• Gujarati News
  • International
  • People Infected With Omicron Have To Be Hospitalized And Even Die, Don't Make The Mistake Of Taking It Lightly.

ઓમિક્રોન વિશે WHOની ચેતવણી:ઓમિક્રોનથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડી રહ્યું છે અને મોતને પણ ભેટી રહ્યા છે, તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો

જીનીવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક દેશો હજી પણ વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે.

ઓમિક્રોન વેરિયન્ટને કારણે વિશ્વભરમાં કોરોનાની સુનામી આવી છે. આને કારણે, વિશ્વભરની આરોગ્ય વ્યવસ્થાઓ પર પણ ઘણું દબાણ વધ્યુ છે. WHOના ચીફ ટેડ્રોસ ગેબ્રેયસસે એક પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વને ચેતવણી આપતા જણાવ્યું હતુ કે ઓમિક્રોનના કારણે દુનિયાભરમાં લોકો મોતને ભેટી રહ્યા છે. તેને અવગણી શકાય નહીં. જો કે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓમિક્રોન કોરોનાના અન્ય વેરિયન્ટ કરતા ઓછો ઘાતક છે.

ઓમિક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે

WHOનાં ચીફ ટેડ્રોસે કહ્યું, ઓમિક્રોન રેકોર્ડ સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યો છે.
WHOનાં ચીફ ટેડ્રોસે કહ્યું, ઓમિક્રોન રેકોર્ડ સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

WHOનાં ચીફ ટેડ્રોસે કહ્યું છે કે ઓમિક્રોન વિશ્વભરમાં લોકોનો જીવ લઈ રહ્યો છે. વેક્સિન લઈ લીધેલા લોકો માટે ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછો ખતરનાક સાબિત થઈ રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને હળવાશથી લેવો જોઈએ. અગાઉનાં વેરિયન્ટની જેમ જ ઓમિક્રોનથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યુ છે અને લોકો મોતને પણ ભેટી રહ્યા છે.

ટેડ્રોસે કહ્યું કે નવો વેરિયન્ટ રેકોર્ડ સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યો છે. તે ઘણા દેશોમાં અગાઉના વેરિયન્ટ ડેલ્ટા કરતા પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના કેસોની સુનામી એટલી મોટી અને ઝડપી છે કે વિશ્વભરની આરોગ્ય વ્યવસ્થાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વેક્સિનના યોગ્ય વિતરણનો અભાવ એ સૌથી મોટી ખામી છે

વેક્સિનના યોગ્ય વિતરણનો અભાવ એ લોકોની હત્યા કરવા સમાન છે.
વેક્સિનના યોગ્ય વિતરણનો અભાવ એ લોકોની હત્યા કરવા સમાન છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન WHOના વડાએ વેક્સિનના અસમાન વિતરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વેક્સિન માટે સમૃદ્ધ દેશોની લાલચ બાબતે તેમણે કહ્યું- ગયા વર્ષે વેક્સિનના યોગ્ય વિતરણનો અભાવ સૌથી મોટી ખામી રહી હતી. જ્યારે કેટલાક દેશોમાં જરુર કરતા પણ વધુ આરોગ્યની સુવિધાઓ હતી, જ્યારે કેટલાક દેશો અછતનો સામનો કરી રહ્યા છે.

WHO ઈચ્છે છે કે દરેક દેશ સપ્ટેમ્બર 2021 સુધીમાં તેની વસ્તીના 10% અને ડિસેમ્બર 2021 સુધીમાં તેની વસ્તીના 40% લોકોને વેક્સિન આપી દે. પરંતુ 194 દેશોમાંથી 92 દેશો આ ટાર્ગેટ ચૂકી ગયા છે. તેનું મુખ્ય કારણ વેક્સિનનો અભાવ હતો. હવે અમારું લક્ષ્ય છે કે 2022માં જૂન-જુલાઈ સુધીમાં દરેક દેશમાં 70% વેક્સિનેશન પૂર્ણ થઈ જાય. વેક્સિન રોલ-આઉટ વધુ ખરાબ થવાથી 109 દેશો ફરી આ લક્ષ્યાંકથી પાછળ રહી જશે.

ટેડ્રોસે કહ્યું - વેક્સિનનું અસમાન વિતરણ લોકોની હત્યા કરવા સમાન છે. કેટલાક દેશોમાં લોકોને બૂસ્ટર ડોઝ આપવાથી મહામારી સમાપ્ત થશે નહીં, જ્યારે અબજો લોકો હજી પણ વેક્સિનના પ્રથમ ડોઝ માટે સંઘર્ષ કરી રહ્યા છે.

નાકની નીચે માસ્ક પહેરવું તે નકામું છે

નાક અને મોંને ફેસ માસ્કથી ઢાંકવા પડશે. નાકની નીચે માસ્ક પહેરવું તે નકામું છે.
નાક અને મોંને ફેસ માસ્કથી ઢાંકવા પડશે. નાકની નીચે માસ્ક પહેરવું તે નકામું છે.

WHOના મારિયા વાન કેરખોવે કહ્યું- ઓમિક્રોન પછી કોરોના મહામારી સમાપ્ત થશે, તે વાતની શક્યતા નહીવત્ છે મહામારીથી બચવા માટે આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. મને તે જોઈને ખુબ જ પરેશાની થાય છે કે લોકો કેટલી બેદરકારીથી ચહેરા પર માસ્ક પહેરી રહ્યા છે. નાક અને મોઢું વ્યવસ્થીત ઢંકાય તે રીતે માસ્ક પહેરવું પડે છે. તેમણે વધુમાં કહ્યુ કે, નાકની નીચે માસ્ક પહેરવું તે નકામું છે.

WHOના ક્લિનિકલ મેનેજમેન્ટના વડા જેનેટ ડિયાઝે કહ્યું છે કે પ્રારંભિક રિસર્ચ દર્શાવે છે કે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોનથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું રહે છે. જો કે ઓમિક્રોન વિશે અત્યાર સુધી જે પણ રિસર્ચ ડેટા મળી આવ્યો છે, તે યુવાનો પાસેથી એકત્ર કરવામાં આવ્યો છે. વૃદ્ધો માટે આ વેરિયન્ટ કેટલો જોખમી છે તેના પર વધુ રિસર્ચ કરવું પડશે.

24 કલાકમાં 25 લાખ લોકો કોરોના સંક્રમિત
વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 25 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. ગઈ કાલે 6 દેશોમાં એક લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. વિશ્વમાં સૌથી વધુ 7.51 લાખ કોરોનાના કેસ અમેરિકામાં મળી આવ્યા છે. કોરોનાને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 54.89 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...