અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડ વિસ્તારમાં 16 જુલાઇએ ઈન્ડિયન ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરાઈ હતી. અત્યારે અહીં તાલિબાન અને પાકિસ્તાનના ધ્વજ એકસાથે લહેરાતા જોવા મળ્યા હતા. આનાથી સ્પષ્ટપણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાકિસ્તાન પ્રમાણિકપણે તાલિબાનનું સમર્થન કરી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાનના 10 હજાર લડવૈયાઓને અફઘાનિસ્તાનના વોર ઝોનમાં મોકલાયા છે. આ લડવૈયાઓને ત્યાં આતંક ફેલાવવામાં તાલિબાનની સહાયતા કરવા અને ઈન્ડિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિનાશ કરવા મોકલાયા છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પાકિસ્તાની સિક્રેટ એજન્સી ISIએ આ લડવૈયાઓને આદેશ આપ્યો છે કે અફઘાનિસ્તાનમાં જેટલા પણ ઈન્ડિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેને ધ્વસ્ત કરી નાખવા. જોકે આ વર્ષની શરૂઆતથી જ આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં ભારતની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડી રહ્યું છે. એટલું જ નહીં આ સંગઠનને પાકિસ્તાન સંપૂર્ણ સહાયતા પણ આપે છે.
ઈન્ડિયાએ અફઘાનિસ્તાનમાં 3 અરબ ડોલરથી વધુ ઈન્વેસ્ટ કર્યા
બે દશકામાં ઈન્ડિયાએ અફઘાનિસ્તાનના વિવિધ સેક્ટર્સમાં 3 અરબ ડોલરથી વધુ ઈન્વેસ્ટ કર્યા છે. આમાં અફઘાનિસ્તાનની અંદર સંસદથી લઇને વિવિધ વિસ્તારોમાં માર્ગોના નિર્માણ કરવાનો પ્રોજેક્ટ પણ સામેલ છે. ઈન્ડિયાએ રસ્તાઓની સાથે અફઘાનિસ્તાનમાં શિક્ષણ જગતની અંદર પણ સારુ યોગદાન આપ્યું છે. અહીં શિક્ષકોની ટ્રેનિંગથી લઈને અભ્યાસ પદ્ધતિ અંગે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં ઈન્ડિયાએ સહાયતા કરી હતી. પાકિસ્તાનના આતંકવાદી જૂથને ભારતના સારા કાર્યો દર્શાવતા તમામ નમૂના અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દેવાનો આદેશ અપાયો હતો.
દાનિશના મૃત્યુ બાદ તાલિબાને શોક વ્યક્ત કર્યો
તાલિબાને શુક્રવારે દાનિશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અમને આ વાતનું ઘણું દુઃખ છે કે પત્રકારો અમને જાણ કર્યા વિના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આવી પહોંચે છે. અમને પણ નથી ખબર કે કોના ફાયરિંગમાં દાનિશનું મોત નીપજ્યું છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં રિપોર્ટિંગ કરતા દરેક પત્રકારે અમને પહેલાથી જાણ કરી દેવી જોઇએ, જેથી અમે તેની સુરક્ષાની સંપૂર્ણ કાળજી રાખીએ.
રિપોર્ટિંગ દરમિયાન દાનિશની હત્યા
ત્રણ દિવસ પહેલા અફઘાનિસ્તાનના કંધારમાં તાલિબાનિઓ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચેના ઘર્ષણમાં દાનિશનું મોત થયું હતું. તે ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે કામ કરતો હતો. 2018માં એણે પુલિત્ઝર અવોર્ડથી સન્માનિત કરાયો હતો. સ્પિન બોલ્ડક જિલ્લામાં દાનિશ છેલ્લા કેટલાક દિવસોથી રિપોર્ટિંગ કરી રહ્યો હતો. અફઘાનિસ્તાનની સ્પેશિયલ ફોર્સ એક રેસ્ક્યૂ મિશન પર હતી, ત્યારે દાનિશ પણ આ ફોર્સની સાથે હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.