લાદેનના ખાસની ઘરવાપસી:ઓસામાનો આર્મ્સ સપ્લાયર અને રાઝદાર અમીન ઉલ હક અફઘાનિસ્તાન પરત ફર્યો, 20 વર્ષથી પાકિસ્તાનમાં જ રહેતો હતો

કાબુલ/પેશાવર3 મહિનો પહેલા

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ખુંખાર આતંકીઓ પણ પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે. અલકાયદાના પૂર્વ ચીફ ઓસામા બિન લાદેનનો ઘણો જ નજીકનો સાથીદાર અને આર્મ્સ સપ્લાયર અમીન ઉલ હક 20 વર્ષ પછી અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંત સ્થિત પોતાના ઘરે પરત ફર્યો છે. 9/11 હુમલા પછી લાદેન તોરાબોરાની ગુફાઓમાં સંતાય ગયો હતો. તે સમયે પણ અમીન તેની સાથે જ હતો. તે પછી તે પાકિસ્તાન જતો રહ્યો હતો. હક એક લક્ઝરી કારમાં જ્યારે નાંગરહાર પરત ફર્યો તો તેના સમર્થકોએ તેનું સ્વાગત કર્યું અને તેને પણ કારની અંદરથી જ તેઓનું અભિવાદન સ્વીકાર્યું. અમીનના કાફલામાં કેટલાંક તાલિબાની આતંકીઓ પણ હતા.

ટાઈમિંગનું મહત્વ
અમીન અમેરિકી સેના દ્વારા અફઘાનિસ્તાન છોડવાને માત્ર એક દિવસ પહેલાંજ અફઘાનિસ્તાન પરત ફર્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ તેના પરત ફરવાથી અલ કાયદા ફરી એક વખત શક્તિશાળી બની શકે છે. બ્રિટિશ અખબાર 'ધ ડેઈલ મેલ' દ્વારા જ્યારે અમીન અફઘાનિસ્તાન પરત ફરી રહ્યો છે તે અંગેના પેન્ટાગોનને સવાલ કર્યા તો તેમના પ્રવક્તાએ કહ્યું- આ ઈન્ટેલિજન્સનો મામલો છે. અમે આ મુદ્દે હાલ કોઈ જ કમેન્ટ નહીં કરીએ.

વીડિયો પણ સામે આવ્યો
અમીનની ઘર વાપસીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક વ્હાઈટ લક્ઝરી કારમાં નજરે પડે છે. સમર્થકોની ભીડ વચ્ચે કારનો કાચ થોડો ઉતારે છે અને પછી હાથ હવામાં હલાવે છે. બાદમાં એક જુલુસ કાઢીને તેને ઘર પહોંચાડવામાં આવે છે.

અમીનને લાદેન અને અલકાયદાનું સૌથી મોટું આર્મ્સ સપ્લાયર માનવામાં આવે છે. 2008માં તેને પાકિસ્તાનમાંથી પકડવામાં આવ્યો હતો. લાદેનને ઠાર મારવામાં આવ્યા બાદ લગભગ 6 મહિના પછી તેને છોડી દેવાયો હતો. પાકિસ્તાનની તપાસ એજન્સી અમીન વિરૂદ્ધ કોઈ જ પુરાવા રજૂ કરી શકી ન હતી. હક વર્ષો સુધી લાદેનની સાથે જ હતો અને તેની સુરક્ષાની જવાબદારી સંભાળતો હતો. માનવામાં આવે છે કે 20 વર્ષ તેને પાકિસ્તાનમાં જ પસાર કર્યા છે. તોરાબોરાની ગુફાઓમાં તે લાદેનની સાથે જ ભાગ્યો હતો.

સોવિયત સેનાઓ વિરૂદ્ધ પણ જંગ લડી
રિપોટ્સ મુજબ અમીને અલકાયદામાં સામેલ થયો તે પહેલાં 1980ના દશકામાં સોવિયત સેનાઓ વિરૂદ્ધ પણ જંગ લડી હતી. અમેરિકાએ 2001માં જે ગ્લોબલ ટેરેરિટ્સની યાદી બહાર પાડી હતી તેમાં પણ અમીનનું નામ સામેલ હતું. ઈન્ટેલિજન્સ રિપોટ્સમાં કહેવામાં આવ્યું કે અલકાયદા આગામી 18થી 24 મહિનામાં ફરી મજબૂત બની શકે છે, જે આ દુનિયા માટે નવા ખતરારૂપ હશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની હુકૂમત આવ્યા બાદ આતંકી સંગઠન ફરી એકજૂથ થઈ શકે છે. આમ પણ એક બાજુ જ્યાં ISIS અને તાલિબાન વચ્ચે દુશ્મની છે, તો અલ કાયદા અને તાલિબાન વચ્ચે સારા સંબંધો પણ છે.

અન્ય સમાચારો પણ છે...