ઈમરાનની મુશ્કેલીમાં વધારો:FATFની ગ્રે લિસ્ટમાં રહેશે પાકિસ્તાન, એપ્રિલ 2022માં યોજાશે હવે પછીની બેઠક, શરતોનું પાલન થયું નહીં

એક મહિનો પહેલા
(ફાઈલ ફોટો)

નાદારીની સ્થિતિ નજીક આવીને ઉભેલા પાકિસ્તાનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને આ વખતે પણ ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી કોઈ જ રાહત મળે નહીં તેવી શક્યતા છે અને તે ફરી એક વખત ગ્રે લિસ્ટમાં જ યથાવત રહેશે. મંગળવારે શરૂ થયેલી FATFની બેઠક ગુરુવાર સુધી યોજાશે અને પાકિસ્તાનને આગામી વર્ષના એપ્રિલ સુધી ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે.

FATFની આગામી બેઠક આગામી વર્ષે એપ્રિલ મહિનામાં યોજાશે. એટલે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે વધુ 6 મહિના રાહ જોવી પડશે. જોકે ઈમરાન સરકાર માટે રાહતની વાત એટલી છે કે તેને ગ્રેથી બ્લેક લિસ્ટમાં મુકવાની શક્યતા ઓછી છે. તેનો અર્થ એવો થાય છે કે FATF પાકિસ્તાનની ઈમરાન સરકારને આતંકવાદીઓ સામે કાર્યવાહીની વધુ એક તક આપવા જઈ રહ્યું છે.

એક સપ્તાહમાં બીજો ઝાટકો
ફક્ત બે દિવસ અગાઉ IMFએ સ્પષ્ટ કર્યું હતું કે જો પાકિસ્તાન તેની શરતોને પૂરી નહીં કરે તો તેને 6 બિલિયન ડોલરની લોન આપવામાં આવશે નહીં. આ ઉપરાંત IMFએ પાકિસ્તાનને આ લોનનો પ્રથમ હપ્તો આપવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. વોશિંગ્ટનમાં 11 દિવસ સુધી યોજાયેલી બેઠક બાદ પાકિસ્તાનની ટીમ ખાલી હાથે પરત ફરી હતી. હવે સૂત્રોને ટાંકી એવી માહિતી મળી રહી છે કે આગામી વર્ષે એપ્રિલમાં યોજાનારી FATFની બેઠકમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરાશે નહીં. એટલે કે પાકિસ્તાનને ફક્ત એક જ સપ્તાહની અંદર બીજો ઝાટકો લાગ્યો છે.

ગુરુવારે ઔપચારિક નિર્ણય
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પેરિસમાં FATFની બેઠક યોજાઈ રહી છે અને ગુરુવારે ઔપચારિક રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવી રહ્યું છે અને આગામી નિર્ણય એપ્રિલ 20222માં કરવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને FATFની શરતો હજુ પણ પૂરી કરી નથી.

આ અગાઉ જૂન મહિનામાં સંગઠનની બેઠક યોજાઈ હતી અને હવે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કરાવમાં આવ્યો હતો. પાકિસ્તાન સરકાર પર વિશ્વના તમામ સંગઠનો દબાણ કરી રહ્યા છે કે તેઓ તમામ આતંકવાદી સંગઠનો સામે અસરકારક કાર્યવાહી કરે અને ત્યારબાદ આ અંગે પૂરાવા રજૂ કરે. તેમા હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના નામનો પણ સમાવેશ થાય છે.