પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાં સોમવારે હોળી રમી રહેલાં થોડા હિન્દુ વિદ્યાર્થીઓ ઉપર હુમલો થયો. કટ્ટર ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી જમીયત તુલબા(IJT)ના લોકોએ હિન્દુ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી, જેમાં 15 વિદ્યાર્તી ઘાયલ થઈ ગયાં. જોકે, IJTએ હુમલાની વાત નકારી છે. આ મામલા સાથે જોડાયેલાં અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહ્યા છે.
પંજાબ યુનિવર્સિટીના PU લો કોલેજમાં લગભગ 30 વિદ્યાર્થીઓ હોળી રમવા માટે એકઠા થયા હતાં. વિદ્યાર્થીઓ પ્રમાણે, તેમણે તેના માટે કોલેજ પ્રશાસન પાસેથી મંજૂરી લીધી હતી. સિંધ કાઉન્સિલ જનરલ સેક્રેટ્રી કાશિફ બ્રોહીએ જણાવ્યું- ઇવેન્ટ દરમિયાન અચાનક ત્યાં IJT ના લોકો આવી ગયા અને મારપીટ કરવા લાગ્યાં. તેમને ફેસબુક પોસ્ટ દ્વારા હોળી ઉજવવામાં આવી રહી છે તેવી જાણકારી મળી હતી.
કુલપતિ ઓફિસ બહાર ગાર્ડ્સે મારપીટ કરી
હુમલા પછી વિદ્યાર્થીઓ કુલપતિ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતાં. અહીં અનેક ગાર્ડ્સે પણ તેમની સાથે મારપીટ કરી. ગાર્ડ્સે લગભગ 5-6 વિદ્યાર્થીઓને વેનમાં બંધ કરી દીધા જેથી તેઓ પ્રદર્શન કરી શકે નહીં. આ મારપીટમાં ઘાયલ થયેલા એક વિદ્યાર્થી ખેત કુમારે કહ્યું- અમે લોકો કુલપતિ ઓફિસની બહાર IJT કાર્યકર્તાઓના વ્યવહારમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં. ત્યારે જ ત્યાં કોલેજના ગાર્ડ આવ્યા અને અમને મારવા લાગ્યાં. અમે પોલીસ પાસે ફરિયાદ કરવા પણ પહોંચ્યા પરંતુ તેમણે અત્યાર સુધી અમારી FIR નોંધી નથી.
‘વિદ્યાર્થીને લોનમાં હોળી રમવાની મંજૂરી નથી’
જોકે, પંજાબ યુનિવર્સિટીના પ્રવક્તા ખુર્રમ શહજાદે કહ્યું- પ્રશાસને વિદ્યાર્થીઓને કોલેજની લોનમાં હોળી ઊજવવાની મંજૂરી આપી નથી. તેમને અંદર હોળી રમવા માટે કહેવામાં આવ્યું હતું. કુલપતિના આદેશ પછી મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં જ, IJTના પ્રવક્તા ઇબ્રાહિમ શાહિદે દાવો કર્યો છે કે તેમના સંગઠન સાથે જોડાયેલાં કોઈપણ વિદ્યાર્થીએ મારપીટ કરી નથી. તે દિવસે કોલેજમાં કુરાન વાંચવા માટે સભા બોલાવવામાં આવી હકતી અને તેના જ લીધે તેઓ કેમ્પસમાં હાજર હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.