હવે ત્રીજી વખત તલાક:પાકિસ્તાન સાંસદને શેતાન કહીને 31 વર્ષ નાની પત્નીએ તલાક સાથે માગ્યાં 15 કરોડ-ઘર અને દાગીના

8 દિવસ પહેલા
  • દાનિયાએ આમિર પર આરોપ લગાવ્યો કે તે રૂમમાં બંધ રાખે છે, મારે છે, જમવાનું પણ નથી આપતો
  • ફેબ્રુઆરીમાં જ થયા નિકાહ, પણ 4 મહિનામાં જ ઝઘડા શરૂ થઈ ગયા હતા

પાકિસ્તાનના પીટીઆઈ પાર્ટીના સાંસદ અને પ્રખ્યાત ટીવી એન્કર આમિર લિયાકતના ત્રીજા લગ્નનો પણ હવે વિવાદ શરૂ થઈ ગયો છે. દાનિયાએ આમિર પાસેથી તલાક માગતી અરજી કોર્ટમાં દાખલ કરી દીધી છે. ત્યાર પછી આમિરે પણ દાનિયાને અનફોલો કરી દીધી છે. દાનિયા આમિર પાસેથી તલાકની સાથે સાથે 15 કરોડ, ઘર અને દાગીનાની પણ માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે. નોંધનીય છે કે 49 વર્ષના આમિરે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 18 વર્ષની દાનિયા સાથે નિકાહ કર્યા હતા અને ચાર મહિના પછી જ તેમના લગ્નજીવનમાં વિવાદ શરૂ થઈ ગયો હતો.

દાનિયાએ આમિર પર લગાવ્યા આરોપ
તલાકની અરજી દાખલ કરતાં દાનિયાએ કહ્યું છે કે આમિર જેવો ટીવી પર દેખાય છે તેવો સહેજ પણ નથી. તે શેતાન કરતાં પણ વધારે ખરાબ છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દાનિયાએ કહ્યું હતું કે આમિરે મારું શોષણ કર્યું છે. તેણે મને બે-ચાર દિવસ રૂમમાં બંધ કરી દીધી હતી. ટાઈમે જમવાનું પણ આપતો નહોતો, આખી આખી રાત જગાડતો હતો. હું ખૂબ નાની છું, મારી એટલી ઉંમર પણ નથી. તે મારું વારંવાર અપમાન કરતો હતો. નોકરો અને મીડિયાની નાની નાની વાત તેને ખરાબ લાગી જતી અને તેથી તે મારી સાથે ઝઘડા કરતો. તેણે મને ગોળી મારવાની પણ ધમકી આપી છે. નિકાહ પછીના એ ચાર મહિના મને એવું લાગતું હતું કે મને કોઈ ગુનાની સજા મળી રહી છે. કાલે જો મને કે મારા પરિવારને કઈ થશે તો તેનો જવાબદાર આમિર લિયાકત જ હશે.

આમિરે તેના બચાવમાં ઓડિયો ટેપ જાહેર કરી
આમિર લિયાકતે પણ ખૂલીને પોતાનો બચાવ કર્યો છે. એક છોકરા સાથે દાનિયાની ઓડિયો ટેપ જાહેર કરીને આમિરે તેની પોસ્ટમાં લખ્યું છે કે અલ્લાહને સાક્ષી માનીને કાયદાકીય નોટિસ મળ્યા પછી પોતાના બચાવમાં જવાબ જરૂર દાખલ કરીશ. ઈન્સ્ટા સ્ટોરીમાં પહેલી અને બીજી પત્નીનાં વખાણ કરતાં આમિરે કહ્યું છે કે જોકે તે બંને સાથે મારા તલાક નહોતા થયા, પણ તે બંને ઘણી સારી હતી, મારી ઈજ્જત આ રીતે બરબાદ નહોતી કરી. લિયાકતે કહ્યું હતું કે તેમની પહેલી બંને પત્નીએ તેમના નામથી મારું નામ હટાવ્યું હતું અને પછી મારી પાસે તલાક માગ્યા હતા. દાનિયાની નિંદા કરતાં આમિરે કહ્યું હતું કે તું એટલી બહાદુર છે કે 15 વર્ષની ઉંમરમાં તલાક લઈ રહી છે, હવે હું તને અનફોલો કરું છું.

દાનિયાએ ઘણા કેસ નોંધાવ્યા
તલાક સિવાય દાનિયાએ ફેમિલી કોર્ટમાં આમિરના વિરુદ્ધ ઘણા કેસ નોંધાવ્યા છે. પોતાની અરજીમાં દાનિયાએ કોર્ટને એવી પણ ભલામણ કરી છે કે કોર્ટ આમિરને 11.5 કરોડથી વઘુ કેશ, ઘર અને દાગીના આપવાનો આદેશ કરે. આ કેસની સુનાવણી હવે 7 જૂને થવાની છે.

લગ્ન ચર્ચામાં હતા
49 વર્ષના આમિરે 18 વર્ષની દાનિયા સાથે નિકાહ કર્યા પછી ઘણા સમય સુધી તેઓ ચર્ચામાં રહ્યા હતા. બંનેના રોમેન્ટિક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણાં વાઇરલ થયા હતા. લગ્નના ઘણા દિવસો સુધી બંને મીડિયામાં છવાયેલાં રહ્યાં હતાં. ઘણી વખત બંને એવી જ પોસ્ટ અપડેટ કરતા હતા ,જેમાં તે બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલાં દેખાતાં હતાં. બંનેની ઉંમર વચ્ચેનો તફાવત અને પ્રેમના ઈઝહાર પર પણ ઘણાં મીમ્સ બન્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...