અમેરિકામાં વિમાનમાં મુસાફરી પહેલાં મુસાફરોનું વજન કરવાનું શરૂ થઈ શકે છે. તેમને વિમાનમાં બેસાડતાં પહેલાં તેમનું વજન કરાશે, જેથી વિમાનમાં સવાર મુસાફરોના કુલ વજનની સાચી સ્થિતિ જાણી શકાય. એનાથી વિમાનને ઉડાન દરમિયાન સંતુલન જાળવવામાં તેમ જ ટ્રાવેલિંગ સુરક્ષિત કરવામાં પણ મદદ મળશે.
નોંધનીય છે કે અમેરિકનોમાં ઝડપથી વધતી સ્થૂળતાએ ઉડ્ડયન અધિકારીઓની ચિંતા વધારી છે. ફેડરલ એવિયેશન પણ 2 વર્ષ અગાઉ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. તેણે એક પરિપત્ર પણ જારી કર્યો હતો, જેમાં એરલાઇન્સને વજન તથા સંતુલનની સમસ્યા દૂર કરવા જણાવાયું હતું. એની પાછળ વિમાન ઓવરલોડ થવાનો ડર પણ કારણભૂત છે. એરલાઇન્સ મુસાફરો માટે સરેરાશ વજન અનુમાનના માપદંડનો ઉપયોગ કરે છે, પણ અમેરિકામાં સ્થૂળતાના વધતા દરે એ માપદંડને બેઅસર કરી દીધા છે. ત્યાં સ્થૂળતાનો દર અંદાજે 43% છે. મતલબ કે સરેરાશ દર 10માંથી 4 લોકો મેદસ્વી છે, તેથી ટ્રાવેલિંગના નિયમોની સમીક્ષા કરાશે. હવે એરપોર્ટના ગેટ પર જ મુસાફરનું વજન કરાશે અને એ પછી જ નક્કી થશે કે જે-તે મુસાફર ટ્રાવેલિંગ કરી શકશે કે નહીં? જોકે બધા જ મુસાફરોનું વજન નહીં કરાય. લગભગ 15% મુસાફરોનું વજન થઇ શકે છે અને એ સંપૂર્ણપણે ગુપ્ત રખાશે.
ઉનાળામાં 90 અને શિયાળામાં 95 કિલો વજન હોવું જોઇએ. એરલાઇન્સ દ્વારા વજનનું સર્વેક્ષણ દર 3 વર્ષે થઇ શકે છે. જૂના નિયમો મુજબ, એક પુખ્ત મુસાફરનું વજન ઉનાળામાં મહત્તમ 77 કિલો અને શિયાળામાં 79 કિલો ગણવામાં આવ્યું હતું. નવા નિયમોમાં એ અનુક્રમે 90 અને 95 કિલો કરાયું, પણ કોઇ ફરક નથી પડ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.