લાહોરમાં સામૂહિક દુષ્કર્મ:પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું- દુષ્કર્મીઓને ચાર રસ્તા પર લટકાવી દો કે નપુંસક બનાવી દો

ઇસ્લામાબાદએક વર્ષ પહેલા
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની ફાઇલ તસવીર.

પાકિસ્તાનના લાહોરમાં ગયા સપ્તાહે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટના પર પ્રજાનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે. આ ઘટનાના ત્રણ આરોપીમાંથી માત્ર એકની ધરપકડ થઈ શકી છે, જેનું નામ અશફાક અલી કહેવાય છે. વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હત્યાના આરોપીને સજા અપાય છે એવી જ સજા દુષ્કર્મીઓને મળવી જોઈએ. તેમને ચાર રસ્તા પર લટકાવી(ફાંસી) દેવા જોઈએ અથવા તેમને કેમિકલ કે સર્જરી દ્વારા નપુંસક બનાવી દેવા જોઈએ. આવા લોકોને એવી સજા આપવી જોઈએ જે બીજા લોકો માટે દૃષ્ટાંતરૂપ બને’.

જોકે, ઈમરાને એ પણ સ્વીકાર્યું હતું કે આવાં પગલાં લેવા સરળ નથી, કેમ કે એક વર્ગ તેનો વિરોધ પણ કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીડિત મહિલા પાકિસ્તાની મૂળની ફ્રેન્ચ નાગરિક છે. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન અલીએ કહ્યું હતું કે આરોપીએ અપરાધ કબૂલી લીધો છે. તેના સાથીની શોધખોળ ચાલુ છે. પોલીસે આ કેસમાં 15 શંકાસ્પદને અટકમાં લીધા છે.

હાઈવે પર દુષ્કર્મની ઘટના
મહિલા કારમાં બે બાળકો સાથે લાહોર પાછી આવી રહી હતી. એક્સપ્રેસ વે પર પેટ્રોલ ખલાસ થઈ જતાં પતિને ફોન કરીને કારમાં બેઠી હતી. પતિ આવે એ પહેલાં જ આરોપીઓએ ત્યાં આવીને કારનો કાચ તોડી મહિલા અને બાળકોને બહાર કાઢ્યા. મહિલાને જંગલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું.

જુલાઈમાં બાળકી સાથે થયું હતું સામૂહિક દુષ્કર્મ
આ પહેલાં જુલાઈમાં પાકિસ્તાનના પંજાબના એક ગામમાં સામૂહિક દુષ્કર્મમાં આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. તે સમયે પણ લાહોરથી 130 કિમી દૂર સિયાલકોટ જિલ્લાના ડોગરાં-ચાવિંડા ગામમાં રિકશા ચાલકની આઠ વર્ષની દીકરી ઘરની બહાર રમતી હતી. આ દરમિયાન અમુક શંકાસ્પદ લોકોએ તેને જ્યુસમાં કોઈ નશાવાળો પદાર્થ પીવડાવી દીધો હતો. ત્યારપછી બાળકીને કોઈ સુનસાન જગ્યા પર લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. બાળકીએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...