Pak PMએ ભાંગરો વાટ્યો:ઈમરાન ખાને કહ્યું - જો મહિલાઓ બહુ ટૂંકાં કપડાં પહેરશે તો એની અસર પુરુષો પર પડશે જ; જાતીય હિંસા માટે પણ તે જ જવાબદાર

ઇસ્લામાબાદ7 મહિનો પહેલા
  • પાકિસ્તાનમાં દરરોજ બળાત્કારની 11 ઘટના નોંધાય છે
  • ઇમરાને કહ્યું- આપણે બુરખાપ્રથાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું પડશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનની જીભ ફરી એકવાર લપસી ગઈ. જાતીય હિંસા અંગે વાહિયાત નિવેદન આપીને બે મહિના પહેલાં વિવાદમાં આવેલા ઇમરાન ફરી એક વખત મહિલાવિરોધી નિવેદન આપીને વિપક્ષના નિશાના પર છે. તેમણે જાતીય હિંસા માટે મહિલાઓને જવાબદાર ઠેરવી છે અને બુરખામાં રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે જાતીય હિંસાની વધતી જતી ઘટનાઓ પાછળ મહિલાઓનાં ટૂંકાં કપડાં જ જવાબદાર છે. તેમણે સમાજને ગેરમાર્ગે દોરવાનું ટાળવું જોઈએ.

પડદાની વ્યવસ્થાની તરફેણ કરી
HBO એક્સિઓસને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને પાકિસ્તાનમાં બળાત્કાર પીડિતા પર આરોપ લગાવવાના કેસ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે ઇમરાને કહ્યું, 'જો કોઈ સ્ત્રી ઓછાં કપડાં પહેરે છે તો એની અસર પુરુષો પર પડશે. જો તે રોબોટ નહીં હોય તો આ કોમન સેન્સ છે.

બળાત્કાર પીડિતાને દોષી ઠેરવવાના તેમના જૂના નિવેદનનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે મેં ક્યારેય પણ બળાત્કાર પીડિતા પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે બુરખાની વ્યવસ્થા એ છે કે સમાજને લાલચથી બચવા માટેની છે.

ઇમરાને મહિલાઓને બુરખામાં રહેવાની સલાહ આપી હતી.
ઇમરાને મહિલાઓને બુરખામાં રહેવાની સલાહ આપી હતી.

આનાથી મારા સમાજને અસર થઈ રહી છે
જ્યારે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર તરીકેના તેમના જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તે મારા વિશે નથી. એ મારા સમાજ વિશે છે. મારી પ્રાથમિકતા એ છે કે સમાજ કેવી રીતે વર્તે છે? જ્યારે હું વધતી જતી જાતીય હિંસાના કેસો જોઉં છું ત્યારે અમે બેસીને એનો કેવી રીતે ઉકેલ કરવો એની ચર્ચા કરીએ છીએ. એનાથી મારા સમાજને અસર થઈ રહી છે.

પાકિસ્તાનમાં રહેવાની રીત અલગ
ઇમરાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં ન તો ડિસ્કો છે કે નાઇટ ક્લબ્સ પણ નથી. અહીંનો સમાજ સંપૂર્ણપણે જુદો છે. અહીં રહેવાની એક અલગ રીત છે. જો તમે અહીં લાલચમાં વધારો કરશો અને જો યુવાઓને ક્યાંય જવાની તક નહીં મળે તો એનાં કંઈક પરિણામ તો સામે આવશે જ.

પહેલાં પણ આપ્યાં છે આવાં નિવેદન
ભૂતકાળમાં પણ ઇમરાને આ પ્રકારનાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે. અગાઉ દેશમાં બળાત્કારની વધતી ઘટનાઓથી ઘેરાયેલા ઇમરાને મહિલાઓને બુરખામાં રહેવાની સલાહ આપી હતી. તેમણે અશ્લીલતા માટે ભારત અને યુરોપને જવાબદાર ગણાવ્યા હતા. ઇમરાને કહ્યું હતું કે આપણે બુરખા રિવાજની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું પડશે, જેથી લાલચથી બચી શકાય.

પાકિસ્તાનમાં દરરોજ 11 બળાત્કારની ઘટના
સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો પાકિસ્તાનમાં દરરોજ બળાત્કારની 11 ઘટના નોંધાય છે. છેલ્લા 6 મહિનામાં અહીં પોલીસ સમક્ષ બળાત્કારની 22 હજાર ફરિયાદ નોંધાઈ છે. જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ દરમિયાન માત્ર 77 આરોપીને સજા આપવામાં આવી છે. આ કુલ કેસોના માત્ર 0.3% છે.

અન્ય સમાચારો પણ છે...