સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના વાહિયાત અને ઝેરી નિવેદન સામે ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. યુએનમાં ભારતના કાયમી મિશનના સચિવ મિજિતો વિનિતોએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન કાશ્મીરના એ હિસ્સા(પીઓકે)ને જલદી ખાલી કરે, જેના પર તેણે કબજો કરી રાખ્યો છે. ખરેખર ઈમરાને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને અપીલ કરી હતી કે તે કાશ્મીરમાં સેના મોકલી દખલ કરે.
વિનિતોએ કહ્યું કે પાકિસ્તાની નેતાએ તેમના ભાષણમાં હિંસા અને ઘૃણા ભડકાવનારાઓને પ્રતિબંધિત કરવાની માગ કરી છે. જેમ જેમ તે આગળ વાત કરતા ગયા, ત્યારે અમે એ વિચારવા મજબૂર થઈ ગયા કે શું તે પોતાની વાત કરી રહ્યા છે? એ વ્યક્તિએ સભામાં સતત શેખી મારી. તેમની પાસે બતાવવા કંઈ જ નથી, દુનિયા માટે કોઈ તર્કસંગત સૂચન નથી, જણાવવાલાયક કોઈ સિદ્ધિ નથી. તેમણે જૂઠું કહ્યું. ખોટી માહિતી ફેલાવી. પાકિસ્તાન પાસે ગત 70 વર્ષની સૌથી મોટી સિદ્ધિઓમાં આતંકવાદ, લઘુમતી જાતિ-સમૂહનો સફાયો, બહુસંખ્યકોની કટ્ટરતા અને ગેરકાયદે પરમાણુ ડીલ સામેલ છે. પાકિસ્તાની નેતાએ અમેરિકામાં 2019માં સ્વીકાર્યુ હતું કે તેના દેશમાં હજુ પણ 40 હજાર આતંકી છે.
આતંક મુદ્દે : પાક. આતંકીઓને પેન્શન આપે છે
વિનિતોએ કહ્યું કે પાકિસ્તાન એ જ દેશ છે જે ખૂંખાર અને નોંધાયેલા આતંકીઓને સરકારી ફંડમાંથી પેન્શન ચૂકવે છે. જે નેતાને આજે અમે સાંભળ્યા, તે એ જ છે જેમણે આતંકી ઓસામા બિન લાદેનને જુલાઈમાં પાકિસ્તાની સંસદમાં શહીદ કહ્યા હતા.
નરસંહાર મુદ્દે : શરમ હોય તો હજુ પણ માફી માગો
વિનિતોએ કહ્યું કે આ એ જ પાકિસ્તાન છે જેણે 39 વર્ષ પહેલાં પોતાના જ લોકોને મારીને દક્ષિણ એશિયામાં નરસંહાર કર્યો હતો. આ એ જ દેશ છે જેમાં એટલી શરમ નથી કે તે આટલાં વર્ષ પછી પણ તેની ભયાવહતા માટે ઈમાનદારીથી માફી માગે.
ઇશનિંદા મુદ્દે : હિન્દુઓ, શીખોને ખતમ કરે છે
વિનિતોએ કહ્યું પાકિસ્તાન એ જ દેશ છે જેણે ઈશનિંદા કાયદાનો દુરુપયોગ કર્યો. બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખોને પદ્ધતિસર રીતે સમાપ્ત કરતો રહ્યો. એટલું જ નહીં ધર્મના નામે મુસ્લિમોના એક વર્ગને ખતમ કરી નાખ્યો.
ઈમરાને કાશ્મીરની તુલના પૂર્વ તિમોર સાથે કરી, જ્યાં ઈન્ડોનેશિયા આક્રમક હતું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રમાં ઈમરાન ખાને ભાષણ આપ્યું હતું. તેમણે સુરક્ષા પરિષદને અપીલ કરી હતી કે તે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રની સેના મોકલીને હસ્તક્ષેપ કરે. સુરક્ષા પરિષદે કાશ્મીરમાં સંઘર્ષ રોકવો જોઇએ, જેવું પૂર્વ તિમોરમાં કરાયું હતું. પૂર્વ તિમોર મોડલમાં ઈન્ડોનેશિયાના આક્રમણ પછી સુરક્ષા પરિષદે એક આંતરરાષ્ટ્રીય દળને અધિકૃત કર્યુ હતું. પછી તેના પછીના વર્ષે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સૈનિકોએ તિમોર-લેસ્તેમાં કમાન સંભાળી. 2006માં તિમોરમાં નિષ્ફળ સત્તાપલટો થવા અને ફેલાયેલી અશાંતિ બાદ ફરી શાંતિ સૈનિકોને મોકલાયા હતા. ઈમરાનના નિવેદન પર ભારતના પ્રતિનિધિ વિનિતો વૉકઆઉટ કરી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.