૂછ્યું- કેમ છો તમે બધાં? મને જણાવવામાં આવ્યું છે કે તમારામાંથી કેટલાંક લોકો ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. હું તમારા બધાંમાં ભારતની એકતા અને બંધુત્વના દર્શન કરી રહ્યો છું. તમારો આ સ્નેહ હું ક્યારેય નહીં ભૂલી શકું. જે લોકો હિન્દુસ્તાનમાં આ જોઈ રહ્યાં હશે, તેમની છાતી પણ ગર્વથી ફુલાઈ ગઈ હશે.

મોદીએ કહ્યું- આજે 26 જૂન છે, જે ડેમોક્રેસીની દૃષ્ટિએ મહત્ત્વની છે. આજથી 47 વર્ષ પહેલાં આ સમયે જ ડેમોક્રેસીને બંધક બનાવવા તેને કચડવાનો પ્રયાસ કરાયો હતો. આ દિવસે ડેમોક્રેસી પર ઈમર્જન્સી લગાડવામાં આવી હતી. જે બાદ લોકશાહીની જીત થઈ. ભારતના લોકોએ લોકશાહીને કચડવાનો જવાબ લોકતાંત્રિક રીતે આપ્યો. ભારત મધર ઓફ ડેમોક્રેસી છે.

આજે ભારતના દરેક ગામમાં વીજળીઃ PM

આજે ભારતના દરેક ગામ ખુલ્લા શૌચમાંથી મુક્ત છે. દરેક ગામમાં વીજળી છે. 99 ટકા લોકોની પાસે ક્લીન કૂકિંગ માટે ગેસ છે. દરેક પરિવાર બેંકિંગ સાથે જોડાયેલો છે.દરેક ગરીબને પાંચ લાખ રૂપિયાની સારવાર માટે સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં દરેક 10 દિવસમાં એક યુનિકોન બની રહ્યું છે. દર મહિને એવરેજ 5 હજાર પેટ્રેન ફાઈલ થાય છે. આ લિસ્ટ ઘણું જ લાંબુ છે. હું બોલતો જઈશો તો તમારા ડિનરનો સમય થઈ જશે.

PM મોદીએ વધુમાં કહ્યું- કોઈ દેશ જ્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરે છે તો તેનો ઝડપથી વિકાસ થાય છે. 21મી સદીનું ભારત પાછળ નહીં રહે, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરનાર છે. આઈટી સેક્ટરમાં આપણે ઝંડો લહેરાવ્યો છે. 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યું છે. ભારતમાં ડેટા સૌથી સસ્તા છે.

જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર બવેરિયન બેન્ડ દ્વારા PM મોદીનું સ્વાગત કરાયું હતું.
જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર બવેરિયન બેન્ડ દ્વારા PM મોદીનું સ્વાગત કરાયું હતું.
મ્યુનિક હોટલમાં મોદીનું સ્વાગત કરવા માટે એકત્ર થયેલા ભારતીયો વચ્ચે PM મોદીએ બાળકો સાથે વાતચીત કરી હતી.
મ્યુનિક હોટલમાં મોદીનું સ્વાગત કરવા માટે એકત્ર થયેલા ભારતીયો વચ્ચે PM મોદીએ બાળકો સાથે વાતચીત કરી હતી.

આ કોન્ફરન્સ 26થી 28 જૂન સુધી ચાલશે
વડાપ્રધાન મોદીની આ મુલાકાત બે દિવસની હશે. અહીં વડાપ્રધાન મોદી 12 થી વધુ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરશે અને 15 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સમિટ 26 થી 28 જૂન સુધી ચાલશે. સમિટમાં ભાગ લીધા બાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પણ મુલાકાત લેશે.

મોદી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ભાગ લેશે
તેમની જર્મની-યુએઈ મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ સમિટમાં ભાગ લેનારા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય તેઓ જર્મનીના મ્યુનિખમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.

આબોહવા, ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય બાબતે G7 સમિટની ચર્ચામાં ભાગ લેવા ઉપરાંત પીએમ મોદી ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
આબોહવા, ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય બાબતે G7 સમિટની ચર્ચામાં ભાગ લેવા ઉપરાંત પીએમ મોદી ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.

PM મોદીએ કહ્યું હતું- હું જર્મન પ્રેસિડેન્સી હેઠળ G-7 સમિટ માટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર જર્મનીમાં શ્લોસ એલ્મોની મુલાકાત લઈશ. તેમણે કહ્યું કે તેમની મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલરને મળીને આનંદ થશે.

G-7ના બે સત્રમાં ભાગ લેશે PM
PM મોદી મુખ્યત્વે G-7ના બે સત્રમાં ભાગ લેશે. પીએમએ કહ્યું કે આ સમિટમાં ક્લાઈમેટ, ઉર્જા, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા બાબતે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સિવાય યુક્રેન-રશિયા યુદ્ધ પર ભારતનું વલણ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

જે હોટલમાં સમિટ છે એમાં એરકંડિશનર નથી
જે હોટલમાં કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે તેમાં એરકંડિશનર નથી. પેલેસમાં ઇકો-ફ્રેન્ડલી કૂલિંગ સિસ્ટમ છે, જ્યાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જાળવવામાં આવે છે. આ હોટલે 2015માં G-7નું પણ આયોજન કર્યું હતું. PM 27 જૂને જર્મનીથી UAE જવા રવાના થશે.

આ સમિટ દૂર દક્ષિણમાં ઑસ્ટ્રિયાની સરહદ પર બાવેરિયાની ખીણમાં સ્થિત શ્લોસ એલ્માઉ પેલેસમાં યોજાશે.
આ સમિટ દૂર દક્ષિણમાં ઑસ્ટ્રિયાની સરહદ પર બાવેરિયાની ખીણમાં સ્થિત શ્લોસ એલ્માઉ પેલેસમાં યોજાશે.

સાત દેશોનું ગ્રુપ છે G-7
G-7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું ગ્રુપ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરી રહ્યું છે. આ ગ્રુપમાં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા સામેલ છે. તેમાં આર્જેન્ટીના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત અન્ય કેટલાક ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...