પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો સરકાર અને સેના સામે છેલ્લા 12 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગ છે કે કારગિલ રસ્તો ખોલીને ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતના લદાખના કારગિલ જિલ્લામાં સામેલ કરવામાં આવે. તેમનું કહેવું છે કે સરકાર અમારી સાથે ભેદભાવ કરી રહી છે, પરંતુ હવે ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલે ફેંસલો અમે લોકો જ કરીશું.
ખરેખરમાં પાકિસ્તાનની સેના ડેમોગ્રાફી બદલવા માટે અન્ય પ્રાંતના લોકોને ત્યાં વસાવી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના લોકો તેમની જમીનો પર કબજો કરી રહ્યા છે. આ લોકોને સેનાનું સમર્થન છે. તેમની સુરક્ષા માટે સેનાના જવાનોને તહેનાત કરવામાં આવી રહ્યા છે. એને કારણે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. આ લોકો આ મામલે ભારતની દરમિયાનગીરીની પણ માગ કરી રહ્યા છે.
પ્રદર્શન કરી રહેલા લોકોનો વીડિયો પણ સામે આવ્યો છે. એમાં પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે. તેઓ કહી રહ્યા છે કે આરપાર જોડી દો, કાશ્મીરનાં દ્વાર ખોલી દો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આમારા નિર્ણયો ઈસ્લામાબાદની સરકાર નહીં લે અને અમે તેમને આવું કરવાની મંજૂરી પણ આપીશું નહીં. ગિલગિટ-બાલ્ટિસ્તાન બાબતના નિર્ણયો હવે અહીંની જનતા જ કરશે.
સેના લોકોની મિલકતો તોડી પાડવા પહોંચી હતી
ગિલગિટ ક્ષેત્રના મિનાવર ગામમાં સેનાના જવાનો સ્થાનિક લોકોની મિલકતો તોડી પાડવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ લોકોએ સેના સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોનો આરોપ છે કે સેના ગેરકાયદે કમાણી કરવા માટે લોકોની જમીન હડપ કરી રહી છે.
સેનાનો વિરોધ કરી રહેલા મિનાવર ગામના લોકોને નજીકના વિસ્તારના લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે. ઘણા વિરોધીઓ કહે છે કે એમ છતાં લશ્કર તેમને ગોળી મારી શકે છે, પરંતુ તેઓ તેમને જમીન પર કબજો કરવા દેશે નહીં. એક આંદોલનકારીએ કહ્યું હતું કે આ અમારી વડવાઓની જમીન છે. અમે તેને કોઈપણ કિંમતે આપીશું નહીં.
સેનાએ અમારી જમીન કબજે કરી
એક પ્રદર્શનકારીએ કહ્યું- પાકિસ્તાની સેના આવીને અમને માર મારે છે. તેઓ અમારી જમીન પર અતિક્રમણ કરે છે. કોઈપણ વળતર આપ્યા વિના સેના દ્વારા અમારી હજારો વીઘા જમીન પચાવી પાડવામાં આવી છે. હવે અમે તેમને એક ઇંચ પણ જમીન આપીશું નહીં.
અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું- પાકિસ્તાની સેના બળપૂર્વક અમારાં ઘરો અને ખેતરો પર કબજો કરી રહી છે. જો કોઈ દુર્ઘટના બનશે તો પાકિસ્તાનની સેનાની જવાબદારી રહેશે. મુખ્ય સચિવે આ સમસ્યાના નિરાકરણ માટે આવવું જોઈએ અન્યથા અમે આ મામલો પાકિસ્તાનના વડાપ્રધાન સુધી લઈ જઈશું.
ગેરકાયદે ટેક્સ અને મોંઘવારી સામે વિરોધ
અહેવાલો અનુસાર, ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગેરકાયદે ટેક્સ, વધતી મોંઘવારી અને બેરોજગારીને કારણે પાકિસ્તાન વિરોધી ભાવનાઓ વધી રહી છે. મૂળભૂત અધિકારોની માગણી માટે લોકોને પોલીસની લાઠીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.