• Gujarati News
  • International
  • People From More Than 30 Countries Around The World, Including India, Want To Live In Canada, Japan Second And Spain Third.

ભાસ્કર વિશેષ:ભારત સહિત વિશ્વના 30થી વધુ દેશોના લોકો કેનેડામાં વસવા માગે છે, જાપાન બીજી અને સ્પેન ત્રીજી પસંદ

લંડન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેમિટિલીએ 100 દેશના લોકોના સર્ચિંગના આધારે ટોપ 10 દેશના રેન્કિંગ તૈયાર કર્યા
  • કોરોના મહામારીના પગલે લોકોનો અભિપ્રાય બદલાયો, સારી લાઇફ

ફાયનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર રેમિટિલીએ 100 દેશના સર્ચિંગ ડેટાના આધારે એક મેપ તૈયાર કર્યો છે, જેમાં જણાવાયું છે કે સારી લાઇફસ્ટાઇલ અને પ્રાકૃતિક આબોહવા મેળવવા લોકો વિશ્વના કયા ભાગમાં વસવાટ ઇચ્છે છે? આ યાદીમાં કેનેડા મોખરે છે. ભારત સહિત 30થી વધુ દેશોના લોકો ત્યાં વસવા માગે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા 13 દેશના લોકોની પસંદ બનીને જાપાન બીજા ક્રમે છે જ્યારે ત્રીજા ક્રમે રહેલા સ્પેન પર 12 દેશના લોકોએ પસંદગી ઉતારી.

રેમિટિલિના બિઝનેસ મેનેજર જાઓ મેકેન્ઝીએ કહ્યું કે, ‘લોકો બહેતર નોકરી, સારી સેલરી અને ક્વોલિટી ઑફ લાઇફ માટે બીજા દેશમાં વસવા ઇચ્છે છે, જેથી તેઓ સારી એવી રકમ ઘરે મોકલી શકે. કોરોના મહામારીના કારણે 2020ના વર્ષે લોકોને પોતાની ચોઇસનો દેશ ફરી પસંદ કરવાની તક આપી છે.’ રેમિટિલીએ કહ્યું કે કેનેડા ખૂબસૂરત છે અને ત્યાંના લોકો પણ બહુ મળતાવડા છે.

તદુપરાંત, નોકરીમાં સારી સેલરી પણ કેનેડાને લોકોનો માનીતો દેશ બનાવે છે. સંસ્થાએ ‘દુનિયા ક્યાં જવા ઇચ્છે છે?’ના આધારે આ રેન્કિંગ આપ્યા છે, જેમાં 10 દેશ પસંદ કરાયા છે. તેમાં જર્મની ચોથા, કતાર પાંચમા, ઓસ્ટ્રેલિયા છઠ્ઠા, સ્વિટ્ઝરલેન્ડ સાતમા, પોર્ટુગલ આઠમા, નોર્વે નવમા અને અમેરિકા તથા બ્રિટન સંયુક્તપણે દસમા ક્રમે છે.

સ્પેનના લોકો ફ્રાન્સ જવા ઇચ્છે છે, રશિયનોની પસંદ કતાર
રેમિડિલીના મેપ મુજબ, યુરોપ અને જર્મનીના લોકો સ્વિટ્ઝરલેન્ડ જવા ઇચ્છે છે જ્યારે સ્પેનના લોકોની પસંદ ફ્રાન્સ છે. ગ્રીસના લોકો જર્મનીમાં, ન્યૂઝીલેન્ડના ફિજીમાં અને ફિજીના લોકો ન્યૂઝીલેન્ડમાં વસવા માગે છે. મોટાભાગના અમેરિકનો કેનેડામાં નવું જીવન શરૂ કરવા ઇચ્છે છે. જાપાનના લોકો બ્રિટનને તો રશિયનો કતારને બહેતર માને છે.

અન્ય સમાચારો પણ છે...