પાકિસ્તાનમાં પેશાવરસ્થિત કિસ્સા ખ્વાની બજાર બોલિવૂડ સાથેના કનેક્શનને લીધે ફરી ચર્ચામાં છે. અહીં ફિલ્મ-અભિનેતા રાજ કપૂર, દિલીપ કુમાર અને શાહરુખ ખાનનાં પૈતૃક મકાનો ફક્ત 800 મીટરના દાયરામાં છે. રાજ્ય સરકારે રાજ કપૂર અને દિલીપ કુમારનાં 100 વર્ષ જૂનાં ઘરોને ખરીદી તેને સંરક્ષિત કરવાની વાત કહી હતી, પણ આ બંને ઘરની હાલત દયનીય થઈ ચૂકી છે, જ્યારે અમે દિલીપ કુમારના ઘરે પહોંચ્યા તો જોયું કે આ જર્જરિત ઈમારતમાં લોકો કચરો ફેંકતા હતા. તેમને રોકવા કે ટોકવાવાળો કોઈ નહોતું. ઘરના 5માંથી 3 માળ સંપૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યા છે. તેના માલિક પણ હવે તેના પર ધ્યાન આપતા નથી. આવી જ સ્થિતિ રાજ કપૂરના પૈતૃક મકાન કપૂર હવેલીની પણ છે. 40થી 50 રૂમવાળી આ શાનદાર પાંચ માળની ઈમારતનું ટોચનો અને ચોથો ફ્લૉર ધરાશાયી થઈ ચૂક્યો છે, બાકી બિલ્ડિંગ પણ જર્જરિત થઈ ગયું છે.
આ સ્થિતિ ત્યારે છે જ્યારે 2014માં તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે આ ઘરોને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી હતી, પણ સંરક્ષિત કરવા કોઈ એની ભાળ લેવા કે જોવા પણ ન આવ્યું. એટલું જ નહીં, 2018માં પણ રાજ્ય સરકારે બંને ઘરોને ખરીદી એને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા ફંડ જાહેર કરવાની વાત કહી હતી, પણ ભાવ નક્કી કરવા તેના વર્તમાન માલિકોનો સંપર્ક પણ ન કરાયો. કપૂર હવેલીના વર્તમાન માલિક હાજી ઈસરાર કહે છે કે મને બોલિવૂડ પર રાજ કરનારા રાજ કપૂરની હવેલીના માલિક હોવા પર ગર્વ છે. જો સરકાર એને ખરીદી મ્યુઝિયમ બનાવશે તો મને ખુશી થશે, પણ જો વાત નહીં બને તો હું આ બિલ્ડિંગની જગ્યાએ મલ્ટીસ્ટોરી સિનેમા ઘર બનાવીશ.
હવેલીની બાજુમાં રહેતા અને પૂર્વ મેયર અબ્દુલ હકીમ સફી કહે છે કે આ હવેલી 12 વર્ષથી સૂની પડી છે. તેના માલિક ક્યારેક ક્યારેક જ દેખાય છે. આજુબાજુના લોકોને ડર છે કે આ જર્જરિત હવેલી ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે, જ્યારે દિલીપ કુમારના ઘરના માલિકે સરકાર પાસે 200 કરોડ રૂપિયાની માગ કરી છે.
શહેરના ડેપ્યુટી કમિશનર કહે છે કે અમે આ ઘરની કિંમત નક્કી કરવા પર કામ કરી રહ્યા છીએ. સરકારે ઐતિહાસિક ઘરોને સંરક્ષિત કરવા 400 કરોડનું ફંડ આપ્યું છે. જલદી જ આ ઈમારતો ખરીદવાનું કામ પૂરું કરી લેવાશે.
કપૂર હવેલીમાં મેરેજ પાર્ટી માટે 6 મહિનાનું વેઇટિંગ રહેતું હતું
લગ્નની પાર્ટી આપવા આ હવેલી લોકોની પહેલી પસંદગી હતી. નિયાઝ શાહ કહે છે કે હવેલીમાં બુકિંગ ન મળતાં દીકરીના લગ્ન 6 મહિના આગળ વધારવા પડ્યા હતા. 2005ના ભૂકંપથી હવેલીને નુકસાન થયું અને આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.