ચીનમાં કોવિડ ટેસ્ટ કિટ બનાવતી ફેક્ટરીમાં હિંસા થઈ હતી. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર દવાઓનાં બોક્સ ફેંક્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવા અને પગાર ન મળવાથી તેઓ રોષે ભરાયા હતા. જ્યારે તેમણે વિરોધ કર્યો તો પોલીસે તેમને રોક્યા અને એને કારણે હિંસા થઈ હતી.
ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, ચૂંગકિંગ શહેરમાં કોવિડ ટેસ્ટ કિટ બનાવતી જાયબાયો કંપનીએ ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પગાર પણ આપ્યો નહોતો. આ પછી પ્રદર્શનકારીઓની ફેક્ટરીની બહાર સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ થયું. હિંસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે વિરોધ કરી રહેલા લોકો પોલીસ પર દવાનાં ખાલી બોક્સ અને સ્ટૂલ ફેંકી રહ્યા છે. પોલીસકર્મીઓ ભાગતા જોવા મળે છે. તેમણે હેલ્મેટ અને સેફ્ટી ગિયર પહેર્યા છે.
ઝીરો-કોવિડ પોલિસી દૂર કર્યા પછી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા
વીડિયોમાં લોકો નારા લગાવતા સાંભળી-જોઈ શકાય છે. તેઓ કહે છે- અમારા પૈસા પાછા આપો. પોસ્ટ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- આ ઝીરો-કોવિડ પોલિસી હટાવવાનું પરિણામ છે, હવે કોરોનાયુગમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે, કારણ કે તેમના કહેવા પ્રમાણે, હવે ઉત્પાદન ઓછું થશે, તેથી કંપનીમાં વધુ લોકોની જરૂર નથી.
ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે પણ ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કોરોના ટેસ્ટ કિટ બનાવતી કંપનીમાંથી લગભગ 10,000 કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યા હતા, ત્યાર બાદ પ્રદર્શનો શરૂ થયાં હતાં.
સરકાર મામલાને ડામવાના પ્રયાસ કરી રહી છે
હિંસાના વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર #ChongqingDadukouPharmaceuticalFactory ટ્રેન્ડ થવા લાગ્યો. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ચાઈનીઝ પ્લેટફોર્મ ટ્વિટર જેવું છે. હકીકતમાં 3 વર્ષથી કોરોનાના કડક નિયમો લાગુ કરનારી ચીનની સરકારે યુ-ટર્ન લીધો હતો અને ઝીરો કોવિડ પોલિસી હટાવી દીધી હતી. આ પછી કોરોનાના કેસ વધ્યા. સરકારે સંક્રમિતોની સંખ્યા બાબતે રિયલ-ટાઇમ ડેટા જાહેર કરવાનો પણ ઇનકાર કર્યો હતો.
આ પછી સરકારે દલીલ કરી કે કોરોનાથી કોઈ ખતરો નથી, તેથી ઝીરો કોવિડ પોલિસી દૂર કરવામાં આવી. હવે પ્રદર્શન કરી રહેલા લોકો કહે છે, સરકારના આ નિવેદન બાદ કંપની ઉત્પાદન ઘટાડી રહી છે અને લોકોની છટણી કરી રહી છે. એને કારણે તેઓ બેરોજગાર બની રહ્યા છે. ચીનમાં બગડેલી પરિસ્થિતિ સૂચવે છે કે કોરોના ટેસ્ટ કિટની જરૂર છે અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવા ન જોઈએ.
નવેમ્બર 2022માં iPhone પ્લાન્ટમાં હિંસા થઈ હતી
નવેમ્બરમાં ઝેંગ્ઝૌમાં આઇફોન બનાવતી ફોક્સકોન ટેક્નોલોજીના પ્લાન્ટના સેંકડો કામદારોની કોરોનાના કડક પ્રતિબંધોને લઈને સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણ થઈ હતી. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે પ્લાન્ટમાં એક મહિના માટે કડક પ્રતિબંધો છે. કર્મચારીઓ ભોજન, દવા અને પગાર માટે વિરોધ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.