પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદરની બે દિવસ પહેલા કરાચીમાં ધરપકડ કરવામાં આવી હતી. સફદરની સોમવારે કરાચીની એક હોટલમાંથી દરવાજો તોડીને ધરપકડ કરાઈ હતી. તે અહીંયા પત્ની મરિયમ સાથે રોકાયા હતા.તેમની ધરપકડ સેના અને રેન્જર્સે કરી હતી.આનાથી સિંધ પ્રાંતની પોલીસ નારાજ છે. આઈજી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ રજા લેવાની જાહેરાત કરી દીધી છે. પછીથી આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તાત્કાલિક ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. IG સાથે વાતચીત કરી. ત્યારપછી પોલીસ અધિકારીઓએ રજા પર જવાનો નિર્ણય 10 દિવસ સુધી ટાળી દીધો હતો.
નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ(PML-N)ના પ્રવક્તા અને સિંધના પૂર્વ ગર્વનર મોહમ્મદ જુબૈરે કહ્યું કે, IGPને સેનાએ કિડનેપ કર્યા. તેમને કેપ્ટન સફદર વિરુદ્ધ FIR કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
રાજકારણમાં ફસાઈ સેના
વિપક્ષ પાર્ટીના સંગઠન પાકિસ્તાન ડેમોક્રેટ ફ્રન્ટે ગત દિવસોમાં પંજાબ પ્રાંતના ગુજરાંવાલા અને કરાચીમાં મોટી રેલીઓ કરી છે.તેમના નિશાના પર સરકારથી વધુ સેના છે. PDMનો આરોપ છે કે સેનાની મિલીભગતના કારણે જ ઈમરાન સત્તામાં આવ્યા છે. હવે તમામ વિપક્ષી પાર્ટી ઈમરાન અને સેના વિરુદ્ધ એકજૂથ થઈને આંદોલન ચલાવી રહ્યા છે, પહેલી વખત સેનાના જનરલનું નામ રાજકીય રેલીઓમાં લેવામાં આવી રહ્યું છે. ISI પણ નિશાના પર છે. એવામાં સરકાર અને સેના બન્ને બાજુથી મુશ્કેલીમાં ફસાયા છે.
પહેલા રજા પછી રાજીનામું
સિંધ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓએ રજાની અરજી આપી છે. જેમાં પોલીસ પ્રમુખ(IGP)ના ઉપરાંત, ત્રણ એડિશનલ આઈજી, 25 આઈજી, 30 એસએસપી અને સેકડોં એસપી, ડીએસપી અને એસએચઓ સામેલ છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, હાલ અમે માત્ર રજા માંગી રહ્યા છીએ. જો સન્માન નહીં કરવામાં આવે તો સામૂહિક રીતે નોકરીમાંથી રાજીનામું ધરી દેશું.
સફદર મામલામાં ભૂલ થઈ
મરિયમ નવાઝના પતિ કેપ્ટન સફદરની કરાચીથી ધરપકડ કરીને સેના ફસાઈ ગઈ છે. કરાચી સિંધ પ્રાંતનો ભાગ છે અને અહીંયા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર છે. અહીંયા વિસ્તારના પોલીસ પ્રમુખ મુશ્તાક મેહર અને તમામ ઉચ્ચ અધિકારીઓએ સેનાની કાર્યવાહીના વિરોધમાં રજા પર જવાની જાહેરાત કરી તો હોબાલો થઈ ગયો. આર્મી ચીફ બાજવા એક્શનમાં આવ્યા અને તેમણે પહેલા પીપીપી ચીફ બિલાવલ ભુટ્ટો સાથે વાતચીત કરી. ત્યારપછી મુશ્તાકને વિશ્વાસ અપાવ્યો કે તે આ કેસની તાત્કાલિક તપાસ કરાવે અને દોષીતોને સજા અપાવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાજવાએ સ્વીકાર્યું કે, તેમના અધિકારીઓએ ભૂલ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.