ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં હોબાળો:ક્રિપ્ટો એક્સચેન્જ FTXના માલિકની 16 અબજની સંપત્તિ રાતોરાત ઝીરો

ન્યૂયોર્ક22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયનાન્સ ખરીદીમાં પીછેહઠ પછી દેવાળિયું ફૂંક્યું

એફટીએક્સના કો-ફાઉન્ડર સેમ બેન્કમેન ફ્રાઇડની 16 અબજ ડૉલરની સંપત્તિ ગણતરીના દિવસોમાં જ ઝીરો થઇ જતા ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં હોબાળો મચી ગયો છે. ફ્રાઇડે ખૂબ ઓછા સમયમાં એફટીએક્સ એક્સચેન્જ સ્થાપીને કરોડો રૂપિયાની સંપત્તિ ઊભી કરી હતી. એફટીએક્સે દેવાળિયુ ફૂંક્યા પછી ફ્રાઇડે શુક્રવારે જ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું.

એક સમયે ક્રિપ્ટોકરન્સીની દુનિયાના 30 વર્ષીય દિગ્ગજ ફ્રાઇડ પાસે 26 અબજ ડૉલરની સંપત્તિ હોવાનું કહેવાતું હતું. એટલું જ નહીં, આ સપ્તાહની શરૂઆતમાં પણ તેની પાસે 16 અબજ ડૉલરની સંપત્તિ હતી, પરંતુ છેલ્લા 24 જ કલાકમાં તેની બધી જ સંપત્તિ ધોવાઇ ગઇ હતી. આ સપ્તાહની શરૂઆતમાં જ અબજો ડૉલરના ફંડની કમીના કારણે એફટીએક્સ અચાનક ધરાશાયી થઇ ગયું હતું. વાત એમ હતી કે, એફટીએક્સએ આ સપ્તાહની શરૂઆતમાં બાયનાન્સ ખરીદવાની ડીલમાં પીછેહટ કરી હતી.

આ દરમિયાન એફટીએક્સ રોકાણકારો પાસેથી 9.4 અબજ ડૉલરનું ભંડોળ ઊભું કરવામાં નિષ્ફળ રહ્યું. કંપનીનું કહેવું છે કે, ફ્રાઇડની ટ્રેડિંગ ફર્મ અલામેડા રિસર્ચ માટે પણ દેવાળિયા કાયદા હેઠળ સંરક્ષણની માંગ કરાઈ છે. એફટીએક્સના દેવાળિયા થવા પાછળ આ ટ્રેડિંગ ફર્મનો પણ હાથ છે. એફટીએક્સએ તેને આશરે 10 અબજ ડૉલર ચૂકવવાના છે.

વૉરેન બફે સાથે તુલના થતી હતી
એફટીએક્સ કંપનીના કો-ફાઉન્ડર સેમ બેન્કમેન ફ્રાઇડ એક સમયે ક્રિપ્ટો બિલિયોનેર તરીકે ઓળખાતા. તેઓ ક્રિપ્ટોની દુનિયાના સૌથી દિગ્ગજ રોકાણકાર મનાતા. અનેકવાર તેમની તુલના શેરબજારના દિગ્ગજ રોકાણકારો વોરેન બફે સાથે પણ કરાતી, પરંતુ ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં અચાનક તેઓ ઝીરો બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...