પાડોશી દેશનું રાજકારણ:પાક.ની ગુનાખોર સરકાર, PM શેહબાઝ સામે ચાર મોટા કેસ, હાલ જામીન પર છે

ઈસ્લામાબાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક મંત્રીઓ પર મની લોન્ડરિંગ, ખંડણી અને અપહરણના કેસ

પાકિસ્તાનમાં શેહબાઝ શરીફની આખી નવી સરકાર ગુનાઈત છે. ખુદ વડાપ્રધાન શેહબાઝ શરીફ પર કૌભાંડમાં અનેક આરોપ છે. આમ તો તેઓ પોતાને નિર્દોષ કહે છે, પરંતુ એક ગુનાઈત કેસમાં શેહબાઝ જામીન પર છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર રાજા પરવેઝ અશરફ પર પાવર પ્રોજેક્ટમાં લાંચ લેવાનો આરોપ છે. શેહબાઝના પુત્ર અને પંજાબના મુખ્યમંત્રી હમઝા શરીફ પણ અનેક ગુનાઈત કેસમાં સંડોવાયેલા છે.

હમઝા અને શેહબાઝ પર ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના અનેક કેસ છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાની તો 2019માં ડ્રગ્સના એક કેસમાં ધરપકડ પણ થઈ ચૂકી છે. લાહોરની જેલમાં સનાઉલ્લા છ મહિનાની સજા કાપી ચૂક્યા છે. શેહબાઝ સરકારમાં યોજના મંત્રી અહેસાન ઈકબાલ સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં કૌભાંડનો કેસ દાખલ છે. બાદમાં તેમને જામીન મળ્યા છે. આ સિવાય પણ અનેક મંત્રી જામીન પર બહાર છે.

‘શેહબાઝ પરિવાર’ની 23 સંપત્તિ ફ્રીઝ થઈ ચૂકી છે
શેહબાઝ શરીફ પર ચાર મોટા કેસ પેન્ડિંગ છે. તેમાં આશિયાના હાઉસિંગ સ્કીમનો કેસ સૌથી મહત્ત્વનો છે. 2010ના આ કેસમાં આશિયાના સ્કીમનો કોન્ટ્રાક્ટ તોડી દેવાયો. તેના કારણે રૂ. 19 કરોડનું નુકસાન થયું હતું. નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોએ શેહબાઝને દોષિત ઠેરવ્યા હતા. બીજો કેસ આવકથી વધુ સંપત્તિનો છે. તેમના પરિવારના અન્ય સભ્યો પાસે પણ આવકથી વધુ સંપત્તિ નોંધાયેલી છે. શરીફ પરિવારની 23 જેટલી સંપત્તિ ફ્રીઝ થઈ ચૂકી છે. ત્રીજો કેસ રમજાન સુગર મિલનો છે. નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોના મતે, પંજાબના મુખ્યમંત્રી તરીકે શેહબાઝ શરીફે ચિન્નિઓટ જિલ્લામાં પોતાના પુત્રોને સુગર મિલની વહેંચણીમાં ગરબડ કરી હતી.

શેહબાઝ અને તેમના પુત્ર હમઝાએ પાકિસ્તાન સરકારના ખજાનાને પણ રૂ. 21 કરોડનું નુકસાન પહોંચાડ્યું છે. ચોથો કેસ હુદાયિબા પેપર મિલનો છે, જેમાં શેહબાઝ પર આરોપ છે કે તેમને નવાઝ શરીફના વેવાઈ ઈશહાક ડાર પાસેથી બેન્ક ખાતામાં અબજો રૂપિયા ગેરકાયદે રીતે મળ્યા હતા. બાદમાં લાહોર હાઈકોર્ટે શેહબાઝ વિરુદ્ધ આ કેસમાં મળેલી અરજી ફગાવી દીધી છે. પરંતુ રસપ્રદ એ છે કે શેહબાઝે વડાપ્રધાન તરીકે જે દિવસે શપથ લીધા હતા, તે દિવસે તેમણે આ કેસમાં એક સ્થાનિક કોર્ટમાં હાજર થવાનું હતું. ઈમરાન ખાને હુદાયિબા પેપર કૌભાંડમાં શેહબાઝના નામને મુદ્દો બનાવ્યો હતો. આ કેસમાં પણ શેહબાઝ જામીન પર છે.

પીએમના વિશેષ સલાહકાર નાર્કોટિક્સ કેસમાં અનેક મહિનાની જેલની સજા કાપી ચૂક્યા છે
પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફના વિશેષ સલાહકાર હનીફ અબ્બાસી જુલાઈ 2018માં નાર્કોટિક્સના એક કેસમાં અનેક મહિનાની જેલની સજા કાપી ચૂક્યા છે. અબ્બાસીને નીચલી કોર્ટે આજીવન કેદ ફટકારી હતી. હાઈકોર્ટે 2019માં અબ્બાસીને મુક્ત કરી દીધા. ઈમરાનના પક્ષે અબ્બાસીની નિમણૂક વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.

નેતાઓ ખોટા કેસ નોંધાયાનો દાવો કરે છે, પરંતુ સત્તામાં ભાગીદારી રોકવા કોઈ કાયદો નથી
પાકિસ્તાન સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ બુરહાન લતીફ કહે છે કે કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સામે કેસ નોંધાય ત્યારે ચૂંટણી લડવા કે સત્તામાં ભાગીદારીથી રોકવા કોઈ કાયદો નથી. એટલે મોટા ભાગે લોકો નેતાઓ સામે ખોટા કેસ દાખલ થયાનો દાવો કરે છે. પાકિસ્તાનમાં સત્તા હાંસલ કર્યા પછી વિરોધીઓ પર કેસ કરવા એ પણ સામાન્ય છે.

અન્ય સમાચારો પણ છે...